સી.બી.આઇ. : ભારતની અગ્રેસર પોલીસ-તપાસ એજન્સી. બ્રિટિશ શાસનકાળ દરમિયાન બીજા વિશ્વયુદ્ધ(1939-45)ના ગાળામાં ભારત સરકારનાં યુદ્ધને લગતાં તત્કાલીન ખાતાંઓમાં ચાલતા ભ્રષ્ટાચાર અને લાંચરુશવતના કિસ્સાઓની તપાસ કરવા માટે તત્કાલીન યુદ્ધખાતા હેઠળ 1941માં સ્થાપવામાં આવેલ સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ(SPE)ના અનુગામી તરીકે હવે સી.બી.આઇ. નામનું આ સંગઠન ભારતમાં કાર્ય કરે છે. 1946ના પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટની જોગવાઈ મુજબ દેશમાં જે વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી હતી તે મુજબ ઉપર્યુક્ત પુરોગામી સંગઠનનું નામ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ રાખવામાં આવ્યું અને તેનું સંચાલન કરવાની જવાબદારી કેન્દ્ર સરકારના ગૃહખાતાને સોંપવામાં આવી. સાથોસાથ તેના કાર્યક્ષેત્રમાં ધરખમ વધારો પણ કરવામાં આવ્યો. એ જ સંગઠનને એપ્રિલ, 1963થી સેન્ટ્રલ બ્યૂરો ઑવ્ ઇન્વેસ્ટિગેશન (C.B.I.) આ નામ આપવામાં આવ્યું છે, જે હવે પ્રચલિત બન્યું છે. તેના કાર્યક્ષેત્રમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને અધિકારીઓ, જાહેર ક્ષેત્રનાં ઔદ્યોગિક સાહસોમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ તથા 1969થી જાહેર ક્ષેત્રની બૅંકોના અધિકારીઓ અને કર્મચારીઓને લગતા ભ્રષ્ટાચાર અને લાંચ-રુશવતના આક્ષેપોની તપાસ આવરી લેવાઈ છે. જેમ જેમ આ સંગઠનની તટસ્થતા અને કાર્યક્ષમતા વધતી ગઈ તેમ તેમ તેના પર નાંખવામાં આવતી જવાબદારીઓમાં પણ વધારો થતો ગયો. હવે તેને દેશભરમાં અરેરાટી ફેલાવનાર ખૂન કે હત્યાઓ, અપહરણ, આતંકવાદીઓની પ્રવૃત્તિઓ જેવાં ગુનાઈત કૃત્યોની તપાસ પણ સોંપવામાં આવે છે. કેટલીક વાર તો ભારતની સર્વોચ્ચ અદાલત તથા રાજ્યોની વડી અદાલતો પણ આ સંગઠનને કેટલાક ગંભીર ગુનાઓની તપાસ કરવાનું કાર્ય સોંપે છે. આટલાં બધાં વિશ્વાસ અને પ્રતિષ્ઠા તેણે સંપાદન કર્યાં છે.
તેનું કાર્ય વધુ સક્ષમ રીતે થાય તે હેતુથી 1987માં આ સંગઠનમાં બે જુદી જુદી તપાસ-શાખાઓ શરૂ કરવામાં આવી : (1) ભ્રષ્ટાચાર-વિરોધી શાખા (anti-corruption division) અને (2) ગુનાશાખા (crime division). આ બે શાખાઓમાંથી બીજી શાખા તેને સોંપવામાં આવેલ પ્રચલિત ગુનાઓની તપાસ ઉપરાંત આર્થિક ગુનાઓની તપાસ પણ કરે છે. આવાં કાર્યો દ્વારા તે જાહેર જીવનમાં મૂલ્યોની જાળવણી, ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓની નાબૂદી તથા દેશના અર્થતંત્રના સ્વાસ્થ્યની સધ્ધરતા અને સુદૃઢતાનું રક્ષણ કરવાની કામગીરી કરે છે. તે ઉપરાંત દેશની તે મધ્યવર્તી તપાસ એજન્સી હોવાને નાતે તે આંતરરાષ્ટ્રીય સ્તર પર કાર્યરત ઇન્ટરપોલ સંગઠન વતી પણ ભારતમાં કેટલીક પ્રવૃત્તિઓ કરે છે. તેની આવી પ્રવૃત્તિઓને કારણે દેશના રાજકીય તથા આર્થિક જીવન પર તેનો પ્રભાવ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. તેની પ્રવૃત્તિઓને ચાર વિભાગમાં વહેંચી શકાય : (1) કેન્દ્ર સરકાર, જાહેર ક્ષેત્ર અને નાણાસંસ્થાઓમાં આચરવામાં આવતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના કિસ્સાઓની તપાસ; જેમાં તેણે કેટલાક મુખ્ય મંત્રીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારોના મંત્રીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારોના વહીવટી વિભાગોના સચિવો; આઇ.એ.એસ., આઇ.પી.એસ., આઇ.આર.એસ. ઇત્યાદિમાં કાર્યરત ઉચ્ચ અધિકારીઓ, નાણા કૉર્પોરેશનોમાં કામ કરતા ઉચ્ચ અધિકારીઓ વગેરે સામે તપાસ હાથ ધરવી. (2) કેન્દ્ર તથા રાજ્ય સરકારો, જાહેર સાહસો, જાહેર નિગમો વગેરેમાં ચાલતાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓની તપાસ. (3) બૅંકોમાં કે અન્ય જાહેર ક્ષેત્રની સંસ્થાઓમાં આચરવામાં આવેલ છેતરપિંડીનાં કૃત્યો, આયાત-નિકાસ તથા વિદેશી હૂંડિયામણને લગતા કાયદાઓનું ઉલ્લંઘન, પ્રતિબંધિત માદક દવાઓની તસ્કરી, પ્રાચીન કલાવસ્તુઓની ગેરકાયદેસરની હેરફેર, દાણચોરીની તપાસ વગેરે. (4) આતંકવાદ, બૉમ્બધડાકા, સનસનાટી ઉપજાવે તેવાં માનવવધનાં કૃત્યો, ખંડણી પડાવવા માટે આચરવામાં આવતા અપહરણના કિસ્સાઓ તથા અન્ડરવર્લ્ડ સાથે સંકળાયેલા માફિયા ગુનેગારોનાં કૃત્યોની તપાસ.
સી.બી.આઇ.ને કાયદાકીય સલાહ આપવા માટે તથા સી.બી.આઇ. હસ્તકના કેસો ન્યાયાલયોમાં ચલાવવા માટે સર્વોચ્ચ અદાલતના એક આદેશ મુજબ એક અલાયદા ડિરેક્ટરેટ ઑવ્ પ્રોસિક્યૂશનની સ્થાપના કરવામાં આવી છે. તેવી જ રીતે એક અલાયદો ઇન્ટરપોલ વિભાગ પણ સ્થાપવામાં આવ્યો છે, જે તત્સમ અથવા સરખા દરજ્જાવાળા વિદેશી પોલીસઘટકો સાથે આંતરરાષ્ટ્રીય ગુનાઓની તપાસ કરવાના હેતુથી સંકલનનું કામ કરે છે.
સી.બી.આઇ.ની કામગીરી વિશિષ્ટ પ્રકારની હોવાથી તે માટે વિશિષ્ટ પ્રકારની કાર્યક્ષમતા, કૌશલ્ય તથા જ્ઞાનની જરૂર હોય છે, જેને અનુરૂપ તાલીમ આપવા માટે ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ ખાતે એક અકાદમી પણ સ્થાપવામાં આવી છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે