સુંદરી : ભાઈ વીરસિંઘ(1872-1957)ની અતિ લોકપ્રિય નવલકથા. તે મુખ્યત્વે ખત્રી છોકરી સરસ્વતી, પાછળથી જે સુંદર કૌર અથવા સુંદરી તરીકે ઓળખાઈ તેની કથા છે. તેનાં લગ્નની આગલી સાંજે મુઘલ સરદાર તેને તેનાં માબાપના ઘરમાંથી ઉઠાવી જાય છે. શીખ બનેલો તેનો મોટો ભાઈ બલવંતસિંઘ શીખ સૈનિકોની મદદથી તેને બંધનમાંથી છોડાવી લાવે છે. તે પણ તેના ભાઈની ટુકડીમાં જોડાય છે. તેને મુઘલ સરદારો વારંવાર ઉઠાવી જાય છે અને એક અથવા બીજી શીખ ટુકડી તેને છોડાવી લાવે છે. છેલ્લે તેને લાહોરના ગવર્નરના જનાનખાનામાં લાવવામાં આવે છે, ત્યાં તે ગવર્નરની પત્ની તરીકે સારું જીવન જીવવાનાં તમામ પ્રલોભનોનો પ્રતિકાર કરે છે. એટલું જ નહિ, તે તેની શુદ્ધતા જાળવવામાં સફળ થાય છે.
લેખકનો આ નવલકથા લખવા પાછળનો ઉદ્દેશ તેમના સમયના શીખો જે બ્રિટિશ અને અન્ય પ્રભાવો હેઠળ તેમની અગાઉની કીર્તિને ઝાંખપ લગાડી રહ્યા છે, તેમનામાં જાગરૂકતા લાવવાનો હતો અને તેમના વડવાઓએ મેળવેલ કીર્તિમાનોને યાદ કરાવવાનો હતો. આ નવલકથા દ્વારા લેખક તેમના દેશવાસીઓને (શીખોને) પંજાબી ભાષા કેટલી સમૃદ્ધ છે અને બીજી ભારતીય ભાષાઓના જેવી જ સાહિત્યિક અભિવ્યક્તિ માટે કેવી શક્તિશાળી છે તે બતાવવા માગે છે. તેમણે તેમનાં તમામ શીખ પાત્રોને આદર્શ રીતે ચિત્રાંકિત કર્યાં છે અને મુઘલ અફઘાન પાત્રો તેમના અંગત જીવનમાં કેવળ ક્રૂર અને નીતિભ્રષ્ટ હતાં તેનું આબેહૂબ વર્ણન કર્યું છે. વળી ઉચ્ચ હિંદુ હોદ્દેદારો શીખોનો કેવો નાશ નોંતરનારા હતા તે પણ તેમણે કેટલીક ઐતિહાસિક ઘટનાઓ દ્વારા બતાવ્યું છે.
આ રોમાંચક કથામાં શીખોમાં નવો જુસ્સો જગાડવાનો, શીખોની નિરાશાને હાંકી કાઢવાનો, અધમ કક્ષાએ પહોંચેલા તેમના જીવનને ઉન્નત બનાવવાનો અને તેમના બલિદાન અને શૂરાતનભર્યા ભૂતકાળને ફરીથી જીવંત કરવાનો જે પ્રયાસ થયો છે તે ધ્યાનાકર્ષક છે.
બળદેવભાઈ કનીજિયા