સુનીતા વિલિયમ્સ (જ. 19 સપ્ટેમ્બર 1965, યુલ્વીડ, ઓહાયો, અમેરિકા) : અવકાશમાં સૌથી વધારે લાંબા સમય સુધી રહેવાનો મહિલાનો વિક્રમ (2007) પ્રસ્થાપિત કરનાર ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી. તેમના પૈત્રિક વંશનું મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ નામના એક નાનકડા ગામમાં છે; કારણ કે તેમના ડૉક્ટર પિતા દીપક પંડ્યાનો જન્મ આ ગામડામાં થયેલો અને યુવાવસ્થા સુધીનો ગાળો તેમણે તે ગામમાં જ પસાર કરેલો. ડૉક્ટર બન્યા પછી તેઓ અમેરિકા જતા રહ્યા અને હાલ તેઓ મૅસેચ્યૂસેટ્સના ફાલમાઉથમાં રહે છે અને ન્યુરોએનેટૉમિસનો વ્યવસાય કરે છે. સુનીતાની માતા સ્લોવેનિયન મૂળની છે અને તેનું નામ બૉની છે.
સુનીતા વિલિયમ્સ
સુનીતાનું શરૂઆતનું ભણતર મૅસેચ્યૂસેટ્સના નિધમ નગરમાં થયું અને ત્યારબાદ તેઓ અમેરિકાની નેવલ અકાદમીમાં ઉચ્ચ શિક્ષણ માટે જોડાયેલાં, જ્યાંથી 1987માં તેમણે ભૌતિકવિજ્ઞાનમાં બી.એસ.ની પદવી મેળવી હતી. સ્નાતક-કક્ષાની પદવી મેળવ્યા બાદ તેઓ ફ્લૉરિડા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં અનુસ્નાતક પદવી અભ્યાસક્રમમાં જોડાયાં અને એન્જિનિયરિંગ મૅનેજમેન્ટ વિષયમાં એમ.એસ.ની પદવી હાંસલ કરી. 1998માં તેમના જીવનમાં વળાંક આવ્યો. તે વર્ષે જૂન માસમાં ‘નાસા’-(NASA)એ અવકાશયાત્રી માટેની તાલીમ આપવા માટે તેમની પસંદગી કરી અને ઑગસ્ટ, 1998માં તેમના તે અંગેના પ્રશિક્ષણની શરૂઆત થઈ. ‘ઍટલાન્ટિસ’ નામના અવકાશયાનમાં અંતરિક્ષની સફર કરવા માટે જે કેટલાક યુવાનોની પસંદગી થઈ તેમાં સુનીતા એકમાત્ર મહિલા હતાં. તે પૂર્વે ‘નાસા’એ પસંદગી પામેલ આ જૂથને જે પ્રશિક્ષણ આપ્યું હતું તેમાં અવકાશયાનના સંચાલન અને સમારકામ ઉપરાંત માનવશરીર પર અંતરિક્ષના પ્રવાસ દરમિયાન જે અસરો થાય છે તે અસરોનો અભ્યાસ તથા અવકાશયાત્રીઓને કયા પ્રકારનો ખોરાક આપવો જોઈએ તેમનું અધ્યયન વગેરે વિસ્તૃત બાબતોનો સમાવેશ થયો હતો. આ અંતરિક્ષ પ્રવાસ દરમિયાન સુનીતાએ કોઈ પણ મહિલા અંતરિક્ષયાત્રી કરતાં સૌથી વધુ સમય અંતરિક્ષમાં રહેવાનો નવો વિક્રમ સ્થાપિત કર્યો. તે પૂર્વે 1996માં શેનન લુસિડ અંતરિક્ષમાં 188 દિવસ અને 4 કલાક જેટલો સમય રહી હતી. સુનીતા વિલિયમ્સે વર્ષ 2007ના જૂન માસની 16 તારીખે શેનનનો આ અંગેનો વિક્રમ પાર કર્યો હતો અને 23 જૂન, 2007ના રોજ પરોઢિયે તેઓ ધરતી પર પાછાં આવ્યાં ત્યાં સુધી એકંદર 195 દિવસ તે અંતરીક્ષમાં ઍટલાન્ટિસ યાનમાં રહ્યાં હતાં. 10 ડિસેમ્બર 2006ના રોજ તેમનો આ પ્રવાસનો પ્રારંભ થયેલો અને 23 જૂન 2007ના રોજ તે પૂરો થયો હતો. સુનીતાએ તેમના અંતરિક્ષના આ પ્રવાસ દરમિયાન જે બીજો વિક્રમ પ્રસ્થાપિત કર્યો છે તે લાંબામાં લાંબા સમય દરમિયાન સ્પેસ વૉકનો છે. વર્ષ 2007ની શરૂઆતમાં તેમણે 29 કલાક અને 17 મિનિટ સ્પેસ વૉક કરીને કૅથરિન થાર્નટનનો અગાઉનો વિક્રમ પાર કર્યો હતો. ઉપરાંત એપ્રિલ, 2007માં અવકાશમાં કસરત કરવાની મેરેથોન કરનાર સુનીતા દુનિયાનાં સર્વપ્રથમ મહિલા અંતરિક્ષયાત્રી બન્યાં છે. મૅરેથૉન માટે તેણે 4 કલાક અને 24 મિનિટનો સમય લીધો હતો. જે દિવસે સુનીતા ધરતી પર સહીસલામત ઊતરી તે દિવસ, એટલે કે 23 જૂનનો દિવસ ‘નાસા’એ ‘સુનીતા વિલિયમ્સ દિવસ’ તરીકે ઊજવવાનો નિર્ણય કર્યો હતો અને તેમના ભાગ રૂપે તે દિવસે ‘નાસા’નો આખો પરિવાર લાલ વસ્ત્ર પહેરશે એવો પણ નિર્ણય કરવામાં આવેલો. 23 જૂન, 2007ની મધ્યરાત્રે ભારતીય સમય પ્રમાણે 1.20 કલાકે સુનીતા અને અન્ય છ અંતરિક્ષયાત્રીઓએ કૅલિફૉર્નિયાના એડવર્ડ ઍરફોર્સ મથક પર સફળ ઉતરાણ કર્યું હતું. તે પૂર્વે ભારતીય મૂળના કે સાચા અર્થમાં ભારતીય ગણાય તેવા જે સાહસિકોએ અંતરિક્ષનો પ્રવાસ ખેડ્યો હતો તેમાં કલ્પના ચાવલા (ભારતીય મૂળની મહિલા) અને ભારતીય હવાઈ દળના બાહોશ સ્કવૉડ્રન-લીડર રાકેશ શર્માનો સમાવેશ થાય છે. રાકેશ શર્માએ 1984માં ભારત-રશિયાના સંયુક્ત સાહસ રૂપે રશિયન સૅલ્યૂટ સેવન નામના સ્પેસ શટલમાં અંતરિક્ષનો આઠ દિવસનો સફળ પ્રવાસ કર્યો હતો. 2 એપ્રિલ, 1984ના રોજ રાકેશ શર્મા અંતરિક્ષમાં પહોંચ્યા હતા અને 10 એપ્રિલ, 1984ના રોજ તેઓ હેમખેમ ધરતી પર પાછા આવ્યા હતા.
સુનીતા અમેરિકાના નાગરિક માઇકલ જે. વિલિયમ્સને પરણ્યાં છે અને એ રીતે પણ સુનીતા જન્મથી અને લગ્નથી અમેરિકાનાં નાગરિક છે. સપ્ટેમ્બર, 2007માં તેમણે ગુજરાતનો પ્રવાસ ખેડ્યો હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે