સીરિલ જ્હૉન રેડક્લિફ (જ. 30 માર્ચ, 1899 લીલાનચાન, વેલ્સ પ્રાંત, ઇંગ્લૅન્ડ; અ. 1 એપ્રિલ, 1977) : બ્રિટિશ ધારાશાસ્ત્રી અને ભારત-પાકિસ્તાનના સીમા નિર્ધારક.
તેઓ હેલીબ્યુરી કૉલેજમાં સ્નાતક થઈ પ્રથમ વિશ્વયુદ્ધમાં સેવા આપવા જોડાયા હતા, પરંતુ દૃષ્ટિની નબળાઈને કારણે મજૂરદળમાં તેમને સામેલ કર્યા હતા. યુદ્ધની સમાપ્તિ પછી 1921ના વર્ષમાં સ્કૉલર તરીકે ઑક્સફર્ડ યુનિવર્સિટીની ન્યૂ કૉલેજમાં જોડાયા. 1935માં તેમની કિંગ કાઉન્સિલ તરીકે નિમણૂક થઈ હતી. દ્વિતીય વિશ્વયુદ્ધમાં માહિતીખાતાના પ્રધાનમંડળમાં વ્યવસ્થાપનના અધ્યક્ષ તરીકે નિમાયા હતા. 1945માં બ્રિટિશ સામ્રાજ્યમાં આગવું સ્થાન મેળવ્યું હતું. તેમને ભારત-પાકિસ્તાનના વિભાજનની કઠિન કામગીરી સોંપવામાં આવી હતી.
બ્રિટિશ સરકારે ભારતને સ્વતંત્રતા આપવાનો નિર્ણય 1947માં કર્યો હતો. વિભાજનની કામગીરી માટે રેડક્લિફને ફક્ત પાંચ જ સપ્તાહ ફાળવ્યાં હતાં. રેડક્લિફે 9 ઑગસ્ટ, 1947ના રોજ પંજાબ અને બંગાળને અડધા અડધા ભાગમાં વહેંચીને નવી સીમા નિર્માણ કરી. તેની જાહેરાત 17 ઑગસ્ટ, 1947ના રોજ કરવામાં આવી. ભારત-પાકિસ્તાનનું વિભાજન કરતી સીમારેખાને ‘રેડક્લિફ રેખા’ કહે છે. જેની લંબાઈ આશરે 8000 કિમી. છે.
કુદરતી સરહદને લક્ષમાં રાખીને હિન્દુઓની બહુમતીવાળો ખુલના જિલ્લો (બાંગ્લાદેશ) પૂર્વ બંગાળમાં રાખવામાં આવ્યો જ્યારે મુસ્લિમોની બહુમતીવાળો મુર્શિદાબાદ જિલ્લો (પ. બંગાળ) ભારતમાં સમાવાયો. જ્યારે પાંચ નદીઓના ફળદ્રૂપ પ્રદેશમાંથી વહેતી બિયાસ, સતલજ તથા રાવી નદીના ઉપરવાસનો પ્રદેશ ભારતમાં દર્શાવ્યો. જ્યારે સિંધુ અને જેલમ ઉપરવાસનો હક્ક પાકિસ્તાનને ફાળવ્યો. આ ફાળવણીને કારણે શીખોનું પ્રભુત્વ હતું તેવા લાહોર, શેખપુરા, લાયલપુર અને મેન્ટોગોમેરીની વસાહત પાકિસ્તાનમાં સમાવવાથી શીખો વધુ નારાજ પણ થયા હતા.
રેડક્લિફે અંદાજ મૂક્યો હતો કે જે વિભાજન કર્યું છે તે બંને વિસ્તારમાં 70 લાખ લોકો વસતા હશે. આ તાત્કાલિક વિભાજનની માઠી અસરને કારણે અંદાજિત 7 લાખ લોકોની હત્યા થઈ અને લાખ્ખો લોકો ઘવાયા હતા. બંને પક્ષે માલમિલકતને પારાવાર નુકસાન થયું હતું.
રેડક્લિફને જે કાર્ય સોંપવામાં આવ્યું હતું તેમાં તેમણે ભારતની ભૂગોળ અને પ્રાદેશિકતાનો કોઈ જ અભ્યાસ કર્યો ન હતો. ફક્ત નકશા ઉપર દર્શાવેલ હિન્દુ-મુસ્લિમ વસ્તીને લક્ષમાં રાખીને ભારત-પાકિસ્તાનનું વિભાજન કર્યું હતું. ભારત-પાકિસ્તાનના વિભાજન પછી હૃદયદ્રાવક દૃશ્યો નિહાળીને તેમણે જણાવ્યું હતું કે, ‘વિભાજન સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ હતો જ નહીં. આ ટૂંકા ગાળામાં મેં કોઈ ઉત્તમ કામગીરી કરી જ નથી. આ ઘટના પછી મને વસવસો થયો હતો કે મેં આ શું કર્યું.’ આ વિભાજનની કામગીરી પેટે તેમને 3000 પાઉન્ડનો પગાર બ્રિટિશ સરકારે આપ્યો હતો, પરંતુ તેનો તેમણે સ્વીકાર કર્યો ન હતો. આ વિભાજન અંગેના જે કાગળો હતા તે બધા જ તેમણે બાળી નાખ્યા હતા.
1947માં બ્રિટિશ સરકારે તેમને ‘નાઇટ ગ્રાન્ડ ક્રૉસ ઑફ ધ ઑર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર’નો ખિતાબ આપ્યો હતો.
નીતિન કોઠારી