સિંઘ, પરમજિત (2) (જ. 1941, જમશેદપુર, બિહાર) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી દિલ્હી પૉલિટૅકનિકની સ્કૂલ ઑવ્ આર્ટમાંથી કલા-અભ્યાસ કરીને કલાના સ્નાતક થયા. ઘનવાદી ઢબે નિસર્ગચિત્રો આલેખવા માટે તેઓ જાણીતા છે. ભારતનાં વિવિધ શહેરો ઉપરાંત જર્મની, દુબઈ, ઈરાન, ઑસ્ટ્રેલિયા વગેરે દેશોમાં તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજાયાં છે. કેન્દ્રની લલિત કલા અકાદમીએ રાષ્ટ્રીય એવૉર્ડથી તેમનું સન્માન કર્યું છે. જાણીતા મહિલા-ચિત્રકાર અર્પિતા સિંઘ સાથે તેમણે લગ્ન કર્યું છે.
અમિતાભ મડિયા