સુપરસૉનિક ક્રૂઝ મિસાઇલ : ભારત અને રશિયાના સંયુક્ત સહકારથી વિકસાવવામાં આવેલ અને ભારતીય નૌકાદળ અને હવાઈ દળમાં વર્ષ 2001માં દાખલ કરવામાં આવેલ અત્યંત પ્રબળ પ્રક્ષેપાસ્ત્ર. તે ‘ક્રૂઝ’ પ્રકારનું મિસાઇલ છે જે પીજે-10 તરીકે ઓળખવામાં આવે છે. એની શક્તિ એટલી પ્રચંડ છે કે તે બ્રહ્માસ્ત્રની લઘુઆવૃત્તિ ગણાય છે. અવાજ કરતાં પણ વધુ વેગથી તે ઊડી શકે છે અને એકીસાથે ઘણા લક્ષ્યાંકોને વીંધી શકે છે. માત્ર પાંચ મિનિટમાં 280 કિમી. સુધી પ્રહાર કરવાની ક્ષમતા તે ધરાવે છે. અમેરિકા, રશિયા, ચીન અને ફ્રાન્સ પછી આ સુપરસૉનિક મિસાઇલ ધરાવતો ભારત વિશ્વનો પાંચમો દેશ છે. તેની લંબાઈ માત્ર 6.9 મીટર જેટલી હોય છે. દુશ્મનના જહાજ સામે તે છોડવામાં આવે અને તે દેશની મિસાઇલ-વિરોધી સિસ્ટિમ કાર્યરત થાય તે પહેલાં તો આ પીજે-10 મિસાઇલ દુશ્મનના જહાજ પર ત્રાટકી તેને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઇલની ‘પ્રોપલ્ઝન સિસ્ટિમ’ રશિયાના વૈજ્ઞાનિકોએ બનાવી છે, જ્યારે તેની ‘ગ્રાઉન્ડ સિસ્ટિમ’ ભારતીય વૈજ્ઞાનિકોએ વિકસાવી છે. તેનું ઉત્પાદન BRAH-MOS નામની કંપની સાથે થયેલા કરાર મુજબ હવેથી કરવામાં આવનાર છે. આ કંપની ભારત અને રશિયા બંને દેશોના સહકારથી સ્થાપવામાં આવેલી છે. આ મિસાઇલ મોબાઇલ એટલે કે ફરતા લૉન્ચિંગ પૅડ પરથી પણ છોડી શકાય છે. આ શક્યતાને કારણે તે ભારતીય નૌકાદળના યુદ્ધજહાજો તેમજ સબમરીનમાંથી પણ છોડી શકાય તેમ છે. આ મિસાઇલ પરમાણુબૉમ્બ પણ લઈ જઈ શકે છે. ભારત પાસે ‘વિરાટ’ નામનું એકમાત્ર વિમાનવાહક જહાજ છે જેના પરથી આ સુપરસૉનિક ક્રૂઝ મિસાઇલ દુશ્મનનાં ઠેકાણાંઓને અચૂક નિશાન બનાવી શકે છે. જોકે રશિયા પાસેથી એક વિમાનવાહક જહાજ ખરીદવાની વાટાઘાટો હાથ ધરવામાં આવી હતી અને એક વિમાનવાહક જહાજ કોચીન ખાતેના જહાજ-વાડામાં બાંધવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. સાથોસાથ ભારતીય નૌકાદળ રશિયા પાસેથી 300 કિમી. રેન્જ ધરાવતી ક્લબ મિસાઇલ વસાવી રહ્યું છે; જેના પરથી આ સુપરસૉનિક ક્રૂઝ મિસાઇલ છોડી શકાય તેમ છે.
બ્રહ્મોસ – સુપરસૉનિક ક્રૂઝ મિસાઇલ
સુપરસૉનિક ક્રૂઝ મિસાઇલના આવિષ્કાર પૂર્વે ભારતે પૃથ્વી, અગ્નિ, નાગ, ત્રિશૂલ અને સૂર્યા મિસાઇલો વિકસાવ્યાં છે જ અને આ પીજે-10ના આવિષ્કાર સાથે ભારતીય નૌકાદળને ઉત્તર અરબી સમુદ્રથી મલ્લાકા સામુદ્રધુની સુધીના વિસ્તાર પર પ્રભુત્વ અને લશ્કરી ધાક જમાવવાની તક મળી છે. આ નવી ક્રૂઝ મિસાઇલની બીજી લાક્ષણિકતા એ છે કે તેનું નિશાન કદી ચુકાતું નથી; એટલું જ નહિ, પરંતુ દુશ્મનની મિસાઇલ પણ તેના માર્ગને અવરોધી શકતી નથી. છેક 1991માં ભારતીય લશ્કરી વૈજ્ઞાનિકોએ આવી મિસાઇલ વિકસાવવાનો કાર્યક્રમ હાથ ધર્યો હતો. 1995માં તે સંયુક્ત રીતે રશિયા સાથેના સહકાર દ્વારા વિકસાવવાનો કરાર રશિયા સાથે કરવામાં આવ્યો અને ‘બ્રહ્મોસ’ નામની કંપની તે માટે સ્થાપવામાં આવી, જેના પરિપાક રૂપે જ વર્ષ 2001માં તેને સફળતા મળી હતી. પીજે-10 આ તેનું સાંકેતિક નામ છે. ભારતીય ભાષામાં તે ‘સાગરિકા’ નામ ધરાવશે. દરિયાની સપાટી કે જમીન પરથી વધુમાં વધુ 60.7 મીટર (200 ફૂટ) ઊંચાઈએથી તે છોડવાની તજવીજ છે અને તે નિર્ધારિત ઊંચાઈએ ગતિ ધારણ કરતી વખતે માર્ગમાં પર્વતો, ખીણો અને આકાશને આંબતી ઇમારતો (sky-scrappers) આવતાં હોય તો આપમેળે પોતાની ઉડાનમાં જરૂરી ફેરફાર કરવાની અને નિર્ધારિત નિશાન પર ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે. વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે આ સુપરસૉનિક ક્રૂઝ મિસાઇલ રડારના પડદા પર ઝડપી શકાતી નથી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે