સાવકારી પાશ : મૂક મરાઠી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1925. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : મહારાષ્ટ્ર ફિલ્મ કંપની. દિગ્દર્શક : બાબુરાવ પેન્ટર. કથા : હરિ નારાયણ આપટે. છબિકલા : શેખ ફત્તેલાલ. મુખ્ય કલાકારો : વી. શાંતારામ, ઝુંઝારરાવ પવાર, કમલાદેવી, કિશાબાપુ બરડારકર, કેશવરાવ ધાયબર, શંકરરાવ ભુટે.
મૂક ચિત્રોના સમયમાં ભારતનું આ સૌપ્રથમ યથાર્થવાદી ચિત્ર ગણાય છે. સમય જતાં ચલચિત્રજગતમાં ‘કલામહર્ષિ’ તરીકે ઓળખાવા માંડેલા બાબુરાવ પેન્ટરે 1925માં ‘સાવકારી પાશ’ ચિત્ર બનાવીને એ પુરવાર કરી આપ્યું હતું કે સિનેમા ખરેખર કેવું સશક્ત માધ્યમ છે. બીજા ચિત્રસર્જકો જ્યારે ધાર્મિક કે પૌરાણિક કથાનકો પર આધારિત ચિત્રો બનાવતા હતા અને સર્વસામાન્ય પ્રેક્ષકોને મનગમતો માલ પીરસતા હતા ત્યારે બાબુરાવ પેન્ટરે ભારતનાં ગામડાંઓ અને કસબાઓમાં જમીનદારો અને શાહુકારો દ્વારા ગરીબ ખેડૂતોના કરાતા ક્રૂર શોષણને પોતાના ચિત્રનો વિષય બનાવ્યો હતો.
મજબૂત પટકથાનાં જે કેટલાંક લક્ષણો છે તેમાં એક એ પણ છે કે ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ કહી શકાવું જોઈએ. બાબુરાવે મૂક ફિલ્મોના જમાનામાં બનાવેલી ‘સાવકારી પાશ’માં શબ્દોનો તો કોઈ પ્રશ્ન જ નહોતો, પણ વિના શબ્દે તેમણે કેટલાંક અસરકારક દૃશ્યો રજૂ કર્યાં હતાં. ‘સાવકારી પાશ’માં શોષણખોર અને દુષ્ટ શાહુકારનું જ્યારે પડદા પર પહેલી વાર આગમન થાય છે ત્યારનું એક દૃશ્ય છે : એક આંધળો ભિખારી શાહુકાર પાસે ભીખ માગવા માટે આવે છે. શાહુકાર તેને એવો તો તતડાવી નાખે છે કે ભિખારી હક્કોબક્કો થઈ જાય છે. તેના હાથમાંનો વાટકો નીચે પડી જાય છે. તેમાંના થોડાઘણા સિક્કા વેરાઈ જાય છે. જમીન પર બેસીને ભિખારી ફંફોળતો ફંફોળતો સિક્કા એકઠા કરવા માંડે છે, પણ સિક્કા પડે છે ત્યારે એક સિક્કો ગબડતો ગબડતો શાહુકારના પગ પાસે પહોંચી જાય છે. શાહુકાર એ સિક્કા પર પગ મૂકી દે છે. પછી જ્યારે બધા સિક્કા વિણાઈ ગયા એમ માનીને ભિખારી જતો રહે છે ત્યારે શાહુકાર પગ નીચેનો સિક્કો ઉઠાવી લે છે. શાહુકારનું ચરિત્ર કેવું છે અને ભવિષ્યમાં તે કઈ હદે જઈને શું કરવાનો છે તે આ એક જ દૃશ્યમાં તેમણે વ્યક્ત કરી દીધું હતું.
આ ચિત્રના દિગ્દર્શકને વી. શાંતારામે દિગ્દર્શનમાં સહાય કરી હતી તથા તેમાં જમીનદારો દ્વારા ખેડૂતોના કરાતા ક્રૂર શોષણની અસરકારક રજૂઆત કરતા ખેડૂતની ભૂમિકા તેમણે ભજવી હતી.
હરસુખ થાનકી