સિડેરોલાઇટ : ઉલ્કાઓનો એક પ્રકારનો સમૂહ. ઉલ્કાઓને નીચે પ્રમાણેના મુખ્ય ત્રણ સમૂહોમાં વહેંચેલી છે. આ ત્રણે સમૂહોનાં અંતર્ગત બંધારણીય લક્ષણો અન્યોન્ય ઓતપ્રોત જોવા મળેલાં છે :
1. સિડેરાઇટ સમૂહ અથવા લોહ ઉલ્કાઓ : જે લગભગ સંપૂર્ણપણે નિકલમિશ્રિત લોહદ્રવ્યથી બનેલી છે, તેથી તેમને ધાત્વિક ઉલ્કાઓ પણ કહેવાય છે. તેના પેટાપ્રકારો પણ છે.
2. સિડેરોલાઇટ સમૂહ અથવા લોહપાષાણ ઉલ્કાઓ : જે ધાતુમિશ્રિત પાષાણ પ્રકારની છે. તે નિકલ-લોહનાં મિશ્રણો અને ઑલિવિન તેમજ પાયરૉક્સિન જેવાં ભારે બેઝિક સિલિકેટ ખનિજદ્રવ્યોથી બનેલી છે. આ સમૂહના પેટાપ્રકારો આ પ્રમાણે છે : (અ) પેલેસાઇટ : નિકલ-લોહ દ્રવ્યમાં ઑલિવિન હોય એવો વિપુલ સમૂહ. (આ) સિડેરોફાયર : નિકલ-લોહ દ્રવ્યમાં બ્રોન્ઝાઇટ અને ટ્રિડિમાઇટ હોય. (ઇ) લૉડ્રેનાઇટ : નિકલ-લોહ દ્રવ્યમાં બ્રોન્ઝાઇટ અને ઑલિવિન હોય. (ઈ) મેસોસિડેરાઇટ : નિકલ-લોહ દ્રવ્ય અને સિલિકેટ ખનિજોનું સમપ્રમાણ હોય. (ઉ) સોરોટાઇટ : પેલેસાઇટને સમકક્ષ, પરંતુ ઑલિવિનની જગાએ ટ્રોઇલાઇટ હોય.
3. એરોલાઇટ સમૂહ અથવા પાષાણ ઉલ્કાઓ : જે લગભગ સંપૂર્ણપણે ભારે બેઝિક સિલિકેટ (ઑલિવિન-પાયરૉક્સિન) તેમજ કેટલાક વિરલ પાર્થિવ અગ્નિકૃત ખડકોના વધુ બેઝિક પ્રકારોને મળતા આવતાં દ્રવ્યોથી બનેલી હોય. આ ઉપરાંત એક ચોથો સમૂહ પણ ઉમેરાયો છે, જે કાચમય દ્રવ્યથી બનેલો છે, જેને ટેક્ટાઇટ સમૂહ નામ અપાયું છે.
પ્રોફે. જે. ડબ્લ્યૂ. ગ્રેગરીના મંતવ્ય મુજબ જાણવા મળેલી બધી જ ઉલ્કાઓનું બંધારણ લગભગ સમકક્ષ હોય છે. સમગ્રપણે જોતાં, લોહ-ઉલ્કાઓનું પ્રમાણ પાષાણ-ઉલ્કાઓ કરતાં વધુ છે, જોકે પાષાણ ઉલ્કાપાત વધુ થતો હોય છે. લોહ-ઉલ્કાઓ મોટા દળમાં પડે છે.
બધા જ પ્રકારની ઉલ્કાઓના અભ્યાસ પરથી પૃથ્વીના બંધારણનો ખ્યાલ મેળવી શકાય છે અને અવકાશી પદાર્થોના સામાન્ય બંધારણનો તાગ મેળવવામાં સહાયભૂત નીવડે છે.
ગિરીશભાઈ પંડ્યા