સીતાપુર : ઉત્તરપ્રદેશના લખનૌ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27° 06´થી 27° 54´ ઉ. અ. અને 80° 18´થી 81° 24´ પૂ. રે. વચ્ચેનો 5,743 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે.

સીતાપુર

તેની ઉત્તરે ખેરી જિલ્લો, પૂર્વ તરફ બહરૈચ જિલ્લો, અગ્નિ તરફ બારાબંકી જિલ્લો, દક્ષિણમાં લખનૌ જિલ્લો તથા નૈર્ઋત્ય અને પશ્ચિમે હરદોઈ જિલ્લો આવેલા છે. જિલ્લામથક સીતાપુર જિલ્લાની મધ્યમાં પશ્ચિમ તરફ આવેલું છે.

ભૂપૃષ્ઠજળપરિવાહ : આ જિલ્લો ગંગાના મેદાની પ્રદેશમાં આવેલો છે. આ મેદાની ભૂપૃષ્ઠના બે સ્પષ્ટ કુદરતી વિભાગો પડે છે. ઉત્તર અને પશ્ચિમ તરફનો વિભાગ ઊંચાણવાળો છે, જ્યારે દક્ષિણ અને પૂર્વ તરફનો વિભાગ નીચી ભૂમિથી બનેલો છે. આખોય જિલ્લો કાંપની જમીનોથી બનેલો છે. જમીનો રેતાળ, ગોરાડુ અને માટીવાળી છે. જિલ્લામાં જંગલવિસ્તાર નથી; પરંતુ અહીંનાં મુખ્ય વૃક્ષોમાં સીસમ, લીમડો, ખેર, જાંબુડો અને પીપળનો સમાવેશ થાય છે.

અહીંની મુખ્ય નદીઓ ગોમતી, શારદા અથવા ચૌકા અને ઘાઘરા છે. કથના, સારયન, કેવાની તેમની સહાયક નદીઓ છે. શારદા નદીમાં પૂર આવે ત્યારે તેની આજુબાજુનો ખીણવિભાગ તેનાથી છવાઈ જાય છે.

ખેતી-પશુપાલન : ડાંગર, ઘઉં, મકાઈ અને ચણા અહીંના મુખ્ય કૃષિપાકો છે. ગાય, ભેંસ, ઘેટાંબકરાં મુખ્ય પાલતુ પશુઓ છે. જિલ્લામાં પશુદવાખાનાં, પશુચિકિત્સાલયો તેમજ પશુઓની ઓલાદ-સુધારણા માટે કૃત્રિમ ગર્ભાધાનકેન્દ્રો આવેલાં છે.

ઉદ્યોગ-વેપાર : આ જિલ્લામાં રાજ ઇજનેરી અને બ્રાસ વર્કસ, ચોખા છડવાની મિલો, આટાની મિલો, ખાદ્યતેલોના એકમો, ખાંડની મિલો, પ્લાયવૂડ અને તેની પેદાશોના એકમો, ખાંડનાં કારખાનાં તેમજ અન્ય એકમો મળી લગભગ 23 જેટલાં કારખાનાં આવેલાં છે. અહીંના ગૃહઉદ્યોગોમાં અંગૂછા, ગાલીચા, શેતરંજીઓ, બરફ, ગોળ, ચેવડો, આયુર્વેદિક ઔષધો, લોખંડની પેટીઓ, ચામડાનાં પગરખાંનું ઉત્પાદન લેવાય છે. અહીંથી ગાલીચા, અંગૂછા, ખાંડ, શાકભાજી, ચેવડો વગેરેની જિલ્લા બહાર નિકાસ થાય છે; જ્યારે દોરા અને કાપડની આયાત થાય છે.

પરિવહનપ્રવાસન : ઉત્તર રેલવિભાગનો લખનૌ-બરેલી મીટરગેજ રેલમાર્ગ સીતાપુર થઈને જાય છે; આ માર્ગ સાથે લખીમપુર, ખેરી, મૈલાની અને પીલીભીત જોડાયેલાં છે. સીતાપુર રેલમાર્ગ દ્વારા બારાબંકી, શાહજહાનપુર અને પાલામૌ સાથે પણ સંકળાયેલું છે. સીતાપુર એક તરફ લખનૌ સાથે અને બીજી તરફ શાહજહાનપુર અને બરેલી સાથે સડકમાર્ગથી જોડાયેલું છે. વળી એ જ રીતે તે હરદોઈ અને લખીમપુર સાથે પણ જોડાયેલું છે.

આ જિલ્લામાં કોઈ વિશિષ્ટ જોવાલાયક સ્થળો આવેલાં નથી; પરંતુ વારતહેવારે અહીં મેળા અને ઉત્સવો યોજાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 36,16,510 જેટલી છે. તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું સંખ્યાપ્રમાણ અનુક્રમે 54 % અને 46 % જેટલું છે, તથા ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ 88 % અને 12 % જેટલું છે. જિલ્લામાં હિન્દુ અને મુસ્લિમોની વસ્તી વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈનોનું પ્રમાણ ઓછું છે. અહીં મુખ્યત્વે હિન્દી, ઉર્દૂ ભાષાઓ બોલાય છે; જ્યારે હિન્દીને મળતી આવતી અવધી બોલી અહીંનાં આશરે 87 % લોકો બોલે છે. 13 % લોકો ઉર્દૂ બોલે છે. જિલ્લામાં શિક્ષિતોનું પ્રમાણ 25 % (શહેરોમાં 46 %, ગામડાંઓમાં 13 %) જેટલું છે. બધાં નગરોમાં શિક્ષણ-સંસ્થાઓ છે; પરંતુ ગામડાંઓમાં તેનું પ્રમાણ ઓછું છે. જિલ્લાનાં 30 ગામડાંઓમાં હૉસ્પિટલો અને આશરે 220 ગામડાંઓમાં ચિકિત્સાલયો આવેલાં છે. વહીવટી સરળતા માટે આ જિલ્લાને 6 તાલુકાઓ અને 19 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 11 નગરો અને 2,348 (34 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ગિરીશભાઈ પંડ્યા