સીતા જોસ્યમ્ : નારલા વેંકટેશ્વર રાવ(1908-1985)ની કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર-વિજેતા કૃતિ (1981). નારલા જાણીતા પત્રકાર અને એકાંકી-નાટ્યકાર હતા. રામાયણના તેઓ વિવેચક પણ હતા.

તેમણે ‘રામ’-આધારિત બે નાટકોની રચના કરી છે : ‘જાબાલિ’ અને ‘સીતા જોસ્યમ્’ની. ‘સીતા જોસ્યમ્’ એટલે સીતાનું ભવિષ્ય. તે બે અંકનું નાટક છે અને રામ, સીતા, લક્ષ્મણ અને દંડકારણ્યના બે ઋષિઓ તેનાં મુખ્ય પાત્રો છે. તેમણે વિગતવાર વિવેચનાત્મક રીતે લખેલી પ્રસ્તાવનામાં રામાયણની કથાને લગતા અનેક વિવાદાસ્પદ મુદ્દાઓની ચર્ચા કરી છે.

‘સીતા જોસ્યમ્’માં રામની કથાનું ઐતિહાસિક ખરાપણું, તેમનો વનવાસ, રાક્ષસોનું વર્તન, ઋષિઓ દ્વારા યજ્ઞો માટે થતી ‘જનસ્થાન’ની પસંદગીનું કારણ અને રામાયણકાળમાં વપરાતાં વિવિધ શસ્ત્રો વગેરેની વાતો કરવામાં આવી છે. તેમનો અભિપ્રાય એવો છે કે આજના રામાયણમાં ઘણા ક્ષેપકો છે અને આજની લંકા અને રાવણની લંકા ભિન્ન છે.

આ નાટકમાં સીતાના પાત્રનું ચિત્રાંકન બિનપરંપરાગત રીતે કરવામાં આવ્યું છે. તે ઋષિઓની પ્રશંસા પરત્વે ધ્યાન આપતાં નથી, પૌરાણિક બોધકથાઓનો ઉપહાસ કરે છે અને ઋષિઓથી દૂર – સ્વતંત્ર રહેવા ઇચ્છે છે. તેઓ માને છે કે રામ અને લક્ષ્મણ જો વનમાં તપસ્વીઓની સલાહ માનશે તો મુશ્કેલીમાં મુકાશે. તેઓએ રાક્ષસોના પ્રદેશો પર કબજો કર્યો, યજ્ઞો કર્યા અને વનની ભૂમિને ખેડવાલાયક બનાવી. ત્યાં સુધી તેમના માટે સીતાને માન ન હતું. રાક્ષસો વનના મૂળ રહેવાસીઓ હતા. તેમને તેમનાં રહેઠાણોથી વંચિત કરાયા તેથી રામ ઋષિઓને મદદ કરે તે તેમને પસંદ નહોતું અને ઋષિઓએ જેમને કાળા રંગના ગણ્યા છે તેવા વનવાસીઓ સામે રામ યુદ્ધ કરે તે તેમને ગમતું ન હતું. તેથી સ્વાર્થી તપસ્વીઓની સલાહ લેવામાં તેમને મુશ્કેલી દેખાતી હતી અને વનના મૂળ વનવાસીઓની મહિલાઓની સલામતી માટેની તેમણે હિમાયત કરી.

આમ, આ પુરસ્કૃત કૃતિ ‘સીતા જોસ્યમ્’ તેની વિલક્ષણ પાત્રતાને કારણે તત્કાલીન તેલુગુ સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે.

બળદેવભાઈ કનીજિયા