સિદ્ધાંતશિરોમણિ
January, 2008
સિદ્ધાંતશિરોમણિ : ભાસ્કરાચાર્યનો જ્યોતિષશાસ્ત્રનો એક પ્રખ્યાત ગ્રંથ. આ ગ્રંથના ‘ગોલાધ્યાય’ના ‘પ્રશ્ર્નાધ્યાય’ શ્લોક 54 અનુસાર તેમનો જન્મ શક 1036માં થયો હતો. તેમણે 1072(શક)માં ‘સિદ્ધાંતશિરોમણિ’ અને શક 1105ના આરંભે ‘કરણકુતૂહલ’ નામે ગ્રંથો રચ્યા હતા. ‘સિદ્ધાંતશિરોમણિ’ના ગ્રહગણિત અને ‘ગોલાધ્યાય’ ઉપર તેમની ટીકા ‘વાસના ભાષ્ય’ નામે છે. તેમાં એક સ્થળે (‘વાતાધિકાર’માં) તે કહે છે કે ‘तथा शरखंडकानि मया करणे कधितानि’ અને ટીકામાં કેટલેક સ્થળે 11 અયનાંશ લીધા છે. શક સંવત 1105માં 11 અયનાંશ હતા. તેથી તેને ટીકાનો રચનાકાળ ગણી શકાય. તેમણે 69 વર્ષની વયે ‘કરણ’ ગ્રંથ રચ્યો છે.
ભાસ્કરાચાર્યે તેમાં થોડુંક પોતાના કુલવૃત્ત વિશે અને નિવાસસ્થાન વિશે પણ લખ્યું છે. આ મુજબ તેમનું ગોત્ર શાંડિલ્ય હતું. તેમના પિતાનું નામ મહેશ્વર હતું. તેમણે પિતા પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી હતી. તેમનું નિવાસસ્થાન સહ્યાદ્રિ પાસેનું બિજ્જડવિડ હતું. ખાનદેશમાં ચાલીસ ગામની નૈર્ઋત્યે 10 કિમી. દૂર પાટણ ગામના શિલાલેખ પ્રમાણે ચંગદેવે પાટણમાં ભાસ્કરાચાર્યના અને તેમના વંશના બીજા વિદ્વાનોના ગ્રંથોના અધ્યયન માટે મઠ સ્થાપ્યો હતો. આજે ત્યાં મઠનું અસ્તિત્વ નથી, પણ તેનાં ચિહ્નો છે. આ લેખ ઉપરથી તેમનું વંશવૃક્ષ આ પ્રમાણે છે : ત્રિવિક્રમ – ભાસ્કર ભટ્ટ – ગોવિંદ – પ્રભાકર – મનોરથ – મહેશ્વર – ભાસ્કર – લક્ષ્મીધર – ચંગદેવ. ચંગદેવ તે મઠના સ્થાપક. આ વંશનો પ્રથમ પુરુષ ત્રિવિક્રમ ‘દમયંતી કથા’ નામના ગ્રંથનો કર્તા હતો.
ભાસ્કરાચાર્યે કોઈ રાજ્યાશ્રય મેળવ્યો નથી. ભાસ્કરાચાર્યના ‘લીલાવતી’ ગ્રંથનું ફારસી ભાષાંતર મુઘલ સમ્રાટ અકબરની આજ્ઞાથી ઈ. સ. 1587માં થયું. તેમાં તેમની જન્મભૂમિ બેદર કહી છે. તે સોલાપુરથી પૂર્વે લગભગ 50 ગાઉ અને સહ્યાદ્રિથી પણ દૂર છે.
‘સિદ્ધાંતશિરોમણિ’ ગ્રંથના મુખ્ય ચાર ખંડ છે. તેમને અધ્યાય પણ કહે છે. પ્રત્યેક ખંડના પેટાવિભાગો પણ અધ્યાયો છે. પહેલા ખંડને ‘પાટીગણિત’ અથવા ‘લીલાવતી’ કહ્યો છે. આને અંકગણિત અને માપકરણ (ક્ષેત્રફળઘનફળ) ઉપરનો સ્વતંત્ર ગ્રંથ કહી શકાય. આમાં લગભગ 278 શ્લોકો છે. વચ્ચે વચ્ચે ઉદાહરણોનું સ્પષ્ટીકરણ ગદ્યમાં છે. આમાં પ્રથમ વિવિધ પરિમાણોનાં કેટલાંક કોષ્ટકો છે. પછી સંખ્યાઓનાં પરાર્ધ સુધીનાં નામ છે; ત્યારબાદ પૂર્ણાંકોના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ અને ભિન્ન અપૂર્ણાંક, પરિકર્માષ્ટક, શૂન્ય પરિકર્માષ્ટક, ઇષ્ટ કર્મ, ત્રૈરાશિક, પંચરાશિક વગેરે વિષયો; જુદાં જુદાં પૃષ્ઠો; ક્ષેત્રફળ, ઘનફળ વગેરે; કુટ્ટક ગણિત, પાક્ષિક વિપર્યય, તેમનાં વિવિધ ઉદાહરણો સાથેનો આ વિલક્ષણ અધ્યાય ‘ગણિત’ નામે છે. બીજા ખંડમાં બીજગણિતમાં ધનર્ણ સંખ્યાઓના, અવ્યક્તોના અને કરણી સંખ્યાઓના સરવાળા વગેરે પરિકર્માષ્ટક, કુટ્ટક, વર્ગપ્રકૃતિ, એકવર્ણ સમીકરણ, અનેકવર્ણ સમીકરણ, એકાનેક વર્ણ સમીકરણ જેવા વિષયોના કુલ 213 શ્લોકો છે. વચ્ચે વચ્ચે કેટલોક ભાગ ગદ્યમાં છે.
‘ગણિતાધ્યાય’ અને ‘ગોલાધ્યાય’ નામના બે ખંડોમાં જ્યોતિષશાસ્ત્ર છે. ઉપોદઘાતમાં કહેલા અધિકાર પ્રમાણે પહેલામાં ગ્રહગણિતના બધા વિષયો છે. તેના શ્લોકોની સંખ્યા 4,346 છે. ‘ગોલાધ્યાય’માં ગ્રહગણિતના બધા વિષયોની ઉપપત્તિ, ત્રૈલોક્ય સંસ્થાવર્ણન, યંત્રાધ્યાય વગેરે વિષયો છે. તેની શ્લોકસંખ્યા 2,100 કહી છે. છેલ્લે ‘જ્યોપપત્તિ’ નામે એક નાનું પણ મહત્વનું પ્રકરણ છે. વચ્ચે ‘ઋતુવર્ણન’ નામે નાનું પ્રકરણ છે. તેમાં કર્તાનું કવિત્વ સુવ્યક્ત છે.
મધ્યમાધિકારનાં ગ્રહ-ભગણાદિનાં બધાં માત અને સ્પષ્ટાધિકારનાં પરિધ્યંશ વગેરે ભાસ્કરાચાર્યે ‘બ્રહ્મસિદ્ધાંત’માંથી લીધાં છે. મધ્યમ ગ્રહોનો બીજસંસ્કાર ‘રાજમૃગાંક’માંથી લીધો છે. અયતિ વિશે પણ આવી જ કોઈ ગંગોત્રી હોવાનું અનુમાન કરવામાં આવે છે. તેમના આ ગ્રંથમાં ખાસ નવીન કાંઈ નથી; પણ આ ગ્રંથ વિચારસાધ્ય જ્ઞાનથી પૂર્ણ છે. આ એક જ ગ્રંથને વાંચવાથી ભારતવર્ષીય જ્યોતિષશાસ્ત્રનું સર્વસ્વ જાણી શકાય તેમ છે. તેથી જ જ્યોતિષશાસ્ત્રના ઇતિહાસમાં તેની પ્રતિષ્ઠા છે. આ ગ્રંથ ભારતના ખૂણે ખૂણે પ્રસિદ્ધ છે. તેનાં પરભાષાઓમાં પણ ભાષાંતરો થયાં છે. અર્વાચીન કાળમાં પણ તેની પ્રતિષ્ઠા યથાવત્ જળવાઈ રહી છે. આ ગ્રંથમાં વિચારસાધ્ય ઘણી શોધો છે. ગોળ દડા જેવા પદાર્થ ઉપરની દોરેલી રેખાઓ તેમને કરતલામલવત્ હતી. ત્રિપ્રશ્ર્નાધિકારમાં તેમણે ઘણી નવી રીતો બેસાડી છે. તેમણે અનેક વિષયોમાં પોતાનું કૌશલ્ય દાખવ્યું છે. શંકુના વિષયમાં ઇષ્ટ-દિકછાયા સાધન વિશે કોઈ પૂર્વાચાર્યોએ કહ્યું નથી, એમ તેમણે કહ્યું છે. તેમણે પ્રથમ વાર જ શરકાંતિવૃત્ત ઉપર લંબ-રૂપ હોવાનું કહ્યું છે. ઉદયાન્તર તેમની શોધ છે. અહર્ગણમાં બધા દિવસોને જુદા જુદા માપનાં હોવાનું તેમણે તારવ્યું છે. વિષુવવૃત્ત ઉપર પણ દિવસ પૂરેપૂરો 60 ઘડીનો ન હોવાનું તેમણે બતાવ્યું છે. તેમણે ઉદયાન્તર સંસ્કારને જરૂરી ગણ્યો છે. પૃથ્વી વિષુવવૃત્તમાં ફરે છે, ક્રાંતિવૃત્તમાં નહિ; તેથી ક્રાંતિવૃત્તનો એક અંશ ક્ષિતિજ ઉપર આવતાં લાગતો સમય વિષુવવૃત્તના 30 અંશ આવવા માટે લાગતો નથી. આથી જ તેમણે ઉદયાન્તર સંસ્કારને જરૂરી ગણ્યો છે. ભુજાંતર અને ઉદયાન્તર મળીને થતા સમીકરણને યુરોપીય જ્યોતિષમાં ‘equation of time’ કહ્યું છે. આ વિચારને ટીકાકાર રંગનાથે ‘સ્પષ્ટાધિકાર’ના શ્લોક 59ની ટીકામાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ‘સિદ્ધાંતતત્વ-વિવેક’કારે ઉદયાન્તર સંસ્કાર માટે ભાસ્કરાચાર્યનું ખંડન કરવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો છે.
તેમનો બીજો ગ્રંથ ‘કરણકુતૂહલ’ શકસંવત 1105ના આરંભ કાળનો છે. અહીં અહર્ગણ ઉપરથી મધ્યમ ગ્રહ સાધન કર્યું છે. આ ગ્રંથને ભાસ્કરાચાર્યે બ્રહ્મતુલ્ય કહ્યો છે તે રાજમૃગાંકોક્ત બીજ સંસ્કૃત બ્રહ્મતુલ્ય છે. તેનું ‘ગ્રહાગમકુતૂહલ’ એવું નામ પણ છે. આ ગ્રંથ ઉપરથી પણ હજી કેટલાય લોકો ગણિત કરે છે. ગ્રહલાઘવકારે બ્રહ્મ-પક્ષના ગ્રહો આ ગ્રંથ ઉપરથી લીધા છે. આ ગ્રંથ પ્રમાણે ગ્રહ સાધન માટે જગચ્ચંદ્રિકા નામે મોટો સારણી ગ્રંથ છે. તેમાં મધ્યમ, સ્પષ્ટ, ત્રિપ્રશ્ન, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ઉદયાસ્ત, શૃંગોન્નતિ, ગ્રહયુતિ, પાત, પર્વસંભવ નામના દસ અધિકારો અનુક્રમે 17, 23, 17, 24, 10, 15, 50, 7, 16 અને 5 શ્લોકોમાં આપ્યા છે.
કેટલીક ટીકાઓ ચારેય ભાગ ઉપર છે તો કેટલીક ટીકાઓ કાં તો લીલાવતી અથવા બીજગણિત ઉપર અને કેટલીક ‘ગ્રહગણિતાધ્યાય’ અને ‘ગોલાધ્યાય’ ઉપર છે. જંબુસરના ગંગાધર-(લક્ષ્મીધર)ની ‘ગણિતામૃતસાગરી’ કે ‘અંકામૃતસાગરી’, ‘ગ્રહલાઘવ’કાર ગણેશ દૈવજ્ઞની ‘બુદ્ધિવિલાસિની’, મહીદાસનું ‘લીલાવતી વિવરણ’, મુનીશ્વરની ‘લીલાવતી વૃત્તિ’ વગેરે ટીકાઓ છે. ઑફ્રેટે ઘણી ટીકાઓનાં નામ ગણાવ્યાં છે.
દશરથલાલ ગૌ. વેદિયા