‘સુકાની’ (જ. 25 સપ્ટેમ્બર 1896, મુંદ્રા, કચ્છ; અ. 22 સપ્ટેમ્બર 1958, ચેન્નાઈ) : નવલકથાકાર, નિબંધકાર તેમજ વહાણવટાના તજ્જ્ઞ. મૂળનામ બૂચ ચંદ્રશંકર અમૃતલાલ. વતન મુંદ્રા-કચ્છ. શિક્ષણ મુંબઈમાં. 1918માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. થયા. તે પછી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં એક વર્ષ ફેલો તરીકે તથા તે પછી પાંચ વર્ષ સંસ્કૃત-અંગ્રેજીના અધ્યાપક તરીકે કામ કર્યું. અભ્યાસ દરમિયાન 1914થી 1918 સુધી મુંબઈની શ્રીમદ્ ભગવદગીતા સંસ્કૃત પાઠશાળામાં માનાર્હ અધ્યાપક તરીકે શિક્ષણ-સેવા આપી હતી.
ચંદ્રશંકર ઈ. સ. 1923માં શ્રી સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીમાં ઑફિસ-મૅનેજર તરીકે જોડાયા. તે પછી બઢતી મેળવી કંપનીના જૉઇન્ટ જનરલ મૅનેજરના પદ સુધી પહોંચી, 1952માં નિવૃત્ત થયા. વિદ્યાસંસ્થાઓમાં લંડનની રૉયલ ઇકૉનૉમિક સોસાયટી તથા સાગરશાસ્ત્રના અભ્યાસીઓની ‘હાફલ્યૂટ સોસાયટી’ તથા ‘નેવી ગેઇજ’ના પણ તેઓ સભ્ય હતા; ને મુંબઈના ‘જસ્ટિસ ઑવ્ ધ પીસ’ તથા ‘પ્રેસિડેન્સી મૅજિસ્ટ્રેટ’ પણ હતા. થિયૉસૉફિકલ સોસાયટીના તેઓ આજીવન સભ્ય હતા. એમનાં પત્ની પ્રેમદાબહેનની સામાજિક સેવાઓ પણ નોંધપાત્ર હતી. તેમને છ પુત્રીઓ અને બે પુત્રો હતાં.
‘સુકાની’એ એમનો વિદ્યાવ્યાસંગ ઉત્તરોત્તર વધાર્યો હતો. સૂરતમાંથી વિજયરાય વૈદ્ય અને બટુભાઈ ઉમરવાડિયા દ્વારા પ્રગટ થતા ‘ચેતન’ માસિક તથા કરાંચીથી ડોલરરાય માંકડે શરૂ કરેલા ત્રૈમાસિક ‘નાગરિક’ના સહતંત્રી તરીકે એમણે સેવાઓ આપી હતી. એમની વ્યાવસાયિક અનુભવદક્ષતાને લક્ષમાં લઈને ભારત તેમજ વિદેશોમાં અને યુનો દ્વારા રચાયેલી વહાણવટા-વિષયક સમિતિઓમાં નિષ્ણાત સલાહકારની કામગીરી પણ એમણે અદા કરી હતી. 1956નો ‘કુમાર’ ચંદ્રક એમને એનાયત થયો હતો.
સંસ્કૃત ભાષા-સાહિત્યના અભ્યાસી ચંદ્રશંકરે હાજી મહંમદ અલારખિયાના ‘વીસમી સદી’ માસિકમાં અભ્યાસલેખો અને ‘કુમાર’ તથા ‘નવચેતન’માં વાર્તાનાટક-લેખનથી સર્જનની શરૂઆત કરેલી. તેમણે ઐતિહાસિક અન્વેષણનો નિબંધ ‘રુદ્ર, શિવ અને લિંગ સંપ્રદાય’ (1929) તથા ડોલરરાય માંકડ સાથે ‘રુદ્રાધ્યાયી’(1929)નો સટીક અનુવાદ સંપાદન કરીને આપેલ છે. અલબત્ત, એમને સવિશેષ ખ્યાતિ તો મળી ‘સુકાની’ ઉપનામથી લખેલી સાગરકથાઓથી. આ સાગરકથાઓ વાસ્તવમાં વહાણવટા-નૌકાયન વિશેનાં એમનાં અભ્યાસ-ભક્તિનાં, સાહસિક વીરતા પ્રત્યેના સન્માનભાવ ને અહોભાવનાં, કથનકલાસામર્થ્યનાં અને સમાજ-સંસ્કૃતિ-ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન વગેરે વિષયો વિશેની એમની બહુશ્રુતતાનાં સુફળરૂપ છે.
‘દેવો ધાધલ’ (1963) એ એમની ‘કુમાર’ માસિકમાં 1956-1957 દરમિયાન ધારાવાહી છપાયેલી અંતિમ નવલકથા છે. એ પૂર્વે એમની પાસેથી આપણને ‘ધુડાકિયો બાણ’ તથા ‘સાગવાનનું હૈયું’ નામક કથાઓ પણ પ્રાપ્ત થઈ છે. ‘ધુડાકિયો બાણ’ને શ્રી મેઘાણીએ ઉષ્માપૂર્વક આવકારેલી. ‘દેવો ધાધલ’ વિષયવસ્તુની ષ્ટિએ અનોખી એવી સમુદ્રના સાવજોની સાહસકથા છે. હેતુલક્ષી અને માહિતીસભર હોવા છતાં આ કથા રોમાંચક રીતે વાસ્તવિકતાનું વાતાવરણ રચે છે. આજથી સવા બસો વર્ષ પૂર્વેનો જમાનો એમાં આલેખાયેલો છે. આ સાગરકથામાં શૂરવીર સાગરખેડુ દેવરાજ ધાધલની કચ્છ-માંડવીથી શરૂ થયેલી અને સુદૂર પૂર્વના દેશોની, ‘રાવળનાથ’ નામક વહાણમાં કરેલી સાગરયાત્રાની સાથે અજયપાલ અને સોનલની પ્રણયકથા પણ માર્દવપૂર્વક ગૂંથાઈ છે. સવા બસો વર્ષ પૂર્વેના ગુજરાતી વહાણવટાનો પ્રતીતિકર પરિવેશ, તેની દસ્તાવેજી શાસ્ત્રીયતા અને પ્રભાવક કથનકળાથી નવલકથા રસાવહ બની શકી છે. ગુજરાતનાં સોળથી સિત્તેર વર્ષનાં યુવકો અને યુવતીઓને ‘એમનાં ઓજસ અને સાહસ સમગ્ર ભારતવર્ષને દીપાવે’ – એવી શુભેચ્છાથી અર્પણ કરાયેલી અને અઢારમી સદીના વાતાવરણ-વિશેષને આલેખતી આ સાહસકથા રંજનકથા(romance)નાં તત્ત્વોથી સભર હોવા સાથે વીરરસપ્રધાન સાગરકથા પણ છે. કથાંતે 36 પાનાંમાં મુકાયેલાં 17 પરિશિષ્ટો અને કથાપ્રસંગનાં રેખાંકનોચિત્રોની અભ્યાસપૂર્ણ સામગ્રી ‘સુકાની’ની બહુશ્રુતતાનો પરિચય કરાવે છે.
‘સુકાની’એ ‘નવચેતન’ માસિકમાં પ્રકાશિત કરેલા વેશ્યાજીવન પર આધારિત નાટક ‘કોકની બહેન’ તથા ‘નાળવાનું ખમીર’, ‘હડકીવારી આઈ’ જેવી સાગરજીવન સાથે સંકળાયેલી વાર્તાઓ અને નૌકાયન સંબંધી લેખ ‘પચ્છમ કંઠારનાં પ્રાચીન વહાણો’ હજુ અગ્રંથસ્થ છે.
પ્રસાદ બ્રહ્મભટ્ટ