સીદી : મૂળે પૂર્વ આફ્રિકાના એબિસિનિયા વિસ્તારમાંથી ભારતમાં અંદાજે 17મી સદીમાં મુખ્યત્વે ગુલામો તરીકે મજૂરી કરવા માટે આવેલું નિગ્રો જાતિનાં લક્ષણો ધરાવતું જૂથ. ભારતમાં પશ્ચિમ કિનારાનાં રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ તથા દીવ-દમણમાં પણ તેમની છૂટીછવાઈ વસ્તી જોવા મળે છે. ભારતમાં નોંધપાત્ર વસ્તી ગુજરાતના પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે. સૌરાષ્ટ્રમાં તેમની મુખ્ય વસ્તી જૂનાગઢ, જામનગર, રાજકોટ અને અમરેલી જિલ્લાઓમાં છે. છેલ્લા પાંચ દાયકા દરમિયાન તેમની સંખ્યા (સૌરાષ્ટ્રમાં) 3,645થી વધીને 8,662 થઈ હતી.
વર્ષ 2001માં કુલ વસ્તી 8,662માં 4,417 પુરુષો અને 4,245 સ્ત્રીઓની વસ્તી હતી. રૉય ચૌધરી 1957માં તેમનાં શારીરિક લક્ષણો વિશે નોંધે છે કે તેઓ સામાન્ય રીતે લાંબા અને સાંકડા માથાવાળા હોય છે અને મધ્યમ પહોળાઈવાળો ચહેરો, લાંબું અને પહોળું નાક, ઘેરો કાળો રંગ, ઊન જેવા કાળા બદામી વાળ, ઘેરી બ્રાઉન અને કાળા રંગની આંખો જેવાં નિગ્રિટો લક્ષણો ધરાવે છે.
આઝાદી પછી વિકાસના સ્તરમાં તેઓ અત્યંત નબળા હોઈ તેમને આદિવાસી વિકાસના સ્તર પર મૂકી તે યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. તેઓમાંનું જાફરાબાદ વિસ્તારનું જૂથ પોતાને ઊંચા અને ‘રૉયલ’ માને છે. તેઓ અન્ય સીદીઓ સાથે કોઈ વ્યવહાર રાખતા નથી. સામાન્ય રીતે તેઓમાં સામાજિક દૃષ્ટિએ મુવાલદ અને વિલાયતી – એમ બે ભેદ પડે છે. તેમની વિવિધ શાખાઓ કે ગોત્રો – મોશુલ, મોઝગુલ, મોકવાન, પરમાર, મોરી, ચોટિયારા, રાયકા, બાગી, સીરવાન, નબી, વાલિયા વગેરે જોવા મળે છે. તેઓમાં હિન્દુ અને મુસલમાન – બંને ધર્મો છે. મુસલમાન સીદીઓમાં બે ધાર્મિક ભેદ છે. કેટલાક એબિસિનિયાના સંત બાબાગોરમાં શ્રદ્ધા ધરાવે છે, જેની એક મસ્જિદ ભરૂચના રતનપુર ગામમાં છે. બીજા સુન્ની મુસ્લિમો છે. સૌ રમજાન ઈદ, મોહરમ, નગારચી પીરનો ઉર્સ તથા બાબા ઘર વગેરે તહેવારો ઊજવે છે. તેઓ નાચવા-ગાવાના ખૂબ શોખીન છે. ઝુન ઝુન એક વિશિષ્ટ વાદ્ય છે, જે તેમની ‘મીસરા’ માતાનું પવિત્ર વાદ્ય ગણાય છે.
તેઓ પિતૃવંશીય, પિતૃસ્થાની, પિતૃસત્તાક કુટુંબવ્યવસ્થા ધરાવે છે. હિન્દુ-મુસ્લિમ તથા મુસ્લિમ પેટાજૂથો વચ્ચે લગ્નો થતાં નથી. લગ્ન પુખ્ત ઉંમરે થાય છે. કન્યાનું દહેજ લેવાય છે. મોટેભાગે એક પતિ-પત્ની વ્યવસ્થા પ્રવર્તે છે.
સૌરાષ્ટ્રના કિનારાના કેટલાક સીદીઓ ગાઈ-વગાડી પેટ ભરે છે. લગભગ 30 % લોકો ખેતી; 6.00 % ખોરાક એકઠો કરવાનું, શિકાર કરવાનું, માછલાં પકડવાનું, વહાણવટામાં મજૂરીનું કામ કરે છે. 13 % વાહનવ્યવહારની નોકરીઓમાં ડ્રાઇવર આદિનું કામ કરે છે. 20 % છૂટીછવાઈ કામગીરીમાં રોકાયેલા રહે છે. ભરૂચના ઝઘડિયા વિસ્તારમાંના સીદીઓ અકીકના પથ્થરની ખાણોમાં પણ કામ કરે છે.
શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું છે. 1991 પ્રમાણે 38 % અક્ષરજ્ઞાન ધરાવે છે; જેમાં પુરુષોનું પ્રમાણ 50 % અને સ્ત્રીઓનું પ્રમાણ 25 % જેટલું છે.
તેમનું પરંપરાગત રીતે પ્રિય એવું ‘ધમાલ નૃત્ય’ વિશિષ્ટ અને ચિત્તાકર્ષક છે. સામાજિક પંચ જમાત તરીકે ઓળખાય છે, જે સામાજિક નિયંત્રણનું કાર્ય કરે છે. સીદી સમાજની બહાર પરણવું તે ગંભીર ગુનો ગણાય છે. ક્યારેક તેવી સ્થિતિમાં વ્યક્તિને ન્યાત બહાર પણ મૂકવામાં આવે છે.
અરવિંદ ભટ્ટ