સિંહ રાશિ/સિંહ તારામંડળ
January, 2008
સિંહ રાશિ/સિંહ તારામંડળ (Leo) : – બાર રાશિઓ પૈકીની પાંચમી રાશિ.
સિંહ રાશિના તારા ઘણી સહેલાઈથી દેખી શકાય તેવા હોઈ આકાશમાં આ તારામંડળ બહુ સહેલાઈથી ઓળખી શકાય છે. આકાશમાં યથાનામ આકૃતિ ધરાવતાં જે થોડાંઘણાં તારામંડળો (અથવા રાશિઓ) છે તેમાં સિંહનું નામ પણ આવે. તેનામાં સિંહ જેવો આકાર સહેલાઈથી ઊપસી આવતો હોવાને કારણે મોટાભાગની પ્રાચીન પ્રજાઓ તેને ‘સિંહ’ સંજ્ઞાથી ઓળખાવતી રહી છે.
બૅબિલોનવાસીઓએ પણ આ તારામંડળમાં સિંહને કલ્પીને તેને ‘અરૂ’ નામ આપ્યું હતું. પ્રાચીન મિસરના ‘સ્ફિંક્સ’ હકીકતે આકાશમાંના સિંહના શરીર અને નજદીકની કન્યા રાશિના શીર્ષનું સૂચન કરે છે. કેટલાક ઇતિહાસકારોના મતે ઇજિપ્તનું પ્રખ્યાત ‘સ્ફિંક્સ’ આકાશના આ સિંહ તારામંડળ ઉપરથી બનાવવામાં આવ્યું છે. પ્રાચીન ફારસ(પારસદેશ કે ઈરાન)માં આ રાશિને સૂર્ય સહિત રાજચિહન રૂપે અપનાવવામાં આવી હતી.
ગ્રીક આખ્યાન અનુસાર, એક ખૂંખાર સિંહ નીમિયાનાં જંગલોમાં રહેતો હતો. હકર્યુલિસે તેને મારી નાંખ્યો. પાછળથી જ્યુપિટરે તેને આકાશમાં સ્થાન આપીને અમર કર્યો.
આકૃતિ 1 : અમદાવાદમાંથી 16 ફેબ્રુઆરીએ રાતના 9 વાગ્યાનું પૂર્વ તરફનું આકાશ. આ જ તારાનકશાનો ઉપયોગ કરીને આ જ માસની પહેલી તારીખે 10 વાગ્યાનું અને આખર તારીખે 8 વાગ્યાનું પૂર્વ દિશા તરફનું આકાશદર્શન કરી શકાશે. ફેર હોય તો માત્ર એ કે આ નકશામાં ચંદ્ર અને ગ્રહોને દર્શાવ્યા ન હોવાથી એમની હાજરી તે તે દિવસને અનુરૂપ હોય. આ તારાનકશો અમદાવાદ માટે બનાવ્યો છે, પણ નજીવા ફેરફાર સાથે આનો ઉપયોગ સારા એવા મોટા વિસ્તાર માટે કરી શકાય. પૂર્વાભિમુખ થઈને ઊભો રહેલો ‘નિરીક્ષક’ તેનો જમણો હાથ ઊંચો કરીને ક્ષિતિજથી ઊંચે આવી રહેલા સિંહ તારામંડળને દર્શાવે છે.
પ્રાચીન ભારતમાં સિંહની આકૃતિને જુદા જુદા રૂપે મહત્વ આપવામાં આવ્યું છે (જેમ કે, સિંહનું માથું ધરાવતો અશોક-સ્તંભ), પરંતુ આકાશમાં આવેલી સિંહ રાશિ સંબંધિત કોઈ ઉલ્લેખ મળતો નથી કે આ તારામંડળ સાથે કોઈ ભારતીય પૌરાણિક કથા પણ સંકળાયેલી મળતી નથી. ગ્રીકમાં સિંહ રાશિ માટે પ્રયોજાતા ‘લિયૉન’ શબ્દનું અનુકરણ કરીને ઈ.સ. છઠ્ઠી સદીમાં થઈ ગયેલા વરાહમિહિરે સંસ્કૃતમાં ‘લેય’ શબ્દ બનાવ્યો હતો, પણ તે પ્રચલિત ન થતાં સિંહ શબ્દ જ રૂઢ થયો.
સિંહ રાશિમાં મઘા, પૂર્વાફાલ્ગુની અને ઉત્તરાફાલ્ગુની – એમ ત્રણ નક્ષત્રો આવેલાં છે. પહેલાં બે નક્ષત્રો પૂરેપૂરાં, જ્યારે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર એક-ચતુર્થાંશ જેટલું જ આવેલું છે. તેનો બાકીનો ત્રણ-ચતુર્થાંશ ભાગ તે પછી આવતી કન્યા રાશિમાં આવેલો છે. આ ત્રણેય નક્ષત્રો – મઘા, પૂર્વાફાલ્ગુની અને ઉત્તરાફાલ્ગુની – નો ક્રમાંક કુલ 27 નક્ષત્રોમાં અનુક્રમે 10, 11 અને 12મો છે. ઉ.ફા.નીને સિંહની પુચ્છ, પૂ.ફા.ને સિંહની કમર અને મઘાને સિંહનું ખુલ્લું મોં કલ્પીએ તો સિંહ રાશિનો (સિંહ) આકાર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. મઘા તારાને સિંહના આગળના પગનો પંજો માનીએ તો આબેહૂબ સિંહ ઊપસી આવશે.
મઘા નક્ષત્રનો આકાર દાતરડા જેવો છે. કેટલાંક તેમાં ઊંધા પ્રશ્ર્નાર્થચિહનની કલ્પના પણ કરે છે. આ એક જાણીતો તારાપુંજ (asterism) છે. તેનાથી સિંહ તારામંડળને બહુ આસાનીથી ઓળખી શકાય છે. ચળકતો મઘા તારો એ દાતરડાના હાથાને છેડે અથવા દાતરડાની મૂઠના છેડે આવેલો છે. મઘા તારો પોતાના જ નામના નક્ષત્રનો પ્રથમ વર્ગ(તેજાંક)નો તારો છે. સમગ્ર આકાશમાં સહુથી ચમકતા જે એકવીસ તારા છે, તેમાં મઘાનું સ્થાન 21મું છે. સિંહ રાશિના આ મુખ્ય (યોગ) તારાનું પાશ્ર્ચાત્ય નામ ‘રેગ્યુલસ’ (Regulus) છે. તેનું શાસ્ત્રીય નામ ‘આલ્ફા લિયૉનિસ’ (α Leonis) છે.
બૅબિલોનમાં મઘાને ‘સ્વર્ગનો રાજા’ કહેવામાં આવતો હતો. આના પરથી ટૉલેમી(આશરે ઈ.સ. 150)એ આ નક્ષત્રને ‘બેસિલિસ્કસ’ (રાજા) નામ આપ્યું. યુરોપમાં આને માટે ‘રેગિયા’, ‘રૅક્સ’ વગેરે નામો પણ છે. પાછળથી કૉપરનિકસે (ઈ.સ. 1473-1543) ‘રૅક્સ’ પરથી ‘રેગ્યુલસ’ (નાનો રાજા) શબ્દ પ્રયોજ્યો, જે આજે અપનાવી લેવાયો છે. આ તારો સિંહના હૃદય-સ્થાન પર આવેલો છે.
મઘા તારો સૂર્યના આકાશી માર્ગ ક્રાંતિવૃત્ત ઉપર આવેલો છે. તે પૃથ્વીથી અંદાજે 91 પ્રકાશ-વર્ષ દૂર છે. મઘા સારો એવો મોટો તારો છે. તેનો વ્યાસ સૂર્યના વ્યાસથી આશરે ત્રણ ગણો અધિક છે. સૂર્યની સપાટીનું તાપમાન આશરે 6000 – ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે મઘાની સપાટીનું તાપમાન 14,000 – ડિગ્રી સેલ્સિયસ છે.
સિંહના આગળના ભાગમાં મઘા (α) ઉપરાંત બીજા પાંચ તારા (ε, μ, ζ, γ, η) મળીને દાતરડાનો આકાર બનાવે છે. આ દાતરડાની આકૃતિ સિંહનાં છાતી, ડોક અને મોંને દર્શાવે છે. સિંહની ડોક પર આવેલો ‘ગામા (γ) લિયૉનિસ’ એક યુગ્મતારો છે અને પૃથ્વીથી આશરે 170 પ્રકાશ-વર્ષ દૂર આવેલો છે.
સિંહ રાશિમાં આવેલા ‘ડેલ્ટા (δ) લિયૉનિસ’ તારાનું ભારતીય નામ પૂર્વાફાલ્ગુની છે. પાશ્ર્ચાત્યો તેને Zosma કહે છે. આ પૂર્વાફાલ્ગુની નક્ષત્ર સિંહની પીઠ ઉપર તેના પાછલા ભાગમાં આવેલું છે. પૂર્વ ક્ષિતિજ પર પહેલાં ઉદિત થતું હોવાથી આ નક્ષત્રને પૂર્વાફાલ્ગુની નામ આપવામાં આવ્યું છે. પૂર્વાફાલ્ગુની નક્ષત્રના ઉદય પછી ઉદય પામતા નક્ષત્રને ઉત્તરાફાલ્ગુની નામ આપવામાં આવ્યું છે.
આકૃતિ 2 : સપ્તર્ષિના દર્શક તારાઓની મદદથી સિંહ તારામંડળ અને તેનાં ત્રણ નક્ષત્રો સહેલાઈથી ઓળખી શકાય છે. તેવી રીતે, સિંહ તારામંડળની મદદથી સપ્તર્ષિને પણ ઓળખી શકાય. વળી આ બંનેની વચ્ચે આવેલું લઘુ સિંહ (સિંહિકા) તારામંડળ પણ ઓળખી શકાય. સિંહ રાશિ(સિંહ તારામંડળ)માં આવેલા મઘા તારાનો પરિચય થયા પછી, તેની મદદથી સ્વાતિ અને ચિત્રા તારા સહેલાઈથી ઓળખી શકાય, જે અનુક્રમે ભૂતેશ અને કન્યા તારામંડળમાં આવેલા છે. આમ સિંહ રાશિની ઓળખાણ થઈ ગયા પછી આસપાસના ચારેક તારામંડળ બહુ સહેલાઈથી ઓળખી શકાય. આ કારણે સિંહ અને સપ્તર્ષિ જેવાં તારામંડળોને માર્ગદર્શક તારામંડળ (Signposts Consteallation) કહેવાય છે. આ તારાનકશાને જમીન પર ન રાખતાં તમારા માથા પર રાખીને, જાણે આકાશ જોતાં હો તેવી રીતે જોવાનો છે. આવી રીતે જોવાથી જ નકશામાંની દિશાઓ સાથે વાસ્તવિક દિશાઓ મળે છે.
ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનું પાશ્ર્ચાત્ય નામ ‘દેનેબોલા’ (ડેનેબોલા, Denebola) કે ‘દેનબ’ છે. તેનું શાસ્ત્રીય નામ ‘બીટા લિયૉનિસ’ છે. આ તારો સિંહની પૂંછડીમાં આવેલો છે. તેથી આરબો તેને ‘અલ્-ધનબ અલ્-અસદ’ (સિંહની પૂંછડી) કહેતા હતા. આ અરબી નામ પરથી ‘દેનેબોલા’ નામ આવ્યું છે. ઉત્તરાફાલ્ગુનીમાં વરસાદ વરસે તો ભડલી વાક્ય અનુસાર કૂતરાં પણ ધાન્ય ન ખાય એટલું બધું અનાજ પેદા થાય છે.
વૈદિક સાહિત્યમાં રાશિઓનાં નામ નથી, પણ તેમાં મળતાં નક્ષત્રોના નામમાં મઘાનો ઉલ્લેખ છે. મઘા નામ એટલે પડ્યું કે વૈદિક કાળમાં સૂર્ય જ્યારે આ નક્ષત્રમાં પ્રવેશતો હતો, ત્યારે ડાંગર અને અન્ય છોડવાઓનો પાક (મોલ) લણણી માટે તૈયાર થઈ જતો હતો, એટલે કે પાક ધન (પૈસો) બની જતો હતો. હકીકતે ધનના અર્થમાં ‘મઘ’ શબ્દ વૈદિક ભાષામાં પહેલેથી જોવા મળે છે. મઘા માટે ઋગ્વેદમાં ‘અઘા’, અને ફાલ્ગુની માટે ‘અર્જુની’ નામ પણ ક્યારેક પ્રયોજાયાં છે. યજુર્વેદમાં પણ મઘા અને ફાલ્ગુની શબ્દો માટે અનુક્રમે આવા શબ્દો આપવામાં આવ્યાં છે.
પ્રાચીન ભારતમાં મઘાને ધન અને શક્તિ પ્રદાન કરનાર નક્ષત્ર માનવામાં આવ્યું છે. મઘા નક્ષત્રમાં સૂર્ય પ્રવેશે છે ત્યારે ઑગસ્ટ મહિનો અડધો પૂરો થયો હોય છે. આ સમય આપણે ત્યાં ચોમાસાનો છે. આમ સૂર્ય મઘા નક્ષત્રમાં હોય ત્યારે સામાન્ય રીતે વરસાદ પડતો હોય છે અને આ પાણી બધી રીતે અનુકૂળ નીવડે છે. આ ઉપરથી ‘મઘાનાં પાણી મોંઘાં’ જેવી કહેવત આપણે ત્યાં પ્રચલિત બની છે. મઘામાં 14 દિવસ રહ્યા બાદ સૂર્ય પૂર્વાફાલ્ગુનીમાં પ્રવેશે છે અને ત્યાં બીજા 14 દિવસ રહ્યા બાદ ઉત્તરાફાલ્ગુનીમાં પ્રવેશે છે. તે સમયે દક્ષિણયાત્રી સૂર્ય પૂર્વ દિશાના બિંદુએ પહોંચી તેને પાર કરતો હોય છે. આ જ દિવસોમાં ગુજરાતમાં છેલ્લો વરસાદ પડ્યા પછી લગભગ એક માસ સુધી (ચિત્રા નક્ષત્ર પૂરું થતાં સુધી) ધરતી તપતી રહે છે, એટલે આ દરમિયાન પડતી સખત ગરમી અને અસહ્ય બફારા(ઘામ)ને સામાન્ય ભાષામાં ‘ઓતરા-ચીતરાનો તાપ’ એટલે કે ‘ઉત્તરાથી માંડી ચિત્રા સુધીનો તાપ’ કહેવાય છે.
મઘા પરથી ‘માઘ’ અને ફાલ્ગુની પરથી ‘ફાલ્ગુન’ કે ‘ફાગણ’ મહિનાનાં નામ પાડવામાં આવ્યાં છે. આ બધાંને કારણે આકાશમાં સિંહ તારામંડળની ઓળખાણનું વિશેષ મહત્વ છે.
ભારતના મધ્યાકાશમાં સિંહ તારામંડળને એપ્રિલ મહિનામાં રાતના 10 વાગ્યાની આસપાસ કે પછી મે માસમાં 9 વાગ્યાની આસપાસ જોઈ શકાય છે. આ રીતે માથા પર આવતા સિંહને જોતાં તેની ઉત્તર દિશામાં થોડા અંતરે જાણીતું સપ્તર્ષિ મંડળ જોવા મળે છે. તેની મદદથી સિંહ રાશિને શોધી શકાય છે. સપ્તર્ષિના છેક આગળના બે ભેગા તારા – ક્રતુ અને પુલહ – ને ‘દર્શક તારા’ કહેવામાં આવે છે. તેમને જોડતી સીધી રેખાને ઉત્તર તરફ લંબાવતાં તે ધ્રુવતારાને મળે છે, અને દક્ષિણ તરફ લંબાવતાં સિંહ તારામંડળની મધ્યે જઈને મળે છે. તેવી રીતે, સિંહ તારામંડળથી પૂર્વ તરફ આવેલા સ્વાતિ અને ચિત્રા તારા પણ શોધી શકાય છે, જે અનુક્રમે ભૂતેશ અને કન્યા તારામંડળના મુખ્ય તારા છે. ફેબ્રુઆરી મહિનાની 16મીએ રાતના નવ વાગ્યાના સુમારે પૂર્વ દિશા તરફ મોં કરીને ઊભા રહેવાથી ઊગતું સિંહ તારામંડળ દેખાય છે. તેની જમણી તરફ વાસુકિ તારામંડળ દેખાય છે.
સિંહ તારામંડળમાં ઘણાં તારાવિશ્ર્વો આવેલાં છે, પરંતુ એ બધાં જોવા માટે મોટાં દૂરબીન જરૂરી છે. આ તારાવિશ્ર્વો આકાશગંગાથી ઘણાં દૂર આવેલાં છે. આમાંનાં બે ઉલ્લેખનીય તે M 65 અને M 66 છે. આ સર્પિલ તારાવિશ્ર્વો થીટા (θ) લિયૉનિસ પાસે આવેલાં છે અને દૂરબીનમાંથી પણ જોઈ શકાય છે. આ મંડળના બધા જ તારા આકાશગંગા-તારાવિશ્વના સભ્યો છે પણ તે બધાં અહીંથી જુદા જુદા અંતરે આવેલાં છે.
સિંહ રાશિ તેમાં જોવા મળતી ઉલ્કા-વૃષ્ટિ માટે જાણીતી છે. તેને ‘સિંહ ઉલ્કા-વર્ષા’ (Leonids) કહે છે. સિંહની ડોક પાસે આવેલા, અથવા કહો કે, દાતરડા-તારાપુંજમાંના ‘જીટા (કે ઝીટા ζ) લિયૉનિસ’ નામના તારા પાસેના એક બિંદુએથી દર વર્ષે નવેમ્બરની મધ્યે તે જોવા મળે છે અને 17 નવેમ્બરના રોજ આ ઉલ્કા-વર્ષા તેની ચરમ સીમાએ પહોંચે છે. આ ઉપરાંત, દર 33 યા 34 વર્ષે આ ઉલ્કા-વૃષ્ટિ મહત્તમ થતી જોવા મળે છે.
સિંહ તારામંડળ અને સપ્તર્ષિની વચ્ચે, દાતરડા-તારાપુંજની ઉત્તરે એક નાનું તારામંડળ દેખાય છે તેને સિંહનું બચ્ચું અર્થાત્, સિંહિકા કે લઘુસિંહ (Leo Minor) કહે છે. આ નાનકડા અને ઝાંખા તારામંડળને હેવેલિયૂસ (Johannes Hevelius : 1611-1687) નામના જર્મન ખગોળજ્ઞે ઈ. સ. 1660માં તેના તારપત્રકમાં પહેલપ્રથમ દાખલ કરેલું. જોકે ખગોળશોખીનો માટે સિંહિકા તારામંડળમાં કશું વિશિષ્ટ નથી.
સુશ્રુત પટેલ