સિંધિયા, જ્યોતિરાદિત્ય (જ. 1 જાન્યુઆરી 1971, મુંબઈ) : જાણીતા રાજકારણી. તેમનો જન્મ કુર્મી મરાઠા પરિવારમાં થયો હતો. પિતા માધવરાવ સિંધિયા અને માતા માધવી રાજે સિંધિયા. તેઓ સિંધિયા ગ્વાલિયર રજવાડાના છેલ્લા મહારાજા જીવાજીરાવ સિંધિયાના પૌત્ર છે. તેમના પિતા માધવરાવ સિંધિયા રાજીવ ગાંધીની સરકારમાં મંત્રી હતા. 30 સપ્ટેમ્બર 2001ના રોજ, ઉત્તરપ્રદેશમાં એક વિમાન દુર્ઘટનામાં તેમનું અવસાન થયું હતું.
તેમનું શિક્ષણ કેમ્પિયન સ્કૂલ, મુંબઈ અને દૂન સ્કૂલ, દેહરાદૂનમાં થયું હતું. ઉચ્ચ અભ્યાસ માટે તેઓ દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં દાખલ થયા. પછી તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીની અંડરગ્રેજ્યુએટ લિબરલ આર્ટ કૉલેજમાં ગયા. તેઓ 1993માં અર્થશાસ્ત્રમાં બી.એ. થયા. 2001માં તેમણે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ બિઝનેસમાંથી માસ્ટર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની પદવી મેળવી.
તેમના પિતાની બેઠક ગુનાથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું. 18 ડિસેમ્બર, 2001ના રોજ તેઓ ઔપચારિક રીતે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાયા. તેમણે 24 ફેબ્રુઆરી, 2002ના રોજ પિતાની બેઠક ગુનામાં પેટાચૂંટણી જીતી. મે 2004માં તેઓ ફરીથી ચૂંટાયા અને 2007માં કેન્દ્રીય મંત્રી પરિષદમાં સંચાર અને માહિતી ટૅક્નૉલૉજી રાજ્ય મંત્રી બન્યા. તેઓ 2009માં સતત ત્રીજી મુદત માટે ફરીથી ચૂંટાયા અને વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી બન્યા. તેઓ 2002થી 2019ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં તેમની હાર સુધી મધ્યપ્રદેશમાં ગુના મતવિસ્તાર લોકસભાના સંસદસભ્ય રહ્યા. 28 ઑક્ટોબર, 2012થી 26 મે, 2014 સુધી કેન્દ્રીય પાવર અને કોર્પોરેટ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી હતા.
તેમણે 10 માર્ચ, 2020ના રોજ કૉંગ્રેસ પક્ષ છોડ્યો અને 11 માર્ચ, 2020ના રોજ ભાજપમાં જોડાયા. તેઓ 19 જૂન, 2020ના રોજ મધ્યપ્રદેશમાંથી ભાજપના રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા. 7 જુલાઈ, 2021ના રોજ સિંધિયાને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 6 જુલાઈ, 2022થી ભારત સરકારના સ્ટીલ મંત્રાલયના મંત્રી છે.
ફેબ્રુઆરી 2022માં સિંધિયાને યુક્રેન પર રશિયન આક્રમણના પરિણામે યુક્રેનમાં ભારતીય નાગરિકોના સ્થળાંતરની દેખરેખ માટે રોમાનિયામાં વિશેષ દૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ સિંધિયા સ્કૂલના બોર્ડ ઑફ ગવર્નર્સના પ્રમુખ છે. મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશન(MPCA)ના અધ્યક્ષ છે અને માધવ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી એન્ડ સાયન્સના ચેરમેન છે.
અનિલ રાવલ