સુવર્ણ–ધોરણ : ચલણ-વ્યવસ્થાનો એક પ્રકાર, જેમાં કાયદાની રૂએ દેશના મુખ્ય ચલણ(standard currency)ના એકમનું મૂલ્ય પ્રત્યક્ષ રીતે સુવર્ણમાં આંકવામાં આવે છે. આ ચલણ-વ્યવસ્થા હેઠળના કાયદામાં મધ્યસ્થ બૅંકની એ ફરજ બને છે કે તે દેશના ચલણના એકમોના બદલામાં નિર્ધારિત પ્રમાણમાં સોનું આપે અથવા તો સોનાની લગડીને અધિકૃત સિક્કાઓમાં, કોઈ પણ કિંમત લીધા વગર ફેરવી આપે. આ વ્યવસ્થાને ‘મુક્ત ચલણ-વ્યવસ્થા’ કહેવામાં આવે છે.
સુવર્ણ-ધોરણ હેઠળની ચલણ-વ્યવસ્થા દાખલ કરી તેને ટકાવી રાખવા માટે કેટલાંક પગલાં અનિવાર્ય બને છે : (1) દેશનું જે પાયાનું ચલણ હશે તેનું મૂલ્ય સોનામાં નિર્ધારિત કરવું; દા.ત., પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) પહેલા બૅંક ઑવ્ ઇંગ્લૅન્ડની એ ફરજ બનાવી દેવામાં આવેલી કે તે જે કોઈ વ્યક્તિ સોનું વેચવા માગતી હોય તેની પાસેથી એક શુદ્ધ (fine) ઔંસ સોનું 4.2409 પાઉન્ડમાં ખરીદે અને જે કોઈ વ્યક્તિ સોનું ખરીદવા માગતી હોય તેને એક શુદ્ધ ઔંસ જેટલું સોનું 4.2477 પાઉન્ડમાં વેચે. આમ ચલણ અને સોના વચ્ચે મુક્ત નિર્ધારિત ધોરણ મુજબનો વિનિમય એ સુવર્ણ-ધોરણનું હાર્દ ગણાય. (2) દેશમાં મુખ્ય ચલણ ઉપરાંત અન્ય જે જે પ્રકારનું ચલણ ‘સર્ક્યુલેશન’માં મૂકવામાં આવ્યું હોય તે બધા જ પ્રકારનું ચલણ અને મુખ્ય ચલણ વચ્ચે મૂલ્યની સમાનતા જળવાય તેની જોગવાઈ કરવી. બધા જ પ્રકારના ચલણ વચ્ચે મુક્ત પરિવર્તનશીલતા દાખલ કરીને આ બીજા ધ્યેયની પ્રાપ્તિ કરી શકાય છે. (3) સોનાના સિક્કાઓની અમર્યાદ પ્રમાણમાં અધિકૃત રીતે આપ-લે કરી શકાય તેવી વ્યવસ્થા દાખલ કરવી, એટલે કે સોનાના ચલણને ‘unlimited legal tender’નો દરજ્જો આપવો. (4) સોનાની આયાત-નિકાસ મુક્ત રાખવી. (5) કાગદી ચલણ ભલે બહાર પાડવામાં આવે; પરંતુ ચલણ તરીકેનો તેનો દરજ્જો માત્ર પ્રતિનિધિ-નિદર્શક (representative) જેવો જ રાખવો.
સુવર્ણ-ધોરણનાં બે મુખ્ય હેતુઓ કે કાર્યો હોય છે : (1) દેશમાં ચલણના કદ પર નિયંત્રણ રાખવું. (2) વિનિમય-દરની સ્થિરતા જાળવી રાખવી.
પ્રથમ વિશ્વયુદ્ધના ગાળામાં આંતરરાષ્ટ્રીય નાણાવ્યવસ્થામાં ઘણી ઊથલપાથલ અને અવ્યવસ્થા થઈ હતી; પરંતુ 1918માં યુદ્ધ પૂરું થયા પછી સુવર્ણ-ધોરણ ફરી વાર સધ્ધર રીતે દાખલ કરવાનો નિર્ણય 1922માં બ્રુસેલ્સ ખાતે ભરાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદે લીધો અને તે મુજબ 1924માં અમેરિકાએ, 1925માં ઇંગ્લૅન્ડે અને સમયાંતરે યુરોપના અન્ય દેશોએ પોતપોતાના દેશમાં તેનું એક યા બીજા સ્વરૂપે પુન:સ્થાપન કર્યું હતું; પરંતુ તે મૂળ સુવર્ણ-ધોરણ જેટલું મક્કમ ન હતું. છેવટે સપ્ટેમ્બર, 1931માં ઇંગ્લૅન્ડે અને ત્યારબાદ ક્રમશ: અમેરિકા, ગ્રીસ, પોર્ટુગલ, ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા, જાપાન, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોએ એક પછી એક આ સ્વયં વિસર્જિત થઈ રહેલ નાણાવ્યવસ્થાને જાકારો આપ્યો હતો. તેની પડતી માટે ત્રણ મુખ્ય કારણો દર્શાવવામાં આવે છે : (1) કાગદી ચલણ-વ્યવસ્થાની સફળતા; (2) વિશ્વસ્તર પર સોનાના જથ્થામાં થતો ઘટાડો અને (3) સુવર્ણ-ધોરણની ચલણ-વ્યવસ્થા તરીકે આત્યંતિક જડતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે