સિંઘ, પરમજિત (1) (જ. 1935, અમૃતસર, પંજાબ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી દિલ્હી પૉલિટૅકનિકની સ્કૂલ ઑવ્ આર્ટમાંથી કલા-અભ્યાસ કરીને 1958માં કલાના સ્નાતક થયા. અત્યંત રંગદર્શી ઢબે નિસર્ગ આલેખવા માટે તેઓ જાણીતા છે. તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો ભારતનાં અનેક શહેરો ઉપરાંત જર્મની, નૉર્વે, બ્રિટન, જાપાન, અમેરિકા વગેરે દેશોમાં યોજાયાં છે. નવી દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટમાં તેમનાં ચિત્રો કાયમી ધોરણે પ્રદર્શિત છે. કેન્દ્રની લલિત કલા અકાદમીએ રાષ્ટ્રીય એવૉર્ડથી તેમનું સન્માન કર્યું છે.
અમિતાભ મડિયા