સુખમની (આશરે 1604) : ‘આદિ ગ્રંથ’માં સમાવિષ્ટ એક દીર્ઘ કાવ્યરચના. ‘આદિ ગ્રંથ’ના સંકલનકાર અને સંપાદક પાંચમા શીખ ગુરુ અર્જુન દેવ(1563-1606)-રચિત ‘સુખમની’ તેમની શ્રેષ્ઠ કૃતિ ગણાય છે. ‘ગ્રંથસાહિબ’માંની તેમની રાગ માઝમાં રચેલી દીર્ઘ કાવ્ય-રચનાઓને મુખ્ય ત્રણ વર્ગમાં વિભાજિત કરી શકાય : (1) ‘સુખમની’ (‘પીસ ઑવ્ માઇન્ડ’ અથવા ‘ધ જૂઅલ ઑવ્ પીસ’); (2) ‘બાવન આખરી’ (‘ફિફ્ટી-ટૂ લેટર્સ’) અને (3) ‘બારા માહા’ (‘ટ્વેલ્વ મન્થ્સ’).
આ ત્રણ પૈકી પ્રથમ બે શીખ-ઉપાસનાની સૌથી વધુ લોકપ્રિય રચનાઓ છે. ‘સુખમની’ની રચના ભારતીય શિષ્ટમાન્ય પરંપરાની કેટલીક પ્રસિદ્ધ કાવ્યકૃતિઓની શૈલીમાં કરવામાં આવેલી છે. તેમાં ‘શ્ર્લોક’ અને ‘અષ્ટપદી’ – એવાં બે સ્વરૂપોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે દરેક 24ની સંખ્યામાં છે. દરેક અષ્ટપદીની આગળ એક શ્ર્લોક આવે છે, જેમાં સામાન્ય રીતે અષ્ટપદીનો સાર આપેલો છે. તેની ભાષા ક્યારેક આધુનિક પંજાબી અને જૂની વ્રજ કે સાધ્વી રહી છે. તેની શૈલી અને વિષયવસ્તુની રજૂઆત વિનીત અને વિશિષ્ટ છે. મુખ્યત્વે તમામ પ્રકારના શારીરિક ભોગવિલાસ અને માનસિક અસ્વસ્થતામાંથી નામ-સ્મરણ અને સંયમી જીવન જીવવા પર તેમાં મુખ્ય ભાર મૂકવામાં આવ્યો છે. તેનો ઠીક ઠીક ભાગ સંતપુરુષ અને બ્રહ્મજ્ઞાનીની વ્યાખ્યા અને વર્ણન પાછળ રોકાયો છે. જોકે બીજા ભાગમાં લેખકે સંતપુરુષો પ્રત્યે શત્રુતાભર્યું અને દમનકારી વર્તન કરનાર વ્યક્તિઓને સખત શબ્દોમાં વખોડી કાઢી છે.
દરેક અષ્ટપદી દસ-દસ કડીની બનેલી છે. આમ એક શ્ર્લોક પછી 80 કડીઓ આવે છે અને દરેક દસમા પદને અંતે ગુરુ નાનકનું નામ આવે છે. અહીં માનવ-અસ્તિત્વનાં પુરુષાર્થને પરમ તત્ત્વના નામનું અથવા સ્વરૂપનું સ્મરણ-મનન કરીને પરમ આનંદ પ્રાપ્ત કરવા તરીકે વર્ણવ્યો છે. આ પ્રક્રિયાનાં વિવિધ પાસાં અને તબક્કાઓના વિસ્તાર દ્વારા ગુરુએ આખી રચનામાં આધ્યાત્મિક સિદ્ધિની વિષયવસ્તુ પ્રતિપાદિત કરી છે. ધાર્મિક પ્રતીકવાદની બોલીમાં તેઓ માનવીને ઈશ્વરનું નામસ્મરણ કરવાનો ઉપદેશ આપે છે કે જેના દ્વારા તે મોક્ષના અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરી શકે.
આ કાવ્યનું વિષયવસ્તુ સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે આપી શકાય : (1) કોઈ પણ ધાર્મિક પ્રણાલીમાં દિવ્ય નામસ્મરણ ઉચ્ચ કોટિનું છે. (2) આ નામસ્મરણ માણસને માયાની ચુંગાલમાંથી મુક્ત કરવા સમર્થ છે. (3) પોતે નિર્ગુણ અને સગુણ હોઈ, ઈશ્વર તમામ અસ્તિત્વનો આધાર અને સ્રોત છે. પરમ તત્ત્વને પામવાનો ખ્યાલ હિંદુ અને મુસ્લિમ – બંનેના મધ્યકાલીન સમન્વયની ભાવનાનું પરિણામ છે. (4) ‘સુખમની’ના શબ્દો અનુસાર પોતાના આત્મામાં પરમતત્ત્વને પામનાર વ્યક્તિ ‘સંત’ અથવા ‘બ્રહ્મજ્ઞાની’ બને છે. આવી વ્યક્તિ પરમતત્ત્વથી ભિન્ન રહેતી નથી. તે ભય કે વેરભાવ વિનાનું સંતોષી અને પરિપૂર્ણતાનું જીવન જીવે છે. (5) કાવ્યના પ્રારંભમાં જણાવ્યું છે કે માનવીનું આધ્યાત્મિક પરિવર્તન પરમાનંદની સ્થિતિ છે.
આમ તેમાં ગૂઢાગ્રહ કે દાર્શનિક ચર્ચા નથી, પરંતુ જીવનના પ્રશ્નો પ્રત્યેનું વ્યવહારુ દૃષ્ટિબિંદુ છે. તેમાં ભક્તિરસ, જ્ઞાનરસ સાથે ભાષાની પ્રાસાદિકતા છે. તેની લોકપ્રિયતાને કારણે ધર્મપ્રેમી શીખો ગુરુદ્વારા કે ઘેર દિવસમાં એક વાર તેનો પાઠ કરતા હોય છે, કારણ કે ‘સુખમની’ મનને સુખ આપનારી વાણી ઉપરાંત શાશ્વત સુખનો પ્રકાશ ફેલાવનાર મણિ પણ છે. આ કાવ્યકૃતિના અનુવાદ ગુજરાતીમાં રામપ્રસાદ બક્ષી અને મગનભાઈ દેસાઈએ આપ્યા છે.
જયંત રેલવાણી
બળદેવભાઈ કનીજિયા