સીટર ડેનિયલ (Seiter Daniel)
January, 2008
સીટર, ડેનિયલ (Seiter, Daniel) (જ. 1647, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 1705) : ઑસ્ટ્રિયન બરોક-ચિત્રકાર. વૅનિશ જઈ સીટરે ચિત્રકાર જોહાન કાર્લ લોથ પાસે ચિત્રકળાની તાલીમ લીધી. આશરે 1680માં સીટરે રોમ જઈ 1683માં ત્યાંની ‘અકાદમિયા દેઇ વર્ચુઓસી અલ પૅન્થિયૉન’નું સભ્યપદ પ્રાપ્ત કર્યું. 1686માં તેઓ રોમની ‘અકાદમિય સેંટ લુચા’(Aceademia Saint Luca)ના સભ્યપદે ચૂંટાયા. રોમમાં તેમની મોટી પ્રતિષ્ઠા જામી અને તેમનાં ચિત્રો ચપોચપ વેચાવા માંડ્યાં. એમનાં કામમૂલક રતિશૃંગારથી તરબતર ચિત્રોમાંથી ‘વિનસ, ક્યુપિડ, ચેરેસ (ceres) ઍન્ડ બેકુસ (Bacchus)’ શ્રેષ્ઠ ગણાયું છે. આ ઉપરાંત ‘સ્લીપિન્ગ વિનસ’ ચિત્ર પણ ઘણું પ્રસિદ્ધ થયું. 1699માં તુરિનના ડ્યૂક વિક્ટર એમેડિયસ બીજાના મહેલ માટે તેમણે ભીંતચિત્રો ચીતર્યાં. જેમાંથી બે ચિત્રો ‘ઍપોથિયૉસિસ (Apotheosis) ઑવ્ વિક્ટર એમોડિયસ ધ સેકન્ડ’ તથા ‘ઍપોલો ઍન્ડ ઑરોરા’ ઘણાં વખણાયાં.
અમિતાભ મડિયા