સિંહ, શિવમંગલસુમન’ (. 5 ઑગસ્ટ 1915, ઝગરપુર, જિ. ઉન્નાવ, . પ્ર.; . ?) : હિંદી કવિ. તેમણે 1940માં એમ.એ. અને 1950માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑવ્ લેટર્સની પદવી મેળવી હતી. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘મિટ્ટી કી બારાત’ (1972) માટે 1974ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમનું તખલ્લુસ ‘સુમન’ હતું.

1956-61 દરમિયાન તેમણે ઉત્તરપ્રદેશ હિંદી સંસ્થાન, લખનૌના ઉપપ્રમુખ તથા ભારતીય એલચી કચેરીમાં પ્રેસ ઍન્ડ કલ્ચરલ અટૅરો તરીકે કામગીરી બજાવી. તેઓ 1968-78 સુધી વિક્રમ યુનિવર્સિટી, ઉજ્જૈનના ઉપકુલપતિ રહેલા. તેમણે વ્યાપક પ્રવાસ ખેડ્યો. તેઓ સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલના સભ્ય તેમજ હિંદી સલાહકાર બોર્ડના સભ્ય તેમજ કાલિદાસ અકાદમી, ઉજ્જૈનના કાર્યકારી પ્રમુખ રહેલા.

તેમણે અત્યાર સુધીમાં કુલ 15 ગ્રંથો પૈકી 8 કાવ્યસંગ્રહો જેવા કે ‘હિલ્લોલ’ (1939), ‘જીવન કે ગાન’ (1942), ‘યુગ કા મોલ’ (1945), ‘પ્રલય સર્જન’ (1950), ‘વિંધ્ય હિમાલય’ (1960), ‘મિટ્ટી કી બારાત’ (1972), ‘વાણી કી વ્યથા’ (1980) છે. એક નાટક : ‘પ્રકૃતિપુરુષ કાલિદાસ’ (1961) અને બે ગદ્યકૃતિઓ આપ્યાં છે. તેમની પુરસ્કૃત કૃતિ ‘મિટ્ટી કી બારાત’ 1961થી 1970ના દસકા દરમિયાન રચાયેલ 72 કાવ્યોનો સંગ્રહ છે. તેમાં રહેલા વિષયવૈવિધ્યને કારણે કવિ તેને ‘ભાનુમતિ કા પિટારા’ તરીકે ઓળખાવે છે. આ કાવ્યસંગ્રહને તેમણે 6 ભાગમાં વિભાજિત કર્યો છે. પ્રથમ ભાગમાં દેશભક્તિનું નિરૂપણ છે. તેમાં સંગમ ખાતે કમલા નહેરુ અને પંડિત જવાહરલાલ નહેરુની ભસ્મોના પ્રતીકરૂપ મિલનનું સુંદર ચિત્રાંકન કરાયું છે. બીજો ભાગ પ્રેમ અને વિલાસિતા, ત્રીજો ભાગ ભારત અને વિશ્વની વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓ, ચોથા ભાગમાં ચાર કાવ્યોનો સંગ્રહ છે, પાંચમો ભાગ ભારત પરના ચીનના આક્રમણ માટે ઉલ્લેખનીય છે તથા છઠ્ઠા ભાગમાં પ્રકીર્ણ કાવ્યો છે. આ પુરસ્કૃત કૃતિ તેમાંના પ્રગતિકારક દૃષ્ટિબિંદુ અને તેની સરળ શૈલીને કારણે હિન્દી કાવ્યસાહિત્યમાં ઉલ્લેખનીય છે.

તેમને આ કૃતિ માટે 1958માં દેવા પુરસ્કાર; 1974માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા ‘પદ્મશ્રી’ ઇલ્કાબ; સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ; 1993માં શિખર સન્માન; ભારત ભારતી ઍવૉર્ડ સહિત બીજા ઘણા ઍવૉર્ડ પણ પ્રાપ્ત થયા હતા.

બળદેવભાઈ કનીજિયા