સિયેરા મેદ્રે (Sierra Madre) : મૅક્સિકોમાં આવેલી ‘મધર રેન્જ’ ગિરિમાળા માટે અપાયેલું સ્પૅનિશ નામ. આ જ નામની હારમાળા સ્પેનમાં અને ફિલિપાઇન્સના લ્યુઝોન ટાપુ પર પણ આવેલી છે. મૅક્સિકોમાં આવેલા આ પર્વતો ત્યાંના મધ્યસ્થ પહોળા ઉચ્ચપ્રદેશની એક ધાર રચે છે. તે મૅક્સિકોના અખાત તરફ ઉચ્ચપ્રદેશની પૂર્વ બાજુ પર આવેલી છે, જ્યારે પશ્ચિમ બાજુ તે સીમા બનાવે છે. તેમાં તૈયાર થયેલાં કોતરો તેમજ જ્વાળામુખી-દ્રવ્યના ખૂબ જાડા નિક્ષેપોને કારણે તેને ઓળંગવાનું મુશ્કેલ બની રહ્યું છે. પશ્ચિમ તરફની સિયેરા મેદ્રે હારમાળાનો ભાગ ઉત્તર તરફ ઍરિઝોના અને ન્યૂ મૅક્સિકોમાં પણ વિસ્તરેલો છે. આ હારમાળાની લંબાઈ 3,200 કિમી. અને પહોળાઈ 160 કિમી. જેટલી છે.
જાહ્નવી ભટ્ટ