સીગમાન, કેઇ માન બૉર્જ
February, 2024
સીગમાન, કેઇ માન બૉર્જ (Siegbahn, Kai Manne Borje) (જ. 20 એપ્રિલ, 1918 લૂન્ડ, સ્વીડન અ. 20 જુલાઈ, 2007 એન્જલહોમ, સ્વીડન) : ફોટો ઇલેક્ટ્રૉન સ્પેક્ટ્રોસ્કોપીની પદ્ધતિ વિકસાવવા માટે 1981નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમની તથા નિકોલાસ બ્લૂમ્બર્ગન અને આર્થર લિયૉનાર્દ સ્કાઉલો વચ્ચે વિભાજિત થયો હતો.
સીગમાને 1944માં યુનિવર્સિટી ઑવ્ સ્ટૉકહોમમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1951-54 દરમિયાન તેઓ રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં પ્રાધ્યાપક હતા અને ત્યારબાદ ઉપ્સાલા યુનિવર્સિટીમાં 1954-84 દરમિયાન પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક હતા. આ જ સ્થાન અગાઉ તેમના પિતા ધરાવતા હતા જેઓ પણ નોબેલ પુરસ્કાર વિજેતા હતા.
1950ના દસકામાં સીગમાને પરમાણુના ઊર્જા સ્તરોનું અત્યંત ચોકસાઈપૂર્ણ માપન કર્યું અને તે માટે જે પદ્ધતિ વિકસાવી તેમાં ફોટોન દ્વારા પરમાણુઓને પ્રકાશિત કર્યા તથા ફોટો-ઇલેક્ટ્રિક ઘટનાનો ઉપયોગ કર્યો.
કાઈ સીગબાન વૈશ્લેષિક રસાયણશાસ્ત્રના જ્ઞાનકોશ(વિશ્વકોશ)ના મૂળ તંત્રીઓમાંના એક હતા. તેમના અવસાન સમયે તેઓ ઉપ્સાલા યુનિવર્સિટીની ઍન્ગસ્ટ્રૉમ પ્રયોગશાળામાં વૈજ્ઞાનિક તરીકે કાર્યરત હતા.
પૂરવી ઝવેરી