સિબ્બલ, કપિલ (જ. 8 ઑગસ્ટ, 1949, જલંધર, પંજાબ, ભારત)  : ભારતના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને કોંગ્રેસના પૂર્વ પીઢ રાજકારણી. હાલ રાજ્યસભામાં સાંસદ. પિતા હિરાલાલ સિબ્બલ, જેમને આંતરરાષ્ટ્રીય બાર એસોસિયેશન દ્વારા વર્ષ 1994માં ‘કાયદા ક્ષેત્રમાં જીવંત દંતકથા સમાન વ્યક્તિ’ ગણાવ્યા છે.

પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ચંડીગઢમાં સેન્ટ જોહન્સ હાઈસ્કૂલમાંથી મેળવ્યું. દિલ્હીમાં સેન્ટ સ્ટિફન્સ કૉલેજમાંથી કળા શાખામાં સ્નાતકની ઉપાધિ મેળવી. દિલ્હી યુનિવર્સિટીમાંથી પ્રતિષ્ઠિત ફૅકલ્ટી ઑફ લૉમાંથી એલએલ.બીની ઉપાધિ મેળવી અને પછી દિલ્હીની સેન્ટ સ્ટિફન્સ કૉલેજમાંથી ઇતિહાસ વિષય સાથે અનુસ્નાતક થયા. વર્ષ 1972માં બાર એસોસિયેશનમાં સામેલ થયા. વર્ષ 1973માં ભારતીય વહીવટી સેવા(આઇએએસ)માં પાસ થયા અને નિમણૂકની ઓફર મળી. પણ તેમણે આઇએએસ બનીને સરકારી નોકરી કરવાનો અસ્વીકાર કર્યો અને સ્વતંત્રપણે ધારાશાસ્ત્રી તરીકે પ્રૅક્ટિસ કરવાનો નિર્ણય લીધો. પછી વર્ષ 1977માં હાર્વર્ડ લૉ સ્કૂલમાંથી એલએલ.એમનો અભ્યાસ પૂર્ણ કર્યો. વર્ષ 1983માં વરિષ્ઠ ધારાશાસ્ત્રી તરીકે નિમણૂક થઈ.

વર્ષ 1989માં ભારતના અધિક સૉલિસિટર જનરલ તરીકે નિમણૂક થઈ. 1994માં ધારાશાસ્ત્રી તરીકે સંસદમાં હાજર થયા અને ભારતમાં સર્વોચ્ચ અદાલતના ઇતિહાસમાં પહેલી વાર મહાભિયોગનો સામનો કરતાં વી રામાસ્વામીનો સફળતાપૂર્વક  બચાવ કર્યો. મહાભિયોગ પ્રસ્તાવ ચર્ચા માટે સંસદમાં રજૂ થયો અને 10 મે, 1993ના રોજ મતદાન થયું. 1995-96, 1997-98 અને 2001-02 એમ ત્રણ વાર સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે કામગીરી કરી.

વર્ષ 1998માં સૌપ્રથમ બિહારમાંથી રાજ્યસભામાં પ્રવેશ કર્યો. વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં ચાંદની ચૌક બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને ટીવીની પ્રસિદ્ધ અભિનેત્રી સ્મૃતિ ઈરાની સામે વિજય મેળવીને કૉંગ્રેસના સાંસદ બન્યા. પ્રધાનમંત્રી મનમોહન સિંઘનાં પ્રથમ શાસનકાળમાં સિબ્બલની કેન્દ્રીય વિજ્ઞાન, ટૅકનૉલૉજી અને ભૂવિજ્ઞાન મંત્રી તરીકે નિમણૂક થઈ. સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં 2005 અને 2009માં વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમની વાર્ષિક બેઠકોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.

વર્ષ 2009માં એ જ બેઠક પરથી ફરી કૉંગ્રેસના સાંસદ બન્યા. પ્રધાનમંત્રી મનમોહન સિંઘના બીજા શાસનકાળમાં કેન્દ્રીય ટેલીકોમ મંત્રી બન્યા.

ઉપરાંત તેમણે ઇન્ટરનેટ સામગ્રીનું નિયમન કરવા પગલું ભર્યું, જેની ફેસબુક, ટિવટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સે ટીકા કરી હતી.

તેમણે ધોરણ 9 અને 10 માટે ભારતમાં સીસીઇ (સતત અને સંપૂર્ણ મૂલ્યાંકન) સિસ્ટમ પ્રસ્તુત કરી તેમજ આઇઆઇટી જેઇઇ પેટર્નમાં ફેરફારો શરૂ કર્યા. તેમણે આઇઆઇટી પટણાનું ખાતમુહૂર્ત કર્યું.

વર્ષ 2014 અને વર્ષ 2019ની લોકસભાની બંને ચૂંટણીઓમાં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે તેમનો પરાજય થયો. વર્ષ 2022માં કૉંગ્રેસ છોડીને રાજ્યસભામાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી, સમાજવાદી પક્ષના પીઠબળ સાથે રાજ્યસભામાં પુનરાગમન કર્યું.

ધારાશાસ્ત્રી હોવા ઉપરાંત કપિલ સિબ્બલ કવિહૃદય પણ ધરાવે છે. તેમની કવિતાઓનો સંગ્રહ ‘આઇ વિટનેસઃ પાર્શિયલ ઑબ્ઝર્વેશન’ પ્રકાશિત થયો છે. ઉપરાંત વર્ષ 2016માં હિંદી ફિલ્મ ‘શોરગુલ’ માટે તેમણે બે ગીતો ‘તેરે બિના’ અને ‘મસ્ત હવા’ પણ લખ્યાં.

કેયૂર કોટક