સીનેબાર : પારાનું મુખ્ય ખનિજ. રાસા. બં. : HgS. સ્ફ. વર્ગ : હૅક્ઝાગોનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો રહોમ્બોહેડ્રલથી માંડીને જાડા મેજ-આકાર; નાજુકથી માંડીને મજબૂત પ્રિઝમેટિક સ્વરૂપો પણ મળે; મોટેભાગે દળદાર, સૂક્ષ્મદાણાદાર; સ્ફટિકમય પોપડીઓ કે ચૂર્ણમય આચ્છાદનો રૂપે પણ મળે. યુગ્મતા (0001) ફલક પર, ઘણી વાર યુગ્મોમાં આંતરગૂંથણી પણ હોય. દેખાવ : પારદર્શકથી પારભાસક. સંભેદ : (10-10) પૂર્ણ. ભંગસપાટી : વલયાકારથી ખરબચડી, બરડ, અંશત: છેદ્ય. ચમક : હીરક, આછી ધાત્વિકથી નિસ્તેજ. રંગ : ગુલાબી-લાલ, કથ્થાઈ-લાલ, કથ્થાઈ, કાળો, સીસા જેવો રાખોડી. ચૂર્ણરંગ : ગુલાબી-લાલથી કથ્થાઈ લાલ. કઠિનતા : 2થી 2.5. વિ. ઘ. : 8.09. પ્રકા. અચ. : ω = 2.905, ε = 3.256 (λ = 598.5). પ્રકા. સંજ્ઞા : +Ve.
સીનેબાર
પ્રાપ્તિસ્થિતિ : નીચા ઉષ્ણતામાને તૈયાર થયેલા નિક્ષેપો સાથે મળે. સામાન્ય રીતે તે રિયલગાર, મર્કેસાઇટ, પાયરાઇટ, સ્ટિબ્નાઇટ, કૅલ્શાઇટ, ક્વાટર્ઝ, ઓપલ અને પ્રાકૃત પારા સાથે સંકળાયેલું હોય છે. શિરાઓમાં, જળકૃત ખડકોમાં, ક્વાટર્ઝાઇટ, ટ્રેકાઇટ-પૉર્ફિરી અને સર્પેન્ટાઇન સાથે મળી શકે.
પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., મૅક્સિકો, ચિલી, પેરુ, સ્પેન, ઇટાલી, જર્મની, રશિયા અને ચીન.
ગિરીશભાઈ પંડ્યા