સિંહ, લાલજી (ડૉ.) (જ. 5 જુલાઈ 1947, જૌનપુર, ભારત; અ. 10 ડિસેમ્બર 2017, વારાણસી, ઉત્તરપ્રદેશ, ભારત) : સેન્ટર ફોર સેલ્યુલર ઍન્ડ મોલેક્યુલર બાયૉલૉજી, હૈદરાબાદના નિર્દેશક.

લાલજી સિંહ
તેઓએ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય, વારાણસીથી એમ.એસસી. તથા પીએચ.ડી.ની પદવીઓ મેળવી હતી. તેઓ લિંગ-નિર્ધારણ કે અણુ-જૈવિક આધાર, ડી.એન.એ. અંગુલિછાપ (finger-print), માનવપ્રકૃતિ વિશ્લેષણ, વન્યજીવ ન્યાયિક વિજ્ઞાન અને વન્યજીવ સંરક્ષણમાં વિશેષજ્ઞતા માટે જાણીતા હતા. તેઓએ પોતાની કારકિર્દીની શરૂઆત બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના પ્રાણીવિજ્ઞાન વિભાગમાં જુનિયર રિસર્ચ ફેલોના તરીકે કરી હતી. તેઓ 13 વર્ષ સુધી એડિનબર્ગ વિશ્વવિદ્યાલય, યુ.કે.માં રહ્યા. તેઓ ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટીના વિઝિટિંગ ફેલો પણ રહ્યા હતા. તેઓને 14 વર્ષથી વધુ સમયનો અધ્યાપનનો ગહન અનુભવ હતો. તેમણે 100થી વધુ સંશોધનપત્રો પ્રકાશિત કર્યાં જેમાં મુખ્યત્વે સુપ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય પત્ર-પત્રિકાઓમાં પ્રકાશિત થયાં છે.
લિંગ-નિર્ધારણના અણુ-જૈવિક આધારમાં તેમના યોગદાનને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે અને એને એક મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. તેઓએ ડી.એન.એ. ફિંગરપ્રિન્ટ માટે બી. કે. એમ. ડિરાઇવ્ડ પ્રોબનો પણ વિકાસ કર્યો જેનો વિધિવિધાન અન્વેષણો માટે વ્યાપકરૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. તેમણે હૈદરાબાદમાં બાયૉટૅકનૉલૉજી વિભાગ હેઠળ સેન્ટર ફોર ડી.એન.એ. ફિંગરપ્રિન્ટિંગ ઍન્ડ ડાયગ્નૉસ્ટિક્સ (સી.ડી.એફ.ડી.) નામે એક નવી સંસ્થાની સ્થાપના પણ કરી હતી.
અનુસંધાન તેમજ વિકાસમાં તેમના યોગદાન માટે જીવવિજ્ઞાનમાં ઉત્કૃષ્ટ સેવાઓ માટે તેઓને INSA(Indian National Acadamy of Science)નો યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર આપવામાં આવ્યો. તે ઉપરાંત તેમને રેનબેક્સી પુરસ્કાર, જીવવિજ્ઞાનમાં ગોયલ પુરસ્કાર, ન્યૂ મિલેનિયમ પ્લાક્સ ઑવ્ ઑનર પુરસ્કાર(2001-2002)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2004માં તેઓને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો.
હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું.
પૂરવી ઝવેરી