સીતાદેવી, વસીરેડ્ડી (જ. 15 ડિસેમ્બર 1932, ચિબ્રોલુ, જિ. ગંતુર, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખિકા. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ.; સાહિત્યરત્ન (પ્રયાગ) અને થિયેટર આર્ટ્સમાં ડિપ્લોમાની પદવી મેળવેલી. તેઓ આંધ્રપ્રદેશની સરકારમાં જવાહરલાલ ભવનનાં નિયામક તથા ‘વનિતા જ્યોત’નાં સલાહકાર – સંપાદક રહ્યાં હતાં.
તેમણે અત્યાર સુધીમાં 62 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘સનાથ’ (1971); ‘માટ્ટી મનીષી’ (1972); ‘તિરસ્કૃતિ’ (1972); ‘વીતરાણી ઉરિથદુ’, ‘મરીચિકા’ અને ‘અગ્નિશિખા’ તેમની લોકપ્રિય નવલકથાઓ છે. ‘વસીરેડ્ડી સીતાદેવી કથાલુ’ (1955); ‘મિસ્ટ્રિસ કૈલાસમ્’ (1973) તેમના વાર્તાસંગ્રહો છે. ‘સંધિયુગ્મલો સ્ત્રી’ અને ‘અંડાલુ-અડવલ્લુ’ તેમના જાણીતા નિબંધસંગ્રહો છે.
તેમણે હિંદી, અંગ્રેજી અને બંગાળીની અનેક કૃતિઓને તેલુગુમાં અનૂદિત કરી છે. તેમની ઘણી કૃતિઓ કન્નડ, હિંદી અને અંગ્રેજીમાં અનૂદિત થઈ છે. તેમની નવલકથાઓ પરથી ફિલ્મોનું સર્જન કરવામાં આવ્યું છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1971 અને 1982ના વર્ષનો આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ; કલાસાગર ચેન્નાઈ તરફથી 1977ના વર્ષનો બેસ્ટ ફિલ્મ સ્ટોરી ઍવૉર્ડ; તેલુગુ અકાદમી, ચેન્નાઈ તરફથી 1986ના વર્ષનો ઉગદી વેલુગુ ઍવૉર્ડ; તેલુગુ યુનિવર્સિટી, હૈદરાબાદ તરફથી 1987ના વર્ષનો નાલમ ક્રિષ્નરાવ ઍવૉર્ડ અને 1990ના વર્ષનો ગોપીચંદ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત તેમને શ્રીકૃષ્ણ દેવરાય યુનિવર્સિટી, અનંતપુર તથા શ્રી પદ્માવતી મહિલા યુનિવર્સિટી, તિરુપતિ તરફથી 1989ના વર્ષમાં ડી.લિટ્.ની માનાર્હ પદવીથી તથા સ્ત્રી વિમોચન સંધાન તરફથી 1989માં ‘આંધ્ર પર્લ બક’ના ખિતાબથી સન્માનિત કરાયેલાં.
બળદેવભાઈ કનીજિયા