સિક્વિરોસ, ડૅવિડ ઍલ્ફારો (Siqueiros, David Alfaro) (જ. 1898, ચિહુઆહુઆ, મૅક્સિકો; અ. 1974) : ડાબેરી વિચારસરણી ધરાવતો આધુનિક મૅક્સિકન ચિત્રકાર. આધુનિક મૅક્સિકન ભીંતચિત્ર-પરંપરાના ઘડવૈયાઓની ત્રિપુટીમાં રિવેરા અને ઓરોઝ્કો સાથે સિક્વિરોસની ગણના થાય છે.
ડૅવિડ ઍલ્ફારો સિક્વિરોસ
મૅક્સિકો શહેરની પ્રિપૅરટરી શાળામાં અભ્યાસ કરતાં કરતાં જ તેર વરસની ઉંમરે સિક્વિરોસે રાત્રિશાળામાં ચિત્રકલાનો અભ્યાસ શરૂ કરેલો. એ જ વખતે એની સરકાર સામેના વિરોધમાં હડતાળમાં ભાગ લેતાં ધરપકડ થયેલી. છૂટા થયા પછી ચૌદ વરસની ઉંમરે એ સાન્તા અનીતા ખાતેની શાળામાં વિદ્યાર્થી તરીકે જોડાયો. ત્યાં એણે યુકાતાનના શ્રીમંત ઉદ્યોગપતિ અને મૅક્સિકોના તત્કાલીન પ્રમુખ વિક્ટોરિયાનો હવેર્ટા સામે બંડ પોકારેલું. ત્યારબાદ સિક્વિરોસે પૅરિસ જઈને બે વરસ રહીને ચિત્રકલાનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો.
મૅક્સિકો પાછા ફરીને 1917માં ઓગણીસ વરસની ઉંમરે એણે ગ્વાડાલાહારા ખાતે કલાકાર-સંગઠન કૉન્ગ્રેસો દે આર્તિસ્તાસ સોલ્દોડોસ ઊભું કર્યું. યુવા વયે તેણે પીંછી ચલાવવા કરતાં મજૂર-સંગઠનોના નેતા તરીકે વધુ કામ કરેલું. સરકાર સામે અનેક પથ્થરમારાઓ એણે જ કરાવેલા.
1917 પછી મૅક્સિકોના શિક્ષણમંત્રીએ કલાકારોના સંગઠનના મુખપત્ર ‘એલ માશેટે’ પર પ્રતિબંધ મૂક્યો, જેનો તંત્રી સિક્વિરોસ હતા; પણ ચિત્રો દોરવામાં મન પરોવવાને બદલે સિક્વિરોસે જાલિસ્કોમાં જઈને ત્યાંનાં મજૂર-સંગઠનોના સર્વોપરી નેતા બનવાનું અને પછી તો સમગ્ર મૅક્સિકોનાં બધાં જ મજૂર-સંગઠનોના નેતા બનવાનું પસંદ કર્યું. મૅક્સિકોના પ્રમુખ ચિત્રકાર રિવેરાએ મૅક્સિકન સરકારના દરબારી ચિત્રકાર બનવાનું પસંદ કર્યું અને તેથી એ (રિવેરા) મોટા કૉન્ટ્રાક્ટ મેળવવા પામ્યા. 1928માં મૅક્સિકન સરકારે સોવિયેત સંઘમાં સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળ મોકલ્યું તેમાં સિક્વિરોસ પણ હતા. મૅક્સિકો પાછા ફરીને તેમણે સરકાર સામે ‘જેલ ભરો’ આંદોલન શરૂ કર્યું, તે કારણે 1930ના બારેય મહિના સિક્વિરોસ જેલમાં રહ્યા. જેલમાં રહ્યે રહ્યે તેમણે બે સામયિક પત્રો ‘એલ 130’ અને ‘એલ માર્તિલ્યો’ (હથોડો) કાઢ્યાં. ‘એલ માર્તિલ્યો’ ખરેખર હથોડા સમાન પુરવાર થયું. 1931માં મૅક્સિકન સરકારે સિક્વિરોસનો દેશનિકાલ કર્યો. એ જ વર્ષે અમેરિકન કવિ હાર્ટ ક્રેઇન અને રશિયન ફિલ્મ-દિગ્દર્શક આઇઝેન્સ્ટાઇને સિક્વિરોસનાં ચિત્રોનાં બે પ્રદર્શનો મૅક્સિકો નગરમાં યોજેલાં. આ ચિત્રોમાં ગરીબ માનવીની વ્યથાઓ, કામદારોનાં દારુણ જીવન, કેદમાં પતિની મુલાકાત લેતી દુ:ખી પત્નીઓ નજરે પડે છે.
દેશનિકાલ પામીને સિક્વિરોસ લૉસ એન્જેલસ ગયા. ત્યાં તેમણે હોલિવૂડના ફિલ્મ-દિગ્દર્શક ડડ્લી મર્ફીના ઘર માટે ભીંતચિત્રો ચીતર્યાં. લૉસ એન્જેલસના ‘પ્લાઝા આર્ટસ સેન્ટર’ માટે તેમણે ચિત્ર ‘ક્રૂસિફિકેશન’ ચીતર્યું. આ ચિત્રમાં અમેરિકી રાષ્ટ્રપંખી ધોળા માથાળા ગરુડના પંજામાં જકડાયેલા ક્રૉસ સાથે દક્ષિણ અમેરિકાની લૅટિન પ્રજાનાં નાગરિકોને બંધન-અવસ્થામાં ચીતર્યાં. આ રીતે સિક્વિરોસે ધોળી પ્રજા અને અમેરિકાની આપખુદ જોહુકમી અને પરપીડનવૃત્તિ ઉપર પ્રતીકાત્મક પ્રહાર કર્યો. રોષે ભરાયેલી અમેરિકન પ્રજાને પ્રતાપે સિક્વિરોસે અમેરિકા છોડી ભાગવું પડ્યું. ત્યાંથી તે આર્જેન્ટિનાના બુએનો ઍરિસ (buenos aires) ગયા. અહીં તેમણે ચિત્રકાર-સંગઠન ઊભું કર્યું અને સંગઠનના ચિત્રકારોને તેમણે ભીંતચિત્રો ચીતરવા માટે પ્રેર્યા. તેમણે પોતે પણ ત્યાં એક મોટું ભીંતચિત્ર ચીતર્યું.
1934માં અન્ય ચિત્રકારો પુજોલ, રુફિનો તામાયો અને લુઈ આરે નાલ સાથે સિક્વિરોસ ફરી અમેરિકા ગયા. ત્યાં ન્યૂયૉર્કમાં ગુગેનહાઇમ માટે તેમણે થોડાં ચિત્રો ચીતર્યાં. સ્પૅનિશ ગૃહયુદ્ધ દરમિયાન સિક્વિરોસે ચિત્રકામ છોડી દીધું અને તેમણે રિપબ્લિકન લશ્કરમાં જોડાઈને એક સૈનિક તરીકે સેવા આપી. યુદ્ધ પૂરું થતાં 1939માં એ મૅક્સિકો આવ્યા અને એમણે ડુકો-નાઇટ્રો સેલ્યુલોઝ (duco-nitro cellulose) રંગો વડે ચિત્રકામનો આરંભ કર્યો. આ ચિત્રોમાં સ્પૅનિશ સૈનિકો તથા મૅક્સિકોના સામાન્ય લોકોને તેમણે વિષય બનાવ્યા. ઉપરાંત રડતી-કકળતી અને ઘવાયેલી સ્ત્રીઓને ચીતરીને તેમણે આમજનતાની બેહાલીને વાચા આપી. 1939માં સિક્વિરોસે ત્રણ ઉત્તમ ચિત્રો ચીતર્યાં : ‘ધ માસ્ક’, ‘તારાહુમારે બેબી’ તથા ‘લા પાત્રોના’. ‘ધ માસ્ક’માં મૅક્સિકોનો એક મૂળ નિવાસી ઇન્ડિયન ખેડૂત ધાતુનું મહોરું પહેરીને ઊભો છે. મૅક્સિકોની મૂળ સંસ્કૃતિ અને મૂળ પ્રજા પર વિદેશી આક્રમણ અંગેનો પ્રત્યાઘાત આ ચિત્રમાં જોવા મળે છે. ‘તારાહુમારે બેબી’માં મૅક્સિકોના તારાહુમારે પ્રાંતના એક બાળકનો અત્યંત મૃદુ અને મીઠો ચહેરો કૅન્વાસ પર પથરાયેલો જોવા મળે છે. ‘લા પાત્રોના’માં સર્વ દુ:ખ સહન કરનારી માતાનું નિરૂપણ છે.
એ પછી મૅક્સિકો શહેરની ઇલેક્ટ્રિસિટી કંપની ‘ઇલેક્ટ્રિકલ સિન્ડિકેટ’ માટે 1940માં સિક્વિરોસે ડુકો-નાઇટ્રો સેલ્યુલોઝ રંગો વડે એક મોટું મ્યૂરલ ભીંતચિત્ર ચીતર્યું. તે ‘ઇલેક્ટ્રિકલ સિન્ડિકેટ’ નામે ઓળખાયું. આ ચિત્રમાં તેમણે આધુનિક ઉપભોક્તાવાદ, મૂડીવાદ અને શોષણ સામે ટીકા કરી છે. આ ચિત્રની પાત્રસૃષ્ટિ વડે તેમણે ગરીબોની વ્યથા સર્જી છે : યુવાન કર્મચારીઓ યુદ્ધને મોરચે લડવા સૈનિકો તરીકે જાય છે, તેને ઊંચા ટોપાવાળો શરાફ (બકર) આરામથી જોઈ રહે છે. પોતાના ભૂખ્યા બાળકને પેટમાં પધરાવવા માટે લાચાર મા પાસે કશું જ નથી. મજૂરો દિવસ-રાત થાક્યા વિના ફૅક્ટરીઓમાં કામ કર્યે જાય છે, છતાં પણ તેમની ગરીબી દૂર થતી નથી. એક નિગ્રોને ફાંસીને માંચડે લટકતો જોઈ શકાય છે. ડુકો-નાઇટ્રો સેલ્યુલોઝ રંગો વડે સિક્વિરોસે આ ચિત્રમાં વિકરાળ મશીનોનો ધાતુ-ચળકાટ અનોખો ચીતર્યો છે. આ મશીનો માનવીને ભરખી રહ્યાં હોય તેવું ભાસે છે. બ્રિટન, અમેરિકા અને જાપાનના રાષ્ટ્રધ્વજ ત્રણ માસ્ક પહેરેલા સૈનિકોના પોશાકો પર દેખાય છે. એ ત્રણ દેશો સમગ્ર દુનિયાને ભરડો લેશે એવું સૂચન સિક્વિરોસે કર્યું જણાય છે.
1940માં સિક્વિરોસે ન્યૂયૉર્ક નગરમાં પોતાનાં ચિત્રોનું વૈયક્તિક પ્રદર્શન કર્યું.
સિક્વિરોસનાં ચિત્રો સામાજિક-રાજકીય બાબતો પ્રત્યે બોલકાં છે. માનવમનના મૂળભૂત આવેગોને એ રૂક્ષ રૂપે જ નિરૂપે છે. એમનાં ચિત્રોનાં શીર્ષકો એમના રાજકીય દૃષ્ટિકોણને સ્પષ્ટ કરે છે. તેમાં ગરીબો, પીડિતો માટે અનુકંપા તથા ધનાઢ્યો અને સરમુખત્યારો પ્રત્યે તિરસ્કાર પ્રગટ થતો જોવા મળે છે. એમનાં કેટલાંક ભીંતચિત્રો ચાર હજાર ચોરસ ફૂટ કરતાં પણ વધુ ક્ષેત્રફળ ધરાવે છે. એમાંથી એમનાં શ્રેષ્ઠ ચિત્રો છે :
1. ‘ધેર ઇઝ નો અધર રોડ બટ અવર્સ’; 2. ‘પેટ્રિશિયન્સ ઍન્ડ પૅટ્રિસાઇડ્સ’ (patricians and petricides); 3. ‘થર્ડ વર્લ્ડ’; 4. ‘ફ્રૉમ પોર્ફિરો’ઝ ડિક્ટેટરશિપ ટુ ધ રિવોલ્યૂશન’ [મૅક્સિકો નગરના નૅશનલ હિસ્ટરી મ્યુઝિયમની ભીંત પર ચીતરેલા આ ભીંતચિત્રનું ક્ષેત્રફળ 418 ચોરસ મીટર (4,500 ચોરસ ફૂટ) છે]; 5. ‘માર્ચ ઑવ્ હ્યુમેનિટી’.
1966માં મૅક્સિકોની સરકારે સર્વોચ્ચ ખિતાબ વડે સિક્વિરોસનું સમ્માન કરેલું.
અમિતાભ મડિયા