સિંહ, સૂબા (જ. 1919, ઉધો નાંગલ, જિ. અમૃતસર, પંજાબ; અ. 1982) : પંજાબી હાસ્ય લેખક. આઝાદી પૂર્વે તેઓ આઝાદ હિંદ ફોજમાં સક્રિય રહ્યા, પાછળથી તેઓ લેખનપ્રવૃત્તિમાં જોડાયા. પ્રારંભમાં પત્રકાર તરીકે સાહિત્યિક કારકિર્દી શરૂ કરી. ‘પંજાબી પત્રિકા’ અને ‘પરકાશ’ નામનાં પંજાબી અને ‘રફાકત’ નામક ઉર્દૂ સામયિકના સંપાદક રહ્યા. તેના પરિણામ રૂપે તેમણે ‘પંજાબી પત્રકારી દા ઇતિહાસ’ (1974) અને એ જ વર્ષમાં ‘તોપાં દે પરચાવિયાં ઠેલિયાં’ (ફ્રૉમ અન્ડરનીથ ધ શૅડો ઑવ્ ગન્સ’) નામના બે ગ્રંથો આપ્યા.
સરકારી સેવામાં હતા તે દરમિયાન તેમણે ‘પંચાયતી રાજ’નું સંપાદન સંભાળેલું. ત્યારબાદ તેમણે ‘ધરતી તે મનુખ’ (અર્થ ઍન્ડ મૅન’, 1960); ‘અલોપ હો પ્રાહે ચેતક’ (વૅનિશિંગ એમ્યુઝમેન્ટ્સ’, 1967); ‘ગલતિયાં’ (‘બ્લન્ડર્સ’, 1971) અને ‘હસે તે હાદસે’ (‘જૉયઝ ઍન્ડ એક્સિડેન્ટ્સ’, 1976) નામના ઉલ્લેખનીય હાસ્યરસિક નિબંધસંગ્રહો આપ્યા છે. તેમાં તેમણે માનવીય વર્તનના અસાધારણ અને વિચિત્ર પાસાંનું સુંદર ચિત્રાંકન કર્યું છે. ‘હિર સૂબા સિંહ’(‘હિર ઑવ્ સૂબા સિંહ’, 1976)માં તેમણે, વારિસ શાહે ‘હિર’ પાત્રને ઉચ્ચ પ્રકારે અમર બનાવેલ તેના પરથી નિમ્ન પ્રકારે તેનું વૃત્તાંત રજૂ કરાયું છે. ‘સરમાદિયાં રુબાઈયાં’(રુબાયત ઑવ્ સરમદ, 1975)માં તેમણે વિનોદી તત્વ સાથે ‘બેત’નો પ્રયોગ કર્યો છે. વિનોદવૃત્તિની તેમની સમજણ સંસ્કારપૂત અને વિનયશીલ હોવાથી તેઓ બાવા બુધ સિંહ અને ચરણ સિંહ શહીદ જેવા આગળના હાસ્યલેખકોથી જુદા તરી આવે છે.
બળદેવભાઈ કનીજિયા