સીતારામન, નિર્મલા (જ. 18 ઓગસ્ટ, 1959, મદુરાઈ) : ભારત સરકારમાં વર્તમાન નાણાં મંત્રી, ઇન્દિરા ગાંધી પછી નાણાં મંત્રી બનેલા બીજા ભારતીય મહિલા અને પૂર્ણકક્ષાના નાણાં મંત્રી બનેલા પ્રથમ ભારતીય મહિલા. દેશના 18મા નાણાં મંત્રી. તમિળ આયંગર પરિવારમાં જન્મ. પિતા નારાયણન સીતારામન અને માતા સાવિત્રી. પિતા ભારતીય રેલવેમાં કર્મચારી હતાસ્વામી કોલેજમાં અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતકની પદવી મેળવી. વર્ષ 1984માં દેશની પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય (જેએનયુ)માં અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક થયા અને પછી એમ. ફિલની ઉપાધિ મેળવી. ત્યારબાદ તેમણે ભારતીય-યુરોપ વેપારમાં પીએચ.ડી કરવા માટે પ્રવેશ મેળવ્યો.
વર્ષ 1986માં જેએનયુમાં સહઅભ્યાસી પરકલા પ્રભાકરન સાથે લગ્ન કર્યા. પરકલા તત્કાલિન આંધ્રપ્રદેશમાં નરસાપુર શહેરમાં રાજકીય વર્ચસ્વ ધરાવતા બ્રાહ્મણ પરિવારના સભ્ય. વર્ષ 1986માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીના આગ્રહથી પરકલા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં શિષ્યવૃત્તિ મેળવીને અભ્યાસ કરવા લંડન ગયા. તેમની સાથે સીતારામન ગયાં. પરિણામે તેમનો પીએચ.ડીનો અભ્યાસ અધૂરો રહ્યો. તેમણે લંડનની રિજેન્ટ સ્ટ્રીટમાં હોમ ડિકોર સ્ટોર હેબિટેટમાં સેલ્સપર્સન તરીકે કામ કર્યું. એગ્રિકલ્ચરલ એન્જિનીયર્સ એસોસિએશનમાં અર્થશાસ્ત્રના સહાયક તરીકે કામ કર્યું. વળી લંડનમાં રોકાણ દરમિયાન બીબીસી વર્લ્ડ સર્વિસ માટે તમિળ ભાષાના અનુવાદક સ્વરૂપે કામ કર્યું. કન્સલ્ટન્સી કંપની પ્રાઇસ વોટર હાઉસમાં સહાયક સંશોધનકર્તા સ્વરૂપે કામ કર્યું.
વર્ષ 1991માં ભારતમાં પુનરાગમન કર્યું અને પતિ પરકલા સાથે સેન્ટર ફોર પબ્લિક પોલિસી સેન્ટરની સ્થાપના કરી. આ જ વર્ષે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ની ભગિની સંસ્થા ભારતીય પ્રજ્ઞા મેગેઝિનમાં સીતારામન સંપાદકીય બોર્ડમાં સામેલ થયા. વળી વર્ષ 1991માં સ્થાપિત રાષ્ટ્રવાદી થિંક ટેંક અને આરએસએસથી પ્રેરિત પ્રજ્ઞા ભારતના શરૂઆતના પદાધિકારી બની ગયાં. પતિ પરકલા તત્કાલિન પ્રધાનમંત્રી પી. વી. નરસિંહરાવના અતિ નિકટ હતા, પણ વર્ષ 1996માં કોંગ્રેસનો લોકસભાની ચૂંટણીમાં પરાજય થયા પછી પરકલા ભાજપમાં સામેલ થયા. એ જ વર્ષે ભાજપ અને ટીડીપી વચ્ચે ગઠબંધન કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ત્યારબાદ સીતારામન નવેમ્બર, 2003માં રાષ્ટ્રીય મહિલા પંચના સભ્ય તરીકે કામ કરવા દિલ્હી આવ્યાં. મે, 2005માં યુપીએ સરકારે તેમને સભ્ય તરીકે દૂર કર્યા.
વર્ષ 2006માં ઔપચારિક રીતે ભાજપમાં સામેલ થયા. વર્ષ 2008માં ભાજપે પક્ષના બંધારણમાં ફેરફાર કર્યો અને પક્ષના તમામ પદો એક તૃતિયાંશ મહિલાઓ માટે અનામત કર્યા. તેનો ફાયદો સીતારામનને થયો અને તેમને પક્ષની રાષ્ટ્રીય કારોબારીમાં સ્થાન મળ્યું. રાષ્ટ્રીય કારોબારીમાં ભાજપના નેતાઓ અને અરુણ જેટલીનો વિશ્વાસ સંપાદિત કર્યો. વર્ષ 2009માં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો અડવાણીના નેતૃત્વમાં પરાજય થયા પછી પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નીતિન ગડકરીની નિમણૂક થઈ. તેમના નેતૃત્વમાં રાષ્ટ્રીય કારોબારીની નવેસરથી રચના થઈ, જેમાં દક્ષિણ ભારતના મહિલા પ્રતિનિધિ તરીકે સીતારામનનું સ્થાન જળવાઈ રહ્યું. વર્ષ 2010માં ભાજપે પક્ષના પ્રવક્તા તરીકે નિમણૂક કરી. વર્ષ 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કર્યો. વર્ષ 2013માં અડવાણીના વિરોધ વચ્ચે મોદીને પ્રધાનમંત્રીપદના ઉમેદવાર બનાવવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું.
વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપનો વિજય થયા પછી તરત સીતારામન રાજ્ય કક્ષાના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી (સ્વતંત્ર હવાલો) બન્યાં. જૂન, 2014માં આંધ્રપ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ બન્યાં અને મે, 2016માં કર્ણાટકમાંથી રાજ્યસભાના સાંસદ બન્યાં. 3 સપ્ટેમ્બરના રોજ સંરક્ષણ મંત્રી બન્યાં.
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો બીજી વાર વિજય થયો. પરંતુ 30 મે, 2019ના અરુણ જેટલીના અવસાન પછી 31 મે, 2019ના રોજ સીતારામનની નાણાં મંત્રી તરીકે નિમણૂક થઈ અને ભારતના પ્રથમ પૂર્ણ મહિલા નાણાં મંત્રી બન્યાં
5 જુલાઈ, 2019ના રોજ પ્રથમ બજેટ રજૂ કર્યું. પોતાના પ્રથમ બજેટ ભાષણમાં અરુણ જેટલીને પોતાના ગુરુ, માર્ગદર્શન અને નૈતિક શક્તિના સ્રોત ગણાવ્યાં, તો મનમોહન સિંઘને ઉદારીકરણના યુગના પ્રવર્તક ગણાવ્યાં. વળી લાલ કપડામાં એક પરંપરાગત ખાતાવહી લઈને સંસદમાં પ્રવેશ કરીને નવી પ્રથા શરૂ કરી. અગાઉના નાણાં મંત્રીઓ લાલ બ્રીફ કેસમાં લઈ જતાં હતાં. સીતારામનના જણાવ્યા મુજબ, પશ્ચિમની લાલ કપડામાં ખાતાવહી ગુલામ માનસિકતાનો અંત લાવવાનું પ્રતીક છે. કોવિડ-19 મહામારીમાં ભારતમાં કોવિડ-19 આર્થિક કામગીરી માટે ખાસ રચાયેલા કાર્યદળના ઇનચાર્જ બન્યાં. 12 મે, 2020ના રોજ કોવિડ મહામારી દરમિયાન 20 લાખ કરોડ રૂપિયાનું પ્રોત્સાહન પેકેજ જાહેર કર્યું. નાણાં મંત્રી તરીકે તેમના કાર્યકાળમાં વર્ષ 2020-21માં ભારતની જીડીપીમાં 6.6 ટકાનો ઘટાડો થયો, જે અત્યાર સુધી સ્વતંત્ર ભારતનો સૌથી ઝડપી ઘટાડો છે.
વર્ષ 2019માં જેએનયુએ વિશિષ્ટ પૂર્વ વિદ્યાર્થીનો એવોર્ડ એનાયત કર્યો. ફોર્બ્સ મેગેઝિને વર્ષ 2019માં દુનિયાની 100 સૌથી વધુ શક્તિશાળી મહિલાઓમાં 34મું સ્થાન આપ્યું..
કેયૂર કોટક