સિંહાસનબત્રીસી : ગુજરાતમાં પ્રચલિત કથાઓમાં રાજા વિક્રમના સિંહાસન સાથે સંકળાયેલી કથાશ્રેણી. મધ્યકાલીન ગુજરાતીના વિપુલ કથાસાહિત્યમાં રાસા, પદ્યકથાઓ, ચરિત અને બાલાવબોધોમાં તો કથાઓ છે જ, ઉપરાંત કથાપ્રધાન એવી કૃતિઓ પણ છે. તેમાં સિંહાસનબત્રીસીની કથાઓ જાણીતી છે. રાજા ભોજને એક વિશિષ્ટ સિંહાસન મળે છે અને એ એના પર આરૂઢ થવા જાય છે, ત્યારે એ સિંહાસનમાંની બત્રીસ પૂતળીઓ રાજા વિક્રમના વ્યક્તિત્વના વિશેષને રજૂ કરતી એક પછી એક કુલ બત્રીસ કથાઓ કહે છે અને એવા ગુણવિશેષો ધરાવનાર વ્યક્તિ જ આ સિંહાસન પર બેસી શકે એમ જણાવે છે. મધ્યકાલીન ગુજરાતીમાં એકાધિક કથાકારોએ સિંહાસનબત્રીસીની કથા પર આધારિત કથામાળાની રચના કરી છે.
સિંહાસનબત્રીસી એ બત્રીસ કથાઓનો ભંડાર અથવા કથાચક્ર છે. મધ્યકાળના કથાસાહિત્યમાં સિંહાસનબત્રીસીની કથાપરંપરા ઘણી ખેડાયેલી છે. એ પરંપરાનું મૂળ સંસ્કૃત ‘સિંહાસનદ્વાત્રિંશિકા’ અને ‘વિક્રમાર્કચરિત’માં છે. મધ્યકાળના ગુજરાતી સાહિત્યમાં મલયચંદ્ર(ઈ. સ. 1463)થી માંડીને 18મી સદીના શામળ સુધીના કથાકારોએ બત્રીસીની આ કથાઓ પર પોતાની કલમ અજમાવી છે.
મધ્યકાળના કવિ મલયચંદ્રે ‘સિંહાસનબત્રીસી’ (ઈ. સ. 1463) નામક પદ્યકથા રચી છે, જે ગુજરાતીમાં આ વિષયમાં રચાયેલી પ્રથમ કૃતિ છે. આ કૃતિ ક્ષેમંકરની ‘સિંહાસનદ્વાત્રિંશિકા’ની સંસ્કૃત વાચનાને આધારે ચોપાઈની 374 કડીઓમાં રચાઈ છે. શરૂઆતમાં બ્રાહ્મણની કથા આપીને આ કવિ સિંહાસનની ઉત્પત્તિ અને પ્રાપ્તિ કઈ રીતે થઈ એ જણાવી, એની પ્રતિષ્ઠાવિધિ વગેરેની રજૂઆત કરી, રાજા વિક્રમને રાજ્ય મળ્યાનો પ્રસંગ આલેખીને બત્રીસ પૂતળીઓની કથાઓ આપે છે; પરંતુ અહીં 32 પૂતળીઓની કથાઓનું કથન સવિશેષ મહત્વનું બન્યું છે. એમાં કવિની પ્રતિભાના અંશોનું પ્રગટીકરણ ખાસ થયું નથી.
કવિ જ્ઞાનચંદ્રસૂરિની ‘સિંહાસનબત્રીસી’ (ઈ. સ. 1545) પણ ઉલ્લેખનીય કૃતિ છે. ત્રણ વિભાગમાં વહેંચાયેલી, 1034 કડીઓ ધરાવતી આ રચના કવિની શૈલીને કારણે ધ્યાન ખેંચે એવી છે. આકર્ષક વર્ણનો, કહેવતો, સુભાષિતો વગેરેની રજૂઆત કરતી, સાહિત્યિક ગુણવત્તા ધરાવતી જૈન કવિની આ મહત્વની કૃતિ છે.
આ ઉપરાંત, 16મા સૈકાના ઉત્તરાર્ધના કવિ સિદ્ધિસૂરિની આ વિષયની ‘સિંહાસનબત્રીસી’ પણ ઉલ્લેખપાત્ર છે. 16મા શતકના ઉત્તરાર્ધ અને 17મા શતકના પૂર્વાર્ધમાં હયાત એવા જ્યોતિષના જાણકાર કવિ હીરકલશની વિવિધ કૃતિઓમાં એમની સુદીર્ઘ કૃતિ ‘સિંહાસનબત્રીસી’ (2,000થી વધુ કડીઓ) પણ આ પરંપરામાં એક નોંધનીય ઉમેરણ છે.
શામળ (આશરે ઈ. સ. 1694ઈ. સ. 1769) મધ્યકાળનો ઉત્તમ પદ્યવાર્તાકાર-પદ્યકથાકાર છે. ‘સિંહાસનબત્રીસી’ એ શામળની પ્રસિદ્ધ કથામાળા છે. આમજનતાના મનોરંજન માટે લખાયેલી આ કથાઓ અદભુતરસિક છે. શામળની કથાઓમાં સંસ્કૃત કથાગ્રંથો જેવા કે ‘સિંહાસનદ્વાત્રિંશિકા’, ‘વેતાલપંચવિંશતિ’ વગેરે તથા લોકકથાઓ અને પોતાના પુરોગામી કથાકારોની કૃતિઓનો પ્રભાવ રહ્યો છે. સિંહાસનબત્રીસીની બત્રીસેબત્રીસ કથાઓને એણે વિસ્તારથી વર્ણવીને રસપૂર્ણ બનાવી છે. એમાં એણે કેટલાક ફેરફારો પણ કર્યા છે. શામળે પાંચમી કથા રૂપે ‘પંચદંડ’ અને 32મી કથા રૂપે ‘વેતાલપચીશી’ને ‘સિંહાસનબત્રીસી’માં જ સમાવિષ્ટ કરી લીધી છે.
શામળની ‘સિંહાસનબત્રીસી’માંની કેટલીક કથાઓનાં મૂળ सिंहासनद्वात्रिंशिकाની દક્ષિણી વાચનામાં, તો કેટલીક કથાઓનાં મૂળ ક્ષેમંકરની ‘सिंहासनद्वात्रिंशिका’ની જૈન વાચનામાં મળે છે. વળી સોમદેવના ‘कथासरित्सागर’માંની કેટલીક વાર્તાઓ શામળની ‘સિંહાસનબત્રીસી’માં જોવા મળે છે. વળી શુભશીલગણિરચિત ‘વિક્રમચરિત્ર’માં પણ શામળની ‘સિંહાસનબત્રીસી’ની કેટલીક કથાઓનાં મૂળ જોઈ શકાય છે.
શામળની ‘સિંહાસનબત્રીસી’ મુજબ ભોજ રાજાને 32 પૂતળીઓ બેસાડેલું એક સિંહાસન એક ચમત્કારી ટીંબામાંથી મળી આવે છે, જે એમના પૂર્વજ રાજા વિક્રમનું છે. આરંભની ટીંબાની કથા શામળનું પોતાનું ઉમેરણ છે. રાજા ભોજ પેલા સિંહાસન પર બેસવા જાય છે, ત્યારે એ સિંહાસનમાં જડેલી 32 પૂતળીઓ એક પછી એક પ્રતાપી રાજા વિક્રમના ગુણોને પ્રગટ કરતી કથાઓ રજૂ કરે છે અને એવા મહાન ગુણો ધરાવનાર વ્યક્તિ જ એ સિંહાસન પર બેસી શકે એમ જણાવીને આકાશમાં ઊડી જાય છે. આ સિંહાસનબત્રીસીમાં (1) કલીહાર હરણ, (2) વિપ્ર, (3) કમળ, (4) સિંહલદેશની પદ્મિની, (5) પંચદંડ, (6) અબોલા રાણી, (7) નાપિક, (8) ધનવંત શેઠ, (9) હંસ, (10) રાજા ગંધર્વસેન, (11) કળશ, (12) કાવડિયા(વિક્રમ)નું ચરિત, (13) સમુદ્ર, (14) નૌકા, (15) પોપટ, (16) કાષ્ઠનો ઘોડો, (17) પંખી, (18) વહાણની કથા, (19) ભાભારામ, (20) વેતાળભાટ, (21) પાંન, (22) કામધેનુ, (23) કસ્તૂરચંદ, (24) ભદ્રાભામિની, (25) ગોટકો, (26) જોગણી, (27) માધવાનલ-કામકંદલા, (28) લક્ષબુદ્ધિ, (29) શુક-સારિકા, (30) સ્ત્રીચરિત, (31) ભરથરી ભૂપ અને (32) વેતાલપચીસી — એ બત્રીસ કથાઓ છે.
શામળે પોતાની મૌલિકતા અને આગવી કલ્પનાશક્તિને કામે લગાડીને આ કથાઓને વિશેષ રસિક બનાવી છે. આ કથાઓનો નાયક મહાપરાક્રમી રાજા વિક્રમ છે. એની વીરતાને વિવિધ વાર્તાઓને નિમિત્તે અહીં બિરદાવવામાં આવી છે. પુરોગામીઓમાંથી વસ્તુ લઈને શામળે આ કથાઓને પોતાની વિશિષ્ટ પ્રતિભાથી ખીલવીને પદ્યકથાના સ્વરૂપમાં અનન્ય સિદ્ધિ હાંસલ કરી છે.
‘સિંહાસનબત્રીસી’ના આરંભે સિંહાસન પ્રાપ્ત કરવાની કથા જેમ શામળનું પોતાનું ઉમેરણ છે તેમ આ કથામાળાની પાંચમી પંચદંડની પાંચ કથાઓ પણ શામળનું ઉમેરણ છે. પૂર્વના કવિઓના આ કથાચક્રમાં એ કથા મળતી નથી અને અંતમાં ‘વેતાળપચીશી’ની પચીસ કથાઓનો પણ શામળે ‘સિંહાસનબત્રીસી’માં સમાવેશ કરી લીધો છે. શામળની ‘સિંહાસનબત્રીસી’ જૈન પરંપરાના આવા કથાભંડારથી પોતાનું આગવાપણું સિદ્ધ કરે છે. આમ, શામળની સર્જકતા પરંપરાથી પ્રભાવિત છતાં મૌલિક છે.
આમજનતાના મનોરંજન માટે શામળે ચમત્કારથી ભરપૂર, અદભુતરસિક કથાઓ પસંદ કરી છે. આ કથાઓમાંનાં તેજસ્વી-સાહસિક-ચતુર અને પુરુષસમકક્ષ સ્ત્રીપાત્રો 18મી સદીના આ સર્જકને પ્રગતિવાદી ઠરાવે છે. મધ્યકાળના ગુજરાતી સાહિત્યમાં આ કુશળ-દક્ષ-હિંમતવાન સ્ત્રીપાત્રો ચિરંજીવ બની ગયાં છે. આ કથાઓમાંનાં પુરુષપાત્રો પણ શૂરવીર અને ઊંચા બુદ્ધિવૈભવવાળાં, પ્રભુભક્ત અને પરોપકારી છે. અદભુત રસ જન્માવતી ચમત્કારસભર વસ્તુસામગ્રી આ કથાઓનું એક આકર્ષક અંગ છે. અહીં માનવેતર પાત્રોમાં જોગણી, વેતાલ, સિદ્ધ ઉપરાંત પોપટ, નાગ, હંસ પણ પાત્ર બનીને આવે છે અને કથાને રસિક બનાવે છે. એમાં મૃતસંજીવની તથા પરકાયાપ્રવેશ-વિદ્યાની વિવિધ જન્મો અંગેની જાણકારીવાળી કથાનકસામગ્રીનો વિનિયોગ કથાને રસપૂર્ણ બનાવે છે. વળી સમસ્યાઓ ઉખાણાનો ઉપયોગ પણ આ કથાઓને બૌદ્ધિક વિનોદથી વધુ આકર્ષક બનાવે છે.
આમ, મધ્યકાળમાં સિંહાસનબત્રીસીનું કથાનક કથાકારોને ઠીક ઠીક આકર્ષી શક્યું છે. મધ્યકાળના ગુજરાતમાં આ કથાપરંપરા વિવિધ સૈકાઓમાં વિવિધ કવિઓની કલમે સમૃદ્ધ બનતી રહી છે.
આરતી ત્રિવેદી