સિબેરેખ્ટ્સ ઇયાન (Siberechts Ian)
January, 2008
સિબેરેખ્ટ્સ, ઇયાન (Siberechts, Ian) (જ. 1627, ઍન્ટવર્પ, ફ્લેન્ડર્સ; અ. આશરે 1705) : નિસર્ગચિત્રો આલેખવા માટે જાણીતા ફ્લેમિશ ચિત્રકાર. તેમના પિતા શિલ્પી હતા. ઍન્ટવર્પમાં રહેતા ચિત્રકાર એડ્રિયાન દે બી પાસેથી તેઓ ચિત્રકલા શીખ્યા. સિબેરેખ્ટ્સના આરંભકાલના ચિત્ર ‘ઇટાલિયન લૅન્ડસ્કેપ’(1653)માં ઇટાલિયન શૈલીને અનુસરતી ડચ ચિત્રણા જોઈ શકાય છે. 1660 સુધીમાં એક નિસર્ગચિત્રકાર તરીકે તેઓ કારકિર્દીની ટોચે પહોંચ્યા. એમની શ્રેષ્ઠ ચિત્રકૃતિ ગણાઈ છે ‘ધ ફ્લડેડ રોડવે’ (1664). તેમાં ડચ નિસર્ગદૃશ્યમાં છૂટીછવાઈ ગ્રામીણ માનવ-આકૃતિઓ તેમણે આલેખી છે. 1672માં ધ સેકન્ડ ડ્યૂક ઑવ્ બકિન્ગહેમ જ્યૉર્જના આમંત્રણથી સિબેરેખ્ટ્સ ઇંગ્લૅન્ડ પહોંચ્યા. સમગ્ર ઇંગ્લૅન્ડના તેમણે પ્રવાસો કર્યા અને સાથે સાથે બ્રિટનના નિસર્ગ તથા ગ્રામીણ પરિવેશને આલેખતાં સંખ્યાબંધ ચિત્રો આપ્યાં. જેમના સીધા પ્રભાવ હેઠળ બ્રિટનના આરંભકાલીન નિસર્ગ-ચિત્રકારો આવ્યા.
અમિતાભ મડિયા