સુદામા, અન્ના રામ (જ. 23 મે, 1923, રુનિયા બારાબસ, જિ. બિકાનેર, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી નવલકથાકાર, કવિ અને વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘મેવાઈ રા રુંખ’ બદલ 1978ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે તેમની નાની વયે તેમના પિતા ગુમાવ્યા અને તેમની આજીવિકા માટે ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડી. માસિક રૂપિયા વીસના પગારથી શિક્ષક તરીકે કામગીરી કરી. 1962માં રાજસ્થાન યુનિવર્સિટીમાંથી તેમણે હિંદીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. જોકે નાની ઉંમરે તેમણે લેખનકળા હાંસલ કરી હતી. 1968માં તેમને તેમની પ્રથમ નવલકથા ‘મેંકતી કાયા : મલકાતી ધરતી’થી ખૂબ સારી ખ્યાતિ મળી.
તેમણે કુલ 20 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘મેંકતી કાયા : મલકાતી ધરતી’ (1968), ‘મેવાઈ રા રુંખ’ (1977), ‘અચૂક ઇલાજ’ (1991) તેમની નવલકથાઓ છે. ‘પેરોલ મેં કુતી બ્યાઈ’ (1963) કાવ્યસંગ્રહ છે. હિંદીમાં : ‘ઉત્સુક ગાંધી ઉદાસ ભારત’ તેમનો પ્રવાસગ્રંથ છે. ‘આંગણ નદિયા’ (1990) અને ‘આઝુ દૂરી અધૂરી’ (1996) તેમની બીજી નવલકથાઓ છે, તે ઉપરાંત એક વાર્તાસંગ્રહ પણ તેમણે આપ્યો છે.
‘મેવાઈ રા રુંખ’ નામની તેમની પુરસ્કૃત કૃતિમાં ગ્રામીણ જીવન, ઊંડો માનવતાવાદી દૃષ્ટિકોણ, પ્રભાવશાળી પાત્રાલેખન અને ભાષા પરનું પ્રભુત્વ પ્રતીત થાય છે. મહાકાવ્યની રીતે સ્વાદ આપતી આ નવલકથાથી રાજસ્થાની સાહિત્યમાં ઉલ્લેખનીય ઉમેરો થયો છે. આ સામાજિક નવલકથામાં તેમણે તમામ કોમ અને વ્યવસાયના લોકોની વસ્તીવાળા જીવનસર નામના ગામના રોજિંદા જીવનનું આબેહૂબ ચિત્રાંકન કર્યું છે.
બળદેવભાઈ કનીજિયા