સિનિયર નાસૉ વિલિયમ
January, 2008
સિનિયર, નાસૉ વિલિયમ (જ. 1790, ઇંગ્લૅન્ડ; અ. 1864) : પ્રશિષ્ટ અર્થશાસ્ત્રના અધિકૃત પ્રતિનિધિ તરીકે ઓળખાતા તટસ્થ વિચારક તથા અર્થશાસ્ત્રમાં વિશુદ્ધ સિદ્ધાંતોની રજૂઆત કરનારા પ્રથમ અર્થશાસ્ત્રીઓમાંના એક. તેમણે પ્રાથમિક સ્વરૂપનાં વિધાનો પરથી તારવેલા સિદ્ધાંતોની વિસ્તૃત રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીની મૅક્ડૉનાલ્ડ કૉલેજમાંથી 1815માં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી 1819માં તેમણે વકીલાત શરૂ કરી હતી. 1825માં અર્થશાસ્ત્રના ડ્રુમૉન્ડ પ્રોફેસર ઑવ્ પૉલિટિકલ ઇકૉનૉમીના પદે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં તેમની નિમણૂક થઈ હતી. આ ઉચ્ચ વિદ્યાકીય પદ ગ્રહણ કરનાર તેઓ સર્વપ્રથમ વિદ્વાન હતા. આ પદ તેમણે બે વાર ગ્રહણ કર્યું હતું : 1825થી 1830 તથા 1847થી 1852. દરમિયાન 1836માં તેઓ માસ્ટર ઑવ્ ચાન્સેરી બન્યા હતા. 1836-55 દરમિયાન ઘણાં રૉયલ કમિશનોમાં તેમણે સેવાઓ આપી હતી.
અર્થતંત્રમાં વ્યાજનો દર કેવી રીતે નિર્ધારિત થાય છે તે અંગે તેમણે ‘એબ્સ્ટિનન્સ’નો સિદ્ધાંત રજૂ કર્યો છે. તેમના મતે બચતનો બિનઉત્પાદકીય ઉપયોગ ન કરવા બદલ બચત કરનારને વ્યાજરૂપી વળતર ચૂકવવામાં આવે છે. બચત એ મૂડીસર્જનનો પાયો છે અને બચત કરવા માટે બચત કરનારને તાત્કાલિક વપરાશનો ત્યાગ કરવો પડે છે. વ્યાજ એ તે પ્રકારના ત્યાગનો બદલો છે. વ્યાજરૂપી વળતર ચૂકવવાથી સમાજમાં ઉત્પાદકીય બચતને પ્રોત્સાહન મળે છે.
તેમનામાં ગુણદોષોની તટસ્થ સમીક્ષા કરવાની આવડત હતી; એટલું જ નહિ, પરંતુ તેમનાં લખાણો તર્કશુદ્ધ અને વિશ્લેષણાત્મક સ્વરૂપનાં રહેતાં હતાં.
તેમણે બે ગ્રંથો આપ્યા છે : (1) ‘ઇન્ડસ્ટ્રિયલ એફિશિયન્સી ઍન્ડ સોશિયલ ઇકૉનૉમી’ (1828) અને (2) ‘ઍન આઉટલાઇન ઑવ્ સાયન્સ ઑવ્ પૉલિટિકલ ઇકૉનૉમી’ (1850).
બાળકૃષ્ણ માધવરાવ મૂળે