સિયેટો (South East Asia Treaty Organization) : સામ્યવાદનો ફેલાવો રોકવા અને એશિયાખંડમાં પ્રાદેશિક સલામતીની વ્યવસ્થા સ્થાપવા માટેની વિવિધ દેશો વચ્ચેની સામૂહિક સંરક્ષણ સંધિ, જેનું નેતૃત્વ અમેરિકાએ કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછીની અમેરિકાની વિદેશનીતિનું મુખ્ય ધ્યેય સોવિયેત સંઘની રાજકીય, લશ્કરી, આર્થિક વગના વધતા વિસ્તારને રોકવાનું (containment) હતું. 1947માં ટ્રુમેને જાહેરાત કરેલી કે અમેરિકા મુક્ત સમાજો અને દેશોને આંતરિક અને બાહ્ય રીતે સામ્યવાદી કે ડાબેરી પરિબળોથી ઉપસ્થિત થતા ભયનો સામનો કરવામાં મદદ કરશે. આ માટે નાટો(NATO)ની રચના કરવામાં આવી અને પશ્ચિમ યુરોપના સંદર્ભમાં માર્શલ પ્લાન (યુરોપના દેશોને આર્થિક સહાય પૂરી પાડવાનો અમેરિકાનો કાર્યક્રમ) ઘડી કાઢવામાં આવ્યો. ટ્રુમેનની જાહેરાત વ્યાપક સ્વરૂપની હતી અને તેનો તાત્કાલિક સંદર્ભ મર્યાદિત વિસ્તારો પૂરતો હતો; પણ ટ્રુમેન વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા એવાં વિધાનો કરાતાં તેને અન્યત્ર લાગુ પાડી શકાય તેમ હતાં. આ પ્લાનને કોરિયાના સંદર્ભમાં 1950-53 દરમિયાન લાગુ પાડવામાં આવ્યો. જોકે, 1953ના યુદ્ધવિરામ પછી પણ કોરિયા તણાવગ્રસ્ત હતું અને અસ્થિરતાનાં કારણો ત્યાં મોજૂદ હતાં.
હિંદી-ચીનમાં ફ્રેન્ચ સત્તાનું પતન અને તટસ્થતાવાદી વલણનો ફેલાવો એ પ્રદેશના રક્ષણની નબળાઈનું પ્રતીક છે એવું અમેરિકનોને લાગતું હતું. વધુમાં તેમના મતે સામ્યવાદીઓના ભય સામે એશિયા નબળું પડતું હતું. આથી નાટોના જેવી પ્રાદેશિક સલામતીની વ્યવસ્થા સ્થાપવા તરફ અમેરિકાના પ્રમુખ આઇઝન હૉવરના વહીવટી તંત્રે ધ્યાન આપવા માંડ્યું. આના ભાગ રૂપે અમેરિકાએ જાપાન પરના કબજાનો અંત આણી એપ્રિલ, 1952માં જાપાન સાથે શાંતિ-સંધિ કરી. એ સાથે તેની સાથે અમેરિકાએ નવો સંરક્ષણકરાર પણ કર્યો.
જાપાનના ભૂતકાળના આક્રમણકારી વલણને કારણે ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ ડર અનુભવતાં તે બાબતને લક્ષમાં રાખી અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ANZUS-ની સંધિ કરવામાં આવી. પૅસિફિક વિસ્તારમાં આમાંના કોઈ પર પણ હુમલો થાય તો તેમણે એકબીજાની મદદ કરવાની હતી. ઑગસ્ટ, 1952માં અમેરિકા અને ફિલિપાઇન્સ વચ્ચે તથા નવેમ્બર, 1954માં અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચેની સંરક્ષણ-સંધિ અમલમાં આવી. 8 સપ્ટેમ્બર, 1954ના રોજ દક્ષિણપૂર્વ એશિયા સામૂહિક સંરક્ષણ-સંધિ પર હસ્તાક્ષર થયા હતા.
આમાંથી જન્મેલ સંગઠન સિયેટોએ પોતાની કામગીરી 19 ફેબ્રુઆરી, 1955થી શરૂ કરી. આ ગાળા દરમિયાન પ્રાદેશિક સંરક્ષણ કરારોતરફી વાતાવરણ ઊભું થયું હતું. આ સંધિ પર શરૂઆતમાં યુ.એસ., યુ.કે., ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, ફિલિપાઇન્સ, પાકિસ્તાન અને થાઇલૅન્ડે હસ્તાક્ષર કર્યા. સિયેટોને લીધે આ વિસ્તારના બીજા દેશો ભય ન અનુભવે તે માટે ‘પૅસિફિક ચાર્ટર’ પર પણ સભ્ય દેશોએ સહી કરી, જે મુજબ સભ્ય દેશો આત્મનિર્ણય(self determination)ના અધિકારને ટેકો આપે છે અને એશિયાના દેશોને તેમની સ્વતંત્રતા જાળવી રાખવામાં મદદ કરશે તેમ જાહેર કરવામાં આવ્યું.
સિયેટોમાં જોડાયેલા દેશોની એક સંગઠન તરીકેની વ્યવસ્થા આછીપાતળી હતી અને દક્ષિણ-પૂર્વ એશિયાના બે જ દેશો તેના સભ્યો હતા. જોકે સંધિ કે કરારના વિસ્તારમાં એકંદરે દક્ષિણપૂર્વ એશિયાનો વિસ્તાર – એવો ઉલ્લેખ હતો. તેમાં લાઓસ, કંબોડિયા અને દક્ષિણ વિયેતનામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સંધિ કરનાર દેશોએ માત્ર સભ્ય દેશો પરના બાહ્ય આક્રમણના સંદર્ભમાં જ આક્રમણનો ભોગ બનનારને મદદ કરવાની ન હતી પણ આંતરિક ભાંગફોડ(ખાસ કરીને સામ્યવાદીઓ દ્વારા થતી)ના સંદર્ભમાં પણ સભ્ય દેશોને મદદ કરવાની હતી. નાટો સ્પષ્ટ રીતે સંરક્ષણના હેતુસર રચાયેલી સંસ્થા હતી અને સભ્ય દેશો દ્વારા એકબીજાને કરવાની મદદ અંગે સ્પષ્ટતા હતી અને તેના અમલ માટે વ્યવસ્થિત તંત્ર રચાયેલું હતું; જ્યારે તેની તુલનામાં સિયેટોમાં જવાબદારીઓનું સ્વરૂપ સભ્ય દેશો પર છોડવામાં આવ્યું હતું. આ ઉપરાંત સિયેટોમાં સભ્યોએ મુક્ત સંસ્થાઓને જાળવવામાં પણ મદદ કરવાની હતી અને આર્થિક પ્રગતિ અને સામાજિક કલ્યાણ માટે પણ કામ કરવાનું હતું. ધીમે ધીમે સિયેટોની તંત્રવ્યવસ્થા પણ વિકસી હતી.
નાટોની તુલના સિયેટો સાથે કરવામાં આવે છે, પણ તે યોગ્ય નથી. નાટો એ સમાન લક્ષણો, સમાન વિચારો, સમાન સંસ્થાઓ (મોટેભાગે) અને સમાન ભયનો સામનો કરવા રચાયેલું સાહજિક કે સ્વાભાવિક મંડળ છે. વળી નાટોના સભ્ય દેશો અસરકારક શક્તિ ધરાવે છે. આથી તેમનાં સાધનો ભેગાં કરીને પ્રાદેશિક મંડળના હેતુઓ બર લાવી શકાય છે. સિયેટો એ અસમાન દેશો, અસમાન લક્ષણો, અસમાન હેતુ અને અસમાન શક્તિ ધરાવતા દેશોનું મંડળ રહ્યું છે; તેથી તેની તંત્રવ્યવસ્થા પણ નબળી જ રહી. સિયેટોના સભ્ય દેશોમાંથી પાકિસ્તાનને ભારત સામે અમેરિકન શસ્ત્રો પ્રાપ્ત કરવામાં જ રસ હતો. ફ્રાન્સ પોતાના ભૂતકાળના હિંદી-ચીનમાંના રસને કારણે તેનું સભ્ય બન્યું હતું. જોકે, ચીન પોતાના અનુભવને કારણે અને અમેરિકાથી સ્વતંત્ર નીતિ અપનાવવાની ઇચ્છાને કારણે અમેરિકાની વિયેતનામ નીતિને ટેકો આપવા તૈયાર ન હતું. દક્ષિણ એશિયા અને દક્ષિણ-પૂર્વ (અગ્નિ) એશિયાના તટસ્થ દેશોએ આ સંગઠનના કરેલા વિરોધથી પણ સિયેટો નબળું બન્યું. પ્રાદેશિક સંગઠનોના હેતુ અને યુનોના હેતુમાં આ એક મહત્ત્વનો ભેદ હતો. સામૂહિક સલામતીના આદર્શ પર રચાયેલું યુનો કોઈ પણ સભ્ય દેશના આક્રમણને પહોંચી વળવા મદદ કરવાનો હેતુ ધરાવે છે જ્યારે પ્રાદેશિક સંગઠન કોઈ ચોક્કસ દેશના આક્રમણને પહોંચી વળવા રચાય છે; આથી પ્રદેશ બહારની મહાસત્તાઓના સંદર્ભમાં આવું બનવાની શક્યતા ઓછી હોય છે. નાટો અને સિયેટોની તુલનામાં અમેરિકાનો આ બંને સંગઠનમાં રસ કેટલો હતો એ પણ જોવું જોઈએ. યુરોપની અસલામતીથી ઊભા થતા જોખમને કારણે અમેરિકા બંને વિશ્વયુદ્ધમાં જોડાયું હતું. ભૂલભરેલી માન્યતાઓને કારણે અમેરિકા વિયેતનામના યુદ્ધમાં જોડાયું હતું; પરંતુ તેમાં એને સિયેટોના બધા સભ્ય દેશોનો ટેકો ન હતો. વળી અગ્નિ એશિયામાં પણ મિત્રો સાથેના દ્વિપક્ષી સંરક્ષણ-કરારોમાં અમેરિકાને વધારે રસ હતો. કંબોડિયાએ અમેરિકા સાથે સંરક્ષણ-સંધિની ઇચ્છા રાખી હતી અને ભારતે પણ સામ્યવાદી ચીન સામે અમેરિકાની મહત્ત્વની મદદ મેળવી હતી. આમ, અમેરિકન હાજરી બધાંને કાયમને માટે કઠતી હતી એમ કહી શકાય. અમેરિકાને અગ્નિ એશિયામાં રસ જરૂર હતો, પણ સિયેટોને કારણે તેણે આ વિસ્તારમાં મોટી લશ્કરી હાજરી આપી હોય એવું નથી. એ જ રીતે સિયેટોથી અગ્નિ એશિયાના વિસ્તારની સલામતી વધી હોય એવું પણ નથી.
વિસર્જન : વિયેતનામના યુદ્ધમાં ફસાયેલા અમેરિકાને તેમાંથી બહાર નીકળવું હતું તેમજ ચીન સાથે તેને સંબંધો સ્થાપવા અને વધારવા હતા (ચીન પણ એ દિશામાં આગળ વધવા માગતું હતું.) અને વિયેતનામમાંથી અમેરિકાને બહાર નીકળવામાં મદદ કરી શકે એમ હતું. વધુમાં અમેરિકાને ચીન ઉપરાંત સોવિયેત સંઘની સાથે પણ તણાવ ઘટાડવો હતો. 1960ના દાયકાના અંતમાં અણુશસ્ત્રોની બાબતમાં સોવિયેત સંઘે અમેરિકા સાથે સમાનતા પ્રાપ્ત કરી હોવાથી એ અનિવાર્ય બન્યું હતું. આ સંજોગોમાં સામ્યવાદ-વિરોધી એક બિનઉપયોગી મંડળની પ્રસ્તુતિ રહી ન હતી. સિયેટોના એક સભ્ય પાકિસ્તાનને હવે અમેરિકા નહિ પણ ચીન વિશ્વાસપાત્ર મિત્ર લાગતું હતું. અગ્નિ એશિયાના દેશોને સિયેટો સિવાય પણ અમેરિકાની મદદ મળી શકે એમ હતું.
સિયેટો એ અમેરિકા દ્વારા પ્રતિપાદિત સંગઠન હતું. તે એક વિશ્વસનીય પ્રાદેશિક સંગઠન બને એવી શકતા ન હતી અને તેવું બન્યું પણ નહોતું. આથી પશ્ચિમ યુરોપના સંગઠનની જેમ તે ‘સલામતી સમુદાય’ (security community) બની શક્યું નહિ, એમાં કોઈ અચરજ નથી. યુનોનો બોજો ઘટાડનાર સાધન પણ તે બન્યું નહિ. અગ્નિ એશિયાનો અનુભવ બતાવે છે કે સલામતીના હેતુ માટે મંડળ રચવા માટે પ્રાદેશિક મંડળ રચો ત્યારે સલામતીનો હેતુ સ્પષ્ટ રાખવાને બદલે તે પડદા પાછળ રાખવો બહેતર છે. કારણ કે આવો હેતુ સ્પષ્ટ કરવા જતાં દુશ્મન સંવેદનશીલ બને છે અને હરીફ જૂથો રચે છે. આથી જ 1967માં રચાયેલ પ્રાદેશિક સંગઠન આશિયાન(ASEAN – Association of South East Asian Nations)નો એક હેતુ લશ્કરી હોવા છતાં તેને આગળ ધરવામાં આવ્યો ન હતો.
સિયેટોના હેતુમાં ડાબેરીઓ અને સામ્યવાદીઓ, ‘સામ્યવાદને રોકવાનો’, ‘ચીનને ઘેરવાનો (encirclement)’ અને ‘રાષ્ટ્રીય આંદોલનોને દબાવવાનો’ જેવા હેતુઓનો સમાવેશ કરે છે. તેમના મતે 1964થી 1973 સુધી સંગઠને એકમાત્ર વિયેતનામના યુદ્ધમાં અમેરિકાનો હાથો બનવાનું જ કામ કર્યું હતું, જેમાં અમેરિકાને પરાજય મળ્યો. પાકિસ્તાને આ પહેલાં જ સંગઠનના સભ્યપદનો ત્યાગ કર્યો હતો (1973). ફ્રાન્સે આ સંગઠનમાં પોતાની ભૂમિકા 1965માં મર્યાદિત કરી હતી અને 1974માં પોતાના સભ્યપદનો અંત આણ્યો. 1975માં ફિલિપાઇન્સ અને થાઇલૅન્ડે તેના વિસર્જનનું સૂચન કર્યું. 1977માં સિયેટોનું વિસર્જન થયું.
મહેન્દ્ર ઠા. દેસાઈ