સિટી લાઇટ્સ (ચલચિત્ર) : નિર્માણવર્ષ : 1931. નિર્માતા, દિગ્દર્શક, પટકથાલેખક : ચાર્લી ચૅપ્લિન. સંગીત : ચાર્લી ચૅપ્લિન, જોસ પેડિલા. છબિકલા : ગોર્ડન પોલોક, રોલૅન્ડ ટોથેરો. મુખ્ય કલાકારો : ચાર્લી ચૅપ્લિન, વર્જિનિયા શેરિલ, હેરી મેયર્સ, ફ્લોરેન્સ લી, હેન્ક માન, અલ અર્નેસ્ટ ગાર્સિયા.
મહાન ચિત્રસર્જક ચાર્લી ચૅપ્લિને ઘણાં યાદગાર મૂક ચિત્રો બનાવ્યાં છે. ચિત્રોને જ્યારે અવાજ મળ્યો અને એ પહેલાં ચિત્રોને સવાક બનાવવાના જે પ્રયાસ થતા હતા તેના ચાર્લી વિરોધી હતા. તેઓ એવું દૃઢપણે માનતા હતા કે મૂક ચિત્રોમાં આંતરરાષ્ટ્રીય અપીલ કરવાની જે ક્ષમતા છે તે ભાષાને કારણે મર્યાદિત થઈ જશે. 1928માં તેમણે મૂક ચિત્ર ‘સર્કસ’ બનાવ્યા બાદ આ ચિત્ર ‘સિટી લાઇટ્સ’નું નિર્માણ હાથ ધર્યું ત્યાં સુધીમાં હૉલીવૂડમાં સવાક ચિત્રોનું નિર્માણ શરૂ થઈ ગયું હતું અને બધા ચિત્રસર્જકો જ્યારે સવાક ચિત્રો બનાવવાનું આયોજન કરી રહ્યા હતા ત્યારે ચૅપ્લિને પણ પોતાનું આ પહેલું સવાક ચિત્ર તો બનાવ્યું, પણ તે માત્ર એ અર્થમાં સવાક હતું કે તેમાં તેમણે માત્ર વિવિધ ધ્વનિ અને સંગીતનો ઉપયોગ કર્યો હતો. પાત્રોએ તો મૂક અભિનય જ કર્યો હતો. તેમનો આ પ્રયોગ એ વખતે પણ સફળ થયો હતો અને ‘સિટી લાઇટ્સ’ પ્રશિષ્ટ ચિત્રોમાં સ્થાન પામ્યું.
આ ચિત્રમાં એક એવા નાયકની વાત છે જે સંજોગોનો માર્યો વિવિધ અનુભવોમાંથી પસાર થતો એક અંધ માલણને તેની દૃષ્ટિ અપાવવામાં મદદરૂપ થાય છે. પોતાનાં દાદી સાથે રહીને ગુજરાન માટે ફૂલો વેચતી અંધ માલણના પ્રેમમાં નાયક પડે છે. અંધ યુવતી એવું માની બેસે છે કે તેનો પ્રેમી ખૂબ ધનિક છે. આવી ગેરસમજો વચ્ચે નાયક તો અંધ યુવતીને કોઈ પણ ભોગે દૃષ્ટિ પાછી અપાવવા મથે છે. એ માટે તે રસ્તા સાફ કરવા સહિતનાં જે મળે એ કામ કરીને પૈસા ભેગા કરે છે. જ્યારે તેની પાસે પૈસા ભેગા થાય છે, ત્યારે તે ચોરીના છે એવા આરોપ સાથે તેને જેલની હવા ખાવાનો વારો આવે છે. જ્યારે તે જેલમાંથી છૂટીને ફરી માલણને મળે છે ત્યારે તેને દૃષ્ટિ પાછી મળી ચૂકી હોય છે, પણ તે પોતાના આ પ્રેમીને ઓળખી શકતી નથી, કારણ કે તેણે તો મનોમન કોઈ ધનિક યુવાનની કલ્પના કરી હતી. આ ચિત્રમાં ચાર્લીની શૈલી મુજબનાં એવાં ઘણાં શ્યો છે જે આજે પણ જોનારને પેટ પકડીને હસાવે છે. ખાસ કરીને એક મેળાવડામાં ગયેલો નાયક ભૂલથી એક સિસોટી ગળી જાય છે. એ પછી તેના ગળામાંથી સિસોટીના અવાજો નીકળતા રહે છે. આ શ્ય વિશે કહી શકાય કે તે આટલું અસરકારક રીતે માત્ર ચૅપ્લિન જ ભજવી શકે. આ ચિત્ર વિશે સમીક્ષકોએ એવી નોંધ પણ કરેલી છે કે ચિત્રની કથામાં એટલી બધી બાબતો વણકથી રાખી દેવાઈ છે કે ચલચિત્રોના ઇતિહાસમાં કોઈ ચિત્રમાં આવું બન્યું નથી.
હરસુખ થાનકી