સિટી મ્યુઝિયમ, અમદાવાદ : અમદાવાદ શહેરના ઇતિહાસ, ઔદ્યોગિક વિકાસ, વેપાર, સંસ્કાર, સંસ્કૃતિ અને અન્ય ગતિવિધિને તાદૃશ કરતું અમદાવાદ ખાતેનું મ્યુઝિયમ. પાલડી વિસ્તારના સંસ્કાર કેન્દ્રના મકાનમાં પહેલે માળે આ મ્યુઝિયમ આવેલું છે; તેની સ્થાપના 2000માં થઈ. આ મ્યુઝિયમ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન હસ્તક છે.
કર્ણાવતી : અતીતની ઝાંખી, સિટી મ્યુઝિયમ, અમદાવાદ
1954માં જગવિખ્યાત ફ્રેંચ આર્કિટેક્ટ લા કાર્બુઝિયરે તૈયાર કરેલ ડિઝાઇન પ્રમાણે બાંધવામાં આવેલા સંસ્કાર કેન્દ્રના પહેલા માળે 1,393.33 ચોરસ મીટર(15,000 ચો. ફૂટ)ના ક્ષેત્રફળમાં સિટી મ્યુઝિયમ આકાર લઈ રહ્યું છે. આ કાર્યને સ્વપ્નથી સર્જન સુધી પહોંચાડવાનું કામ ‘વાસ્તુશિલ્પ ફાઉન્ડેશન ફૉર સ્ટડીઝ ઍન્ડ રિસર્ચ ઇન ઍન્વાયરન્મૅન્ટલ ડિઝાઇન’ નામની સંસ્થાએ પાર પાડ્યું છે. સિટી મ્યુઝિયમમાં અમદાવાદ શહેરના પુરાતત્ત્વ અને ઇતિહાસ, સંસ્કૃતિ અને ધર્મ, રીતરિવાજો અને તહેવારો, કલા અને કારીગરી, સાહિત્ય અને સ્થાપત્ય, વ્યક્તિગત અને સંસ્થાકીય ઉપલબ્ધિઓ વગેરેનું સાંપ્રત સમાજને અનુલક્ષીને કલાત્મક નિદર્શન કરવામાં આવ્યું છે. પુરાતત્ત્વના અવશેષો, ઐતિહાસિક પ્રમાણો, દસ્તાવેજો, શિલ્પ તથા કળાના પૌરાણિક તેમજ આધુનિક નમૂનાઓ, ચલણી સિક્કાઓ, ચિત્રો, તસવીરો, પ્રણાલિગત શૈલીની ચીજવસ્તુઓ વગેરે મળી કુલ હજારથી પણ વધુ ઘટકો આ મ્યુઝિયમમાં જોઈ શકાય છે.
આ ઉપરાંત વધુ માહિતી માટે અમદાવાદને સંલગ્ન પ્રકાશનો, દસ્તાવેજો, મહાનિબંધોની પ્રતો તેમજ લાઇબ્રેરી અને દૃશ્યશ્રાવ્ય દસ્તાવેજોનો સંદર્ભ પણ સમાવાયો છે. વૈવિધ્યસભર માહિતીને સરળતાથી લોકભોગ્ય બનાવવા માટે મ્યુઝિયમને 21 વિભાગોમાં વહેંચી નાખવામાં આવ્યું છે :
1. શિલ્પ : અમદાવાદની ભૂમિમાંથી મળેલાં બારમી સદીનાં શિલ્પો ઉપરાંત રાણી વિક્ટોરિયાનું આરસમાંથી બનેલું શિલ્પ અને રણછોડલાલ છોટાલાલનું શિલ્પ પણ અહીં છે.
2. શેરીના ઘટકો : અહીં ઓગણીસમી સદીનાં ચબૂતરા, આરસના ફુવારા અને વીસમી સદીના વીજળીના થાંભલા છે.
3. વાહનો : આ વિભાગમાં અમદાવાદમાં ફરતી 1920થી 1950 સુધીની કારનાં મૉડેલો મોજૂદ છે. 1907માં બનેલું વરાળથી ચાલતું એક રેલવે એન્જિન પણ છે.
4. ઇતિહાસ અને પુરાતત્ત્વ : આ વિભાગમાં મધ્યકાલીન અમદાવાદના નકશા, બાદશાહો અને સૂબાઓનાં શાહી ફરમાનો, સંપત્તિના દસ્તાવેજો, લોકલ બસની ટિકિટો અને શૅર-સર્ટિફિકેટો છે.
5. અમદાવાદની ઝાંખી : અહીં અમદાવાદના વિવિધ તબક્કાના યુગના ફોટોગ્રાફ છે. મકબૂલ ફિદા હુસેને આલેખેલ અમદાવાદનું એક રેખાચિત્ર છે. ‘હરિજનબંધુ’, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, ‘મજૂર સંદેશ’, ‘સંદેશ’, ‘નવજીવન’, ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ અને ‘યંગ ઇન્ડિયા’ની અમદાવાદથી પ્રકાશિત પહેલી આવૃત્તિઓ છે.
6. ગાંધીજી : આ વિભાગમાં જગન મહેતાએ ગાંધીજીના ઝડપેલા ફોટોગ્રાફ છે; કાંતિ પટેલે ગાંધીજીનું ઘડેલું શિલ્પ છે. દક્ષિણ આફ્રિકાથી ગાંધીજીને મળેલાં સન્માનપત્રો પણ છે.
7. સરદાર પટેલ : અહીં સરદાર વલ્લભભાઈ પટેલના ફોટોગ્રાફ છે.
8. સ્વાતંત્ર્યસંગ્રામ : આ વિભાગમાં ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામને લગતી અમદાવાદમાં બનેલી ઘટનાઓના ફોટોગ્રાફ છે.
9. કાપડ-ઉદ્યોગ : આ વિભાગમાં અમદાવાદમાં કાપડ-ઉદ્યોગના વિકાસના ફોટોગ્રાફ તબક્કાવાર ગોઠવ્યા છે. કાપડ પરની બ્રાન્ડ-મહોર, કાપડની મિલોનાં શૅર-સર્ટિફિકેટ, રૂના નમૂના અને પાઘડીઓ પ્રદર્શિત છે.
10. વ્યક્તિવિશેષ : આ વિભાગમાં દલપતરામ, ચિનુભાઈ બૅરોનેટ અને મગનલાલ વખતચંદના ફોટોગ્રાફ અને શિલ્પ પ્રદર્શિત છે.
11. કાપડ : આ વિભાગમાં ઔદ્યોગિક મિલો શરૂ થઈ તે પૂર્વે અમદાવાદમાં હાથશાળ પર વણેલાં અને ચીતરેલાં કે બ્લૉક-પ્રિન્ટ કરેલાં કપડાંના નમૂના છે. મશરૂ કાપડનો ચણિયો, મશરૂ કાપડનો તંબૂ, કિનખાબી સાડી, કલમકારી કરેલ ચંદરવા છે. તે ઉપરાંત લાકડા અને ધાતુમાંથી બનાવેલ છાપકામનાં બીબાં પણ છે.
12. આધુનિક કલા : આ વિભાગમાં રવિશંકર રાવળ, છગનલાલ જાદવ, સોમાલાલ શાહ, રસિકલાલ પરીખ, પિરાજી સાગરા, ઈશ્વર સાગરા, જનક પટેલ, બાલકૃષ્ણ પટેલ, માનસિંહ છારા, હકુ શાહ, અમિત અંબાલાલ, નબીબખ્શ મન્સૂરી, નવીન ઢગટ, કાંતિ પટેલ, રતિલાલ કાન્સોદરિયા, રાજેશ સાગરા, અજિત દેસાઈ જેવા અમદાવાદના આધુનિક ચિત્રકારો અને શિલ્પકારોએ રચેલી ચિત્રકૃતિઓ અને શિલ્પકૃતિઓ પ્રદર્શિત કરી છે.
13. આધુનિક ફોટોગ્રાફી : અહીં બલવંત ભટ્ટ, સુખદેવ ભચેચ, દત્તા ખોપકર, પ્રાણલાલ પટેલ, સુરેન્દ્ર પટેલ, જગન મહેતા, પરમાનંદ દલવાડી જેવા આધુનિક અમદાવાદી ફોટોગ્રાફરોની ફોટોગ્રાફી-કૃતિઓ પ્રદર્શિત – છે.
14. ધર્મ : અમદાવાદની પ્રજા દ્વારા પાળવામાં આવતા શૈવ, વૈષ્ણવ, સ્વામીનારાયણ, જૈન, શીખ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી અને યહૂદી ધર્મોનાં પૂજા-પ્રાર્થનાકેન્દ્રોની પ્રતિકૃતિઓ આ વિભાગમાં રજૂ કરી છે.
15. તહેવારો : અમદાવાદના મુખ્ય તહેવારો ઉત્તરાયણ, હોળી, રથયાત્રા, મહોરમ, નવરાત્રી અને દિવાળીની ઉજવણીની રજૂઆત કરતાં ફોટોગ્રાફ, ચિત્રો અને મૉડેલો અહીં પ્રદર્શિત છે.
16. સાહિત્ય : ઉમાશંકર જોશી, સ્નેહરશ્મિ, સુન્દરમ્, નિરંજન ભગત, પ્રિયકાંત મણિયાર, યશવંત શુક્લ, જયંતિ દલાલ, મનહર મોદી, યૉસેફ મેકવાન, ચંદ્રકાન્ત શેઠ, પન્નાલાલ પટેલ, ‘ઇર્શાદ’ આદિ અમદાવાદમાં રહી ચૂકેલા કવિઓ અને લેખકોના ફોટોગ્રાફ તથા તેમની હસ્તપ્રતોનાં નમૂનારૂપ પાનાં આ વિભાગમાં પ્રદર્શિત છે. વળી ગુજરાતી સાહિત્યમાં અમદાવાદના યોગદાનની તબક્કાવાર તવારીખ પણ રજૂ કરી છે.
17. સ્થાપત્ય : અમદાવાદમાં પ્રચલિત તમામ પ્રકારના સ્થાપત્યનાં મૉડેલો બનાવી અહીં મૂક્યાં છે : પ્રણાલીગત પોળો, સલ્તનત, મુઘલ, હિંદુ, જૈન, બ્રિટિશ કૉલોનિયલ અને મૉડર્ન. તેમાંથી સારાભાઈ હાઉસ, શોધન હાઉસ, મિલ ઑનર્સ ઍસોસિયેશન અને સંસ્કાર કેન્દ્રનાં મૉડેલ ચિત્તાકર્ષક છે. લાકડામાંથી બનેલી અમદાવાદી હવેલીઓનાં બારણાં, ઝરૂખા, બારીઓ, કમાનો અને થાંભલા પણ અહીં પ્રદર્શિત છે.
18. હસ્તકલા : અમદાવાદમાં પ્રચલિત લોકકલાઓના નમૂનાઓ અહીં પ્રદર્શિત છે : કાપડ પરની કલમકારી, બાંધણી, થીંગડાં સાંધીને થતું પૅચવર્ક, ધાતુપ્રતિમાઓ, કઠપૂતળીઓ, લાકડાંની કારીગીરી તથા કોતરણી, પિત્તળનાં વાસણો અને સોનાચાંદી-મોતીનાં ઘરેણાં વગેરે.
19. આધુનિક ડિઝાઇન : અમદાવાદના આધુનિક ડિઝાઇનરોએ ડિઝાઇન કરેલ ફર્નિચર, કાપડ, વસ્ત્રો અને બીજી ઉપયોગિતાલક્ષી જણસો અહીં રજૂ કરી છે.
20. સંસ્થાઓ : અમદાવાદમાં સ્થપાયેલ મહત્ત્વની જાહેર સંસ્થાઓ વિશે અહીં વિગતવાર માહિતી મૂકી છે :
(1) ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન
(2) ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી
(3) ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પ્લાઝમા ફિઝિક્સ
(4) નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન
(5) સેન્ટર ફૉર ઍન્વાયરન્મૅન્ટલ પ્લાનિંગ ઍન્ડ ટેકનૉલૉજી
(6) ગુજરાતી સાહિત્ય પરિષદ
(7) જ્યોતિસંઘ
(8) સેવા
(9) ભોળાભાઈ જેશિંગભાઈ વિદ્યાભવન
21. ઘરગથ્થુ રાચરચીલું : આ વિભાગમાં લાક્ષણિક અમદાવાદી ઘરનાં રાચરચીલાં રજૂ કર્યાં છે; જેમાં અમદાવાદી હીંચકો તુરત જ ધ્યાન ખેંચે છે.
અમિતાભ મડિયા