સૂચન (suggestion)
January, 2008
સૂચન (suggestion) : કશી ઊંડી તપાસ કર્યા વગર અમુક વિધાનનો સીધેસીધો સ્વીકાર કરવો તે. કશી પણ ચિકિત્સા વગર અન્યનું કથન આખેઆખું સ્વીકારી માણસ તેનાં વિચાર, વલણ અને વર્તનમાં ફેરફાર કરે ત્યારે તે માણસ સૂચનવશ થયો એમ કહી શકાય. તેમ થાય ત્યારે માણસની તાર્કિક રીતે વિચારવાની વૃત્તિ તેટલો વખત કામ કરતી અટકી જાય છે. સંમોહન(hypnotism)ની સ્થિતિ સૂચનવશતાના વ્યાપારની પરાકાષ્ઠા ગણી શકાય. ઐતિહાસિક રીતે જોઈએ તો જાદુ, મંત્રતંત્ર, ધાર્મિક કર્મકાંડ, આસ્થા-ચિકિત્સા (faith healing), વૂડૂ (voodoo) અને બનાવટી અસરો(placebo effect)માં સૂચનની પ્રક્રિયાનો જ ઉપયોગ ભરપૂર પ્રમાણમાં થાય છે. પાખંડી ધર્મગુરુઓ, ચતુર રાજકારણીઓ અને છેતરામણી જાહેરાતો કરનારાઓ આ પ્રક્રિયાનો ગેરલાભ વ્યાપક પ્રમાણમાં લેતા હોય છે. આજકાલ ખૂબ ગાજતા ‘મીડિયા’માં પણ સૂચનનો જબરદસ્ત મારો થતો જોવા મળે છે. બાળકના ઉછેર અને કેળવણીમાં માતા-પિતા અને શિક્ષકો સૂચનવશતાનો આશ્રય લેતા હોય છે. પ્રચારક પોતાની વાત લોકોને ગળે ઉતારવા માટે તેમને સૂચનવશ બનાવતો હોય છે. લોકોને માટે અમુક કાર્ય કરવાની કે અમુક માન્યતા ધરાવવાની ખાસ જરૂરત ઊભી થાય, તેમનું ધ્યાન એકકેન્દ્રિત કરવામાં આવ્યું હોય, તેમનામાં કોઈ અવરોધક વિચાર પ્રવર્તતો ન હોય અને કોઈ પણ કારણે તેમનામાં લઘુતાભાવ જગાડવામાં આવ્યો હોય ત્યારે લોકો સૂચનક્ષમ બની જાય છે. આવા માણસો તર્કની એરણ પર તથ્યોને ચકાસતા હોતા નથી. પંચતંત્રની વાર્તાના બ્રાહ્મણ અને ત્રણ ધુતારાઓની વાર્તામાં આવે છે તેમ માણસ બીજાનો દોરવાયો દોરાઈ જાય છે. ટોળામાં માણસ વિશેષ પ્રમાણમાં સૂચનવશ બને છે અને કેટલીક વાર એટલે સુધી કે તે ગુનાઇત કાર્ય પણ કરી બેસે છે.
સૂચન અને સૂચનવશતા વિશે માનસશાસ્ત્રીઓએ અનેક અભ્યાસો અને પ્રયોગો કર્યા છે. આ પ્રયોગોમાં જોવા મળ્યું છે કે સૂચનવશતા જન્માવવામાં સૂચન કરનારની મહત્તા અને પ્રતિષ્ઠા પાયાનો ભાગ ભજવે છે. એક વાર એક કૉલેજના વિદ્યાર્થીઓ એક કલાકૃતિ જોઈને તેના પર વારી ગયા, પણ જ્યારે તેમને એમ કહેવામાં આવ્યું કે આ ચિત્ર તો સામાન્ય કલાકારે દોર્યું છે ત્યારે તેમનો અભિપ્રાય બદલાઈ ગયો. તેનાથી ઊલટું, તેમણે જેને ‘સાવ સામાન્ય ચિત્ર’ ગણ્યું હતું તેને માટે એમ કહેવામાં આવ્યું કે અમુક નામાંકિત કલાકારે આ ચિત્ર દોર્યું છે ત્યારે તે ‘સામાન્ય ચિત્ર’ અતિ સુંદર બની ગયું. એક પ્રયોગમાં થાળીવાજા પર એકસરખી બે રેકર્ડ વગાડવામાં આવી. વિદ્યાર્થીઓને એમ કહેવામાં આવ્યું કે આમાંથી એક મહાન કલાકારની મૌલિક રચના છે અને બીજી તેનું અનુકરણ છે. આ સૂચનને કારણે વિદ્યાર્થીઓને પહેલી રેકર્ડ ‘અદ્ભુત કલાકૃતિ’ લાગી અને બીજી રેકર્ડમાં તેઓ નાનીમોટી ક્ષતિઓ શોધવા લાગ્યા. એશ નામના મનોવૈજ્ઞાનિકના નેતૃત્વમાં સૂચનવશતા અંગે થયેલો એક પ્રયોગ મનોવિજ્ઞાનમાં ખૂબ જાણીતો છે. આ પ્રયોગમાં વિદ્યાર્થીઓને જુદા જુદા વ્યવસાયો અંગે ક્રમ આપવાનું કહેવામાં આવ્યું. ક્રમ આપતી વખતે તે વ્યવસાયમાં સફળ થવા માટેની બૌદ્ધિક ક્ષમતા અને તે વ્યવસાયની ઉપયોગિતા – એમ બે માપદંડોનો ઉપયોગ કરવાનો હતો. વ્યાપાર, દંતવિદ્યા, પત્રકારત્વ, તબીબી વિદ્યા અને રાજકારણ જેવા વ્યવસાયોને ક્રમાંક આપવાનો હતો. વિદ્યાર્થીઓનાં કેટલાંક જૂથોને કોઈ સૂચન આપવામાં આવ્યું નહિ તો કેટલાંક જૂથોને એમ કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના અમુક જૂથોએ રાજકારણના વ્યવસાયને ઊંચો (કે નીચો) ક્રમ આપ્યો છે. જે જૂથને એમ કહેવામાં આવ્યું કે અમુક જૂથોએ રાજકારણના વ્યવસાયને નીચો ક્રમ આપ્યો છે તે જૂથના વિદ્યાર્થીઓએ રાજકારણના વ્યવસાયને નીચા ક્રમમાં મૂક્યો. તેથી ઊલટું, જે જૂથને એમ કહેવામાં આવ્યું કે અમુક જૂથોએ રાજકારણના વ્યવસાયને ઊંચો ક્રમ આપ્યો છે તે જૂથના વિદ્યાર્થીઓએ રાજકારણના વ્યવસાયને ઊંચો ક્રમ આપ્યો. સૂચનમાં બહુમતીનો પણ પ્રભાવ પડે છે. આ જ કારણે મોટાભાગના લોકો અમારી કંપનીની બનાવટનો જ બધા ઉપયોગ કરે છે કે મોટાભાગના મત અમને જ મળવાના છે એવી હવા ઊભી કરવામાં આવે છે. આજના માર્કેટિંગના જમાનામાં લોકોને સૂચવનશ બનાવીને સામાન્ય કૃતિને પણ ‘બેસ્ટ સેલર’ બનાવાય છે; જ્યારે પરિસ્થિતિ પ્રવાહી હોય, સંદિગ્ધ હોય, એક જ પરિસ્થિતિમાં અનેક અર્થઘટનો શક્ય હોય ત્યારે સૂચનવશતાનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. આવી સૂચનવશતા એ કોઈ વ્યક્તિત્વગુણ છે એમ માનવામાં આવતું નથી.
સૂચનના અન્ય સૂચન (hetero-suggestion) અને સ્વસૂચન (દા.ત., દિવસે દિવસે હું વધારે ને વધારે સાજો સારો થતો જાઉં છું.), પ્રત્યક્ષ અને પરોક્ષ સૂચન, વિધાયક અને નિષેધક, શાબ્દિક અને અશાબ્દિક સૂચન – એવા પ્રકારો સૂચવાયા છે. આજકાલ ઉપયોગમાં લેવાતી તમામ મનશ્ચિકિત્સામાં સૂચનની પ્રક્રિયાનો એક યા બીજી રીતે ઓછાવત્તા પ્રમાણમાં વિનિયોગ કરવામાં આવે છે.
નટવરલાલ શાહ