સુતાર, રામ વણજી (જ. 19 ફેબ્રુઆરી 1925; અ. 18 ડિસેમ્બર 2025) : વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા – વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યૂ ઑવ્ યુનિટી(SOU)ના શિલ્પકાર. બૉમ્બે પ્રેસિડેન્સીના ખાનદેશ જિલ્લાના ગોંડુર ગામમાં વિશ્વકર્મા બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા સુથાર હતા એટલે શિલ્પકલા તેમને વારસામાં મળી હતી.

પ્રારંભિક શિક્ષણ તેમના ગામમાં જ લીધું હતું. એ દરમિયાન ગુરુ રામકૃષ્ણ જોશી પાસેથી શિલ્પકારીની કલા શીખી. ત્યારબાદ તેમણે મુંબઈની જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સમાં પ્રવેશ મેળવ્યો. તે પછી તેમણે થોડો સમય નોકરી પણ કરી. 1958માં તેઓ દિલ્હીમાં સ્થળાંતર થયા અને નોઇડામાં પોતાનો સ્ટુડિયો ખોલ્યો. સ્ટેચ્યૂ ઑવ યુનિટી-SOUના સર્જક તરીકે તેમની ઓળખ ઊભી થઈ છે. આ પ્રતિમાની ડિઝાઇન તેમણે કરી હતી. 93 વર્ષની જઈફ વયે તેમણે આ પ્રતિમાને આકાર આપ્યો. આ પ્રતિમા ગુજરાત રાજ્યના કેવડિયા કૉલોની પાસે નર્મદાવેલી ખાતે આવેલી છે. આ પ્રતિમા 597 ફૂટ એટલે કે 182 મીટર ઊંચી છે. તેનું વજન 1700 ટન છે. 85% કોપર, 5% ટીન, 5% લેડ અને 5% જસતનું મિશ્રણ કરીને પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. રામ સુતારના ઑબ્ઝર્વેશન હેઠળ આ પ્રતિમાનું કાસ્ટિંગ ચીનમાં થયું હતું. આ મિશ્રણની ખાસિયત એ છે કે તેને ક્યારેય કાટ નથી લાગતો. તેમજ પાણી, માટી અને ભારે વરસાદની પણ અસર નથી થતી. રામ સુતાર આ પ્રતિમા વિશે જણાવે છે કે, ‘આ મારા જીવનની સૌથી મોટી પ્રતિમા છે. જ્યારે મેં આ પ્રતિમા બનાવવાનું શરૂ કર્યું તે પહેલાં મેં સરદાર વલ્લભભાઈ પટેલ વિશે સંપૂર્ણ અભ્યાસ કર્યો હતો. તેઓ કેવી રીતે કપડાં પહેરે છે, કઈ રીતે ચાલે છે, કઈ રીતે વિચારે છે તે બધી બાબતો ધ્યાનમાં રાખીને સ્ટેચ્યૂ ઑવ્ યુનિટી ઘડવામાં આવ્યું છે.’ આ પ્રતિમાનું અનાવરણ 31 ઑક્ટોબર, 2018ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયું હતું અને રાષ્ટ્રાર્પણ કરવામાં આવ્યું હતું.

રામ સુતારે તેમના સો વર્ષના જીવનકાળ દરમિયાન 400 ઉપરાંત મૂર્તિઓ બનાવી હતી. તે પૈકી મહાત્મા ગાંધીની 350થી વધુ પ્રતિમાઓ બનાવી હતી. તેમણે માત્ર ભારતમાં જ નહિ, પરંતુ યુનાઇટેડ, દ ફ્રાન્સ અને ઇટાલી સહિત વિશ્વના ઘણા દેશોમાં ગાંધીજીની પ્રતિમાઓ બનાવીને ભારતને ગૌરવ અપાવ્યું છે. તેમણે ગાંધીજી, સરદાર પટેલ, ડૉ. આંબેડકર જેવી મહાન વિભૂતિઓની પ્રતિમાઓ ઉપરાંત ભગવાન શ્રી રામ, શિવ, ચંબલ માતા, મહારાજા રણજિતસિંહ, છત્રપતિ શિવાજી મહારાજ, સંભાજી મહારાજ, ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુ, મહાત્મા ફૂલે વગેરેની પ્રતિમાઓ બનાવી હતી. અયોધ્યામાં લતા મંગેશકર ચોકમાં સ્થાપિત વિશાળ વીણા પણ તેમની શિલ્પકલાનું ઉદાહરણ છે. અમૃતસરમાં વૉર મેમોરિયલમાં લગાવવામાં આવેલી દુનિયાની સૌથી મોટી તલવાર તેમનું જ સર્જન છે.  સંસદભવન પરિસરમાં આવેલી ગાંધીજીની પ્રતિમા પણ તેમણે જ બનાવી છે.

શિલ્પકલાના ક્ષેત્રે તેમણે આપેલા અનન્ય પ્રદાનની કદર માટે તેમને પદ્મશ્રી (1999), પદ્મભૂષણ (2016), ટાગોર પુરસ્કાર (2016) મહારાષ્ટ્ર ભૂષણ(2024)થી નવાજવામાં આવ્યા હતા.

થૉમસ પરમાર