સિંહ, શિવ પ્રસાદ (જ. 19 ઑગસ્ટ 1928, જલાલપુર, જિ. વારાણસી, ઉત્તરપ્રદેશ; અ. 28 સપ્ટેમ્બર 1998) : હિંદી વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર અને વિવેચક. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ., એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી હતી. પછી તેઓ તે યુનિવર્સિટીમાં હિંદીના પ્રાધ્યાપક અને પછી વિભાગના વડા બન્યા અને એ પદેથી 1988માં સેવાનિવૃત્ત થયા. તેઓ હિંદી સાહિત્યિક સામયિકો ‘સરોકાર’ તથા ‘સમિધ વીક્ષા’ના સંપાદક રહ્યા.
શિવ પ્રસાદ સિંહ
તેમણે અત્યાર સુધીમાં હિંદીમાં 39 ગ્રંથો આપ્યા છે. તેમાં 6 વાર્તાસંગ્રહો, 5 નવલકથાઓ, 5 નિબંધસંગ્રહો અને 4 વિવેચનગ્રંથોનો સમાવેશ થાય છે.
‘નીલા ચાંદ’ નામની ખૂબ જાણીતી નવલકથા બદલ તેમને 1990ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેઓ તેમની પ્રથમ વાર્તા ‘દાદીમા’(1951)થી પ્રકાશમાં આવ્યા. ‘આરપાર કી માલા’ (1955); ‘શાખામૃગ’ (1958); ‘ઇન્હેં ભી ઇન્તજાર હૈ’ (1961); ‘અંધેરા હઁસતા હૈ’ (1975); ‘મેરી પ્રિય કહાનિયાં’ (1978); ‘એક યાત્રા સતહ કે નીચે’ (1979) અને ‘અમૃતા’ લોકપ્રિય વાર્તાસંગ્રહો છે. ‘અલગ અલગ વૈતરણી’, ‘ગલી આગે મુર્દા હૈ’ (1974), ‘નીલા ચાંદ’ (1988), ‘દિલ્લી દૂર હૈ’ (1993) અને ‘વૈશ્વાનર’ (1996) તેમની ઉલ્લેખનીય નવલકથાઓ છે. ‘શિખરોં કે સેતુ’ (1962), ‘કસ્તૂરી મૃગ’ (1972), ‘માનસી ગંગા’ અને ‘શાંતિનિકેતન સે શિવાલિક’ તેમના લલિત નિબંધસંગ્રહો છે. ‘ઘંટિયાં ગુંજતી હૈ’ (1963) અને ‘અંતરિક્ષ કે મહેમાન’ (1963) આ બંને નાટકો છે; જ્યારે ‘કીર્તિ લતા ઔર અવહટ્ટ ભાષા’ (1955), ‘વિદ્યાપતિ’ (1957), ‘આધુનિક પરિવેશ ઔર નવલેખન’ (1970) અને ‘આધુનિક પરિવેશ ઔર અસ્તિત્વવાદ’ (1973) તેમના વિવેચનગ્રંથો છે.
કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1990) ઉપરાંત કે. કે. બિરલા ફાઉન્ડેશનનું ‘વ્યાસ સન્માન’ (1992); ‘લોહિયા વિશિષ્ટ સન્માન’ તેમજ ‘હરિજી દાલમિયાં પુરસ્કાર’; મધ્ય પ્રદેશ સાહિત્ય પરિષદ અને ઉત્તર પ્રદેશ સરકારનો પુરસ્કાર તેમને આપવામાં આવ્યાં હતાં. તેમની ઘણી વાર્તાઓ ભારતીય તેમજ વિશ્વની કેટલીક ભાષાઓમાં અનૂદિત કરાઈ છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘નીલા ચાંદ’માં 1060 આસપાસના મધ્યયુગીન કાશીનું ચિત્રાંકન તથા બે શક્તિશાળી રાજ્યો વચ્ચેની લડતની કથા છે. વળી તેમાં તે કાળની સામાજિક-સાંસ્કૃતિક-ધાર્મિક અને ઐતિહાસિક ક્રાંતિનું સુંદર નિરૂપણ છે.
બળદેવભાઈ કનીજિયા