સુજાતખાનની મસ્જિદ : અમદાવાદમાં આવેલી મુઘલ કાલની મસ્જિદ. મીરઝાપુરથી જતાં જનરલ પોસ્ટ ઑફિસની સામે આ મસ્જિદ આવેલી છે. આ મસ્જિદ 22.2 × 12.5 મીટરનો વિસ્તાર ધરાવે છે. એની ઉત્તરની દિશામાં મકબરો આવેલો છે. મસ્જિદના મુખભાગમાં પાંચ કમાનો છે. તેમાંની વચ્ચેની કમાન 3.09 મીટર ઊંચી જ્યારે પડખેની કમાનો 3 મીટર ઊંચી છે. મુખભાગના બંને છેડાએ ચાર મજલા ધરાવતા અષ્ટકોણ મિનારા છે. અગાશીએ જવાની સીડી દક્ષિણ બાજુએ રચેલી છે. છત પર ત્રણ મોટા ઘૂમટ છે. મસ્જિદની દીવાલો અને અંદરની કમાનોમાં 2.1 મીટર ઊંચાઈ સુધી આરસ જડેલો છે અને ઉપરના ભાગમાં ચૂનાનું પ્લાસ્ટર કરેલું છે. પશ્ચિમની દીવાલમાં પાંચ મહેરાબ છે. મધ્યના મહેરાબ પર હિ. સં. 1107(ઈ. સ. 1695-96)નો ફારસી શિલાલેખ છે. આ મહેરાબની બાજુમાં પીળા આરસનું ત્રણ પગથિયાં ધરાવતું મિંબર આવેલું છે. મસ્જિદની ઉત્તરે સુજાતખાનનો રોજો આવેલો છે. 16.4 × 16.4 મીટરના આ રોજાની દરેક બાજુએ પાંચ પાંચ કમાનો કરેલી છે. મોટા ઘૂમટની નીચે કેન્દ્રમાં સુજાતખાનની કબર છે. આ મકબરાની પાછળ એક બીજો નાનો મકબરો છે તે સુજાતખાનની પુત્રીનો હોવાનું જણાય છે. મસ્જિદના ચોકને ફરતી મુસાફરખાના તથા મદરેસાની અને અન્ય ઇમારતો પાછળના સમયની છે.
થૉમસ પરમાર