સિબેલિયસ જ્યૉં (જુલિયસ ક્રિશ્ચિયન) Sibelius Jean (Julius Christian)
January, 2008
સિબેલિયસ, જ્યૉં (જુલિયસ ક્રિશ્ચિયન) Sibelius, Jean (Julius Christian) [જ. 8 ડિસેમ્બર 1865, હામીન્લિના (Hameenlinna), ફિનલૅન્ડ; અ. 20 સપ્ટેમ્બર 1957, જાર્વેન્પા (Jrvenh) – ફિનલૅન્ડ] : વીસમી સદીમાં સિમ્ફનીના ઘાટનો વિકાસ કરનાર અગત્યના સંગીત-નિયોજક તથા સમગ્ર સ્કૅન્ડિનેવિયાના સૌથી વધુ ખ્યાતનામ સંગીતકાર.
બાળપણથી જ વાયોલિનવાદન અને સંગીત-નિયોજનનો શોખ ધરાવતા સિબેલિયસે 1889માં બર્લિન અને પછી વિયેના જઈ વાયોલિનવાદનનો વિધિવત્ અભ્યાસ કર્યો. સંગીત-નિયોજનના ક્ષેત્રે સ્વશિક્ષિત સિબેલિયસની પ્રારંભિક કૃતિઓ ‘કુલેર્વો’ સિમ્ફની; સિમ્ફનિક પોએમ ‘ફિનલેન્ડિયા’, સિમ્ફનિક પોએમ ‘સ્વૉન ઑવ્ ટૂનેલા’ તથા સિમ્ફનિક પોએમ ‘કારેલિયા’એ તેમને આધુનિક સંગીતના એક અગ્રણી સર્જક તરીકે વિશ્વભરમાં તરત જ નામના અપાવી. તેમણે આ કૃતિઓમાં રંગદર્શી શૈલીમાં ફિનિશ લોકસંગીતની સૂરાવલિઓને નવી ઢબે રજૂ કરી હતી. 1897માં ફિનલૅન્ડની સરકારે આજીવન પેન્શન તરીકે નાનકડી રકમ આપવી શરૂ કરી. પ્રસિદ્ધ રશિયન રંગદર્શી સંગીતનિયોજક ચાઇકૉવ્સ્કી(Tchaikovsky)ની શૈલીમાં તેમણે સિમ્ફની નં. 1 (E minor) તથા સિમ્ફની નં. 2 (D major) લખી તથા ‘કન્ચર્ટો ફૉર વાયોલિન ઍન્ડ ઑર્કેસ્ટ્રા’ લખ્યો; પરંતુ એ પછી તેમની શૈલી સાવ બદલાઈ ગઈ. રશિયન અને જર્મન રંગદર્શી લઢણો ત્યાગીને તેમણે ચુસ્ત પ્રશિષ્ટ શૈલી અપનાવીને મૌલિક સૂરાવલિઓ પ્રકટ કરતી કૃતિઓ લખવા માંડી, જે ફિનિશ રાષ્ટ્રીય શૈલીના સંગીતનો પાયો ગણાઈ. 1900 પછી ફિનિશ કન્ડક્ટર રૉબર્ટ કાજાનુસ ઉપરાંત યુરોપના ઘણા ક્ધડક્ટર સિબેલિયસની કૃતિઓ વગડાવવા માંડ્યા. સંગીતના આંતરરાષ્ટ્રીય વિવેચકો રોસા ન્યૂમૅર્ક અને અર્નેસ્ટ ન્યૂમૅનના પ્રતાપે સિબેલિયસના સંગીતને દુનિયાભરમાં પ્રતિષ્ઠા મળી.
જ્યૉં સિબેલિયસ
1909માં સિબેલિયસે ગળાના કૅન્સરનું ઑપરેશન કરાવ્યું. એ પછી તેમણે યુરોપના ઘણા દેશો અને અમેરિકાની મુલાકાત લીધી. 1914માં તેમણે સિમ્ફનિક પોએમ ‘ઓશેનાઇડ્સ’ (oceanides) અમેરિકાને અર્પણ કરી. એમની ત્રીજીથી માંડીને સાતમી સિમ્ફનીઓ 1902થી 1925 સુધીમાં રચાઈ, જેમાં સુંદર આરોહ-અવરોહ ધરાવતી મૌલિક અભિજાત સૂરાવલિઓ જોવા મળે છે. વાદ્યોની ભવ્ય ગોઠવણી (orchestration) ધરાવતી આ કૃતિઓ માનવમનની લાગણીઓ સહેલાઈથી હચમચાવી મૂકવાની ક્ષમતા ધરાવે છે. 1926માં સિમ્ફનિક પોએમ ‘ધ ટેમ્પ્ટેસ્ટ’ લખ્યા પછી અચાનક જ સિબેલિયસે સંગીતનિયોજન બંધ કરી દીધું. એમના સંગીતના ચાહક ક્ધડક્ટરો સર્ગેઈ કોઉસેવિટ્સ્કી, થૉમસ બીકામ અને બીજાઓએ નારાજ થઈ નવી કૃતિઓ લખવા માટે તેમને ઘોંચપરોણા કર્યા, છતાં સિબેલિયસ ચલિત થયા નહિ. 1930 પછી બ્રિટનમાં તેમની લોકપ્રિયતામાં અચાનક મોટો જુવાળ આવ્યો. વળી બ્રિટિશ સંગીત-વિવેચક સેસિલ ગ્રેએ તેમની ઘણી પ્રશસ્તિ કરી. પ્રતિષ્ઠા અને પ્રશસ્તિને આંચ આવે એ બીકે એમણે 1929માં લખેલી આઠમી સિમ્ફની ફાડી નાંખી અને નવસર્જન કરવાનું હંમેશાં ટાળ્યું. ફિનલૅન્ડનાં જંગલોમાં એક કુટિરમાં તેમણે બાકીના જીવનનાં 30 વરસ માનવકોલાહલથી દૂર શાંતિપૂર્વક પસાર કર્યાં. સેરિબ્રલ હેમરેજથી એકાણું વરસની ઉંમરે તેમનું અવસાન થયું. તીવ્ર આત્મવિવેચક હોવાને કારણે તેમણે ઘણી ઓછી કૃતિઓનું સર્જન કર્યું અને ઘણી કૃતિઓને જન્મતાં પહેલાં જ તેમણે ગળાટૂંપો દીધેલો. તેમની ગણના વીસમી સદીના શ્રેષ્ઠ સિમ્ફની-સર્જકોમાં થાય છે. અગાઉ ઉલ્લેખ કર્યો તે ઉપરાંત તેમની શ્રેષ્ઠ કૃતિઓમાં નીચેની કૃતિઓ સમાવેશ પામે છે :
1. સિમ્ફનિક પોએમ ‘‘પોજોલા’ઝ ડૉટર’’ (1906)
2. ‘મ્યુઝિક ફૉર મૉરિસ મેટરલિન્ક્સ’, ‘ડ્રામાપેલા એ મેલિસાન્દે’
3. સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ ‘વોસે ઇન્તિમા’ (1909)
4. વિવિધ સ્વીડિશ કવિઓના સોથી વધુ કાવ્યોનું સ્વરાંકન
અમિતાભ મડિયા