સુદર્શન તળાવ : ભારતનું માનવસર્જિત સૌથી પ્રાચીન તળાવ. જૂનાગઢ-ગિરનારમાં સમ્રાટ અશોકનો લેખ કોતરેલો છે તે જ શૈલ પર આવેલા ક્ષત્રપ રાજા રુદ્રદામા 1લા અને ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના શિલાલેખોને આધારે આ પ્રાચીનતમ તળાવ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. ગિરિનગર – વર્તમાન જૂનાગઢમાં આવેલું આ તળાવ મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય (સૂબા) વૈશ્ય પુષ્પગુપ્તે કરાવેલું. મૌર્ય સમ્રાટ અશોકના સમયમાં તેના રાષ્ટ્રીય યવનરાજ તુષાસ્ફે એ તળાવમાંથી નહેરો કરાવી હતી. આમ એ સમયે સિંચાઈની સગવડ કરવામાં આવી હતી. ક્ષત્રપ રાજા રુદ્રદામા 1લાના સમયમાં શક વર્ષ 72(ઈ. સ. 150)માં અતિવૃષ્ટિ થવાને કારણે ઊર્જયત (ગિરનાર) ગિરિની નદીઓમાં ભારે પૂર આવ્યાં, સુદર્શન તળાવનો સેતુ તૂટી ગયો અને તળાવ ખાલીખમ થઈ ગયું. સૂબા સુવિશાખે એને સમરાવવા ભલામણ કરી; પરંતુ મહાક્ષત્રપના મતિ-સચિવોએ અને કર્મચારીઓએ સેતુના સમારકામ માટે ઉત્સાહ દાખવ્યો નહિ. સેતુનું પુનર્નિર્માણ નહિ થાય એ નિરાશાથી પ્રજામાં હાહાકાર થઈ ગયો. સુવિશાખના આગ્રહથી મહાક્ષત્રપ રુદ્રદામાએ સેતુના પુનર્નિર્માણનું કાર્ય મંજૂર કર્યું અને પ્રજા પાસેથી કરવેરા લીધા વિના રાજકોશમાંથી પુષ્કળ ધન ખર્ચીને થોડા વખતમાં મજબૂત સેતુ બંધાવી સુદર્શન તળાવને પહેલાં કરતાં પણ વધુ સુદર્શન બનાવ્યું. મૌર્યકાલીન અને ક્ષત્રપકાલીન સુદર્શન વિશેની માહિતી રુદ્રદામા 1લાના શિલાલેખમાંથી જાણવા મળે છે.
ગુપ્તકાલમાં સ્કંદગુપ્તના સમયમાં ગુપ્ત સંવત 136(ઈ. સ. 455)ના વર્ષાકાલમાં અતિવૃષ્ટિ થવાથી સુદર્શનનો સેતુ ફરી તૂટી ગયો અને જળાશય ખાલી થઈ દુર્દર્શ બની ગયું. પ્રજામાં ભારે હાહાકાર વર્તી ગયો. નગરાધ્યક્ષ ચક્રપાલિને ગોપ્તા, રાજા તથા નગરના હિત અર્થે પુષ્કળ ધન ખર્ચી બે માસની અંદર સુદર્શનનો સેતુ સમરાવી દીધો. ગિરનારમાં આવેલા સ્કંદગુપ્તના સુંદર સંસ્કૃત પદ્યમાં રચાયેલા શિલાલેખ દ્વારા ગુપ્તકાલીન સુદર્શન તળાવ વિશે જાણવા મળે છે. ગુપ્તકાલમાં સમરાવેલા સુદર્શનને તો શાશ્વતકાલ ટકે તેવું શિલાલેખમાં જણાવ્યું છે; પરંતુ હાલ આ તળાવ ત્યાં મોજૂદ નથી તેમજ તેના અવશેષો પણ જોવા મળતા નથી. જૂનાગઢના વર્તમાન દામોદર કુંડથી પશ્ચિમે ગિરનાર દરવાજા સુધી અને ઉત્તરે ધારાગઢ દરવાજા સુધીના ખીણપ્રદેશમાં કૃત્રિમ સેતુ (બંધ) વડે સુદર્શન તળાવ રચવામાં આવ્યું હશે એમ અનુમાન કરી શકાય.
થૉમસ પરમાર