સાળંગપુર : અમદાવાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : 22° 09´ ઉ. અ. અને 71° 46´ પૂ.રે.. તે ભાવનગર જિલ્લાના બોટાદથી તદ્દન નજીક પૂર્વ તરફ, અમદાવાદ-ભાવનગરની જિલ્લાસીમા પાસે આવેલું છે. તે અમદાવાદ-ભાવનગર મીટરગેજ રેલમાર્ગ પર આવેલા સાળંગપુર રોડ સ્ટેશનથી આશરે સાત કિમી.ને અંતરે છે. વળી તે રાજ્ય ધોરી માર્ગ પર પણ આવેલું છે. અમદાવાદથી તેનું અંતર અંદાજે 120 કિમી. જેટલું થાય છે.

સાળંગપુર ગામ કષ્ટભંજન હનુમાનજીના મંદિર માટે ગુજરાતભરમાં વિશિષ્ટપણે જાણીતું બનેલું છે. અહીં શ્રદ્ધાળુઓ તેમની સાંસારિક મૂંઝવણો તેમજ પૈશાચિક અસરમાંથી મુક્ત થવા માટે આવે છે. અહીંના હનુમાનજીના મંદિર માટે કેટલીક રસપ્રદ દંતકથાઓ પ્રવર્તે છે. એક દંતકથા મુજબ, આ મંદિરમાંની હનુમાનજીની મૂર્તિ વલ્લભીપુર નજીકના નેસડિયા ગામ પાસેની ટેકરી પર હતી, તેને વડતાલના સ્વામીનારાયણ મંદિરના સ્વામી ગોપાલાનંદજીએ મંગાવીને અહીં પ્રતિષ્ઠિત કરાવેલી છે. આ માટે ત્યાંના દરબાર વાઘા ખાચરે જમીન દાનમાં આપેલી.

આવી જ બીજી એક હકીકત આ પ્રમાણે છે : સાળંગપુરના દરબાર જીવા ખાચર સેવાભાવી સ્વામીનારાયણ ભક્ત હતા. વડતાલના સ્વામીનારાયણ મંદિરના વડા સ્વામી ગોપાલાનંદજી અવારનવાર સાળંગપુર ખાતે આવતા અને રોકાતા. વખત જતાં સ્વામી ગોપાલાનંદે જીવા ખાચરના પુત્ર વાઘા ખાચર પાસે પથ્થર મંગાવી તેના પર કોલસાથી હનુમાનજીની મૂર્તિ દોરી આપી અને તે મુજબ એક શિલ્પી પાસે હનુમાનજીની મૂર્તિ કોતરાવીને તૈયાર કરાવી. સ્વામી ગોપાલાનંદે 1850માં વાઘા ખાચરની જમીન પર આ મૂર્તિની સ્થાપના કરાવી. ગોપાલાનંદજીના શિષ્યે આરતી કરી. આરતી દરમિયાન સ્વામી ગોપાલાનંદ મૂર્તિની આંખોમાં આંખો પરોવી ઊભા રહ્યા. આરતીની પાંચમી કડી વખતે મૂર્તિમાં હલનચલન થતું હોવાનું જણાયું; તેથી લાગ્યું કે મૂર્તિમાં સ્વયં હનુમાનજીનો વાસ થયો છે. આરતી પૂરી થતાં ગોપાલાનંદજીએ મૂર્તિમાં શક્તિનું પ્રદાન કર્યું. ત્યારથી દર્શનાર્થીઓનાં દુ:ખ-દર્દ દૂર થવા લાગ્યાં. આમ, સાળંગપુરના હનુમાનજીનું નામ કષ્ટભંજન હનુમાન પડી ગયું.

કષ્ટભંજન હનુમાનજી, સાળંગપુર

આ મંદિરમાં આશરે 8 મીટર પહોળો સભામંડપ છે, તેને આરસપહાણથી જડવામાં આવેલો છે. હનુમાનજીની મૂર્તિ ત્યાં પ્રસ્થાપિત છે. આ મંડપનાં મુખ્ય દ્વારનાં બારણાં ચાંદીથી મઢેલાં છે. મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. હનુમાનજીના મંદિર પાસે સ્વામીનારાયણ – અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્થાનનું મંદિર પણ છે, તેમાં સ્વામી સહજાનંદ, સ્વામી યજ્ઞપુરુષદાસજીની પ્રતિમાઓ પધરાવેલી છે. સ્વામી સહજાનંદનાં પગલાં છે. આ ઉપરાંત રાધાકૃષ્ણનું મંદિર પણ છે.

ગુજરાતમાં સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના મંદિરનું ઘણું મહત્વ છે. અહીં ભાદરવા સુદ અગિયારશે મોટો મેળો ભરાય છે, તે વખતે અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. અહીંના સ્વામીનારાયણ મંદિર સાથે સંસ્કૃત પાઠશાળા અને સંગીત મહાવિદ્યાલય પણ સંકળાયેલાં છે. ગામમાં શાળા-શિક્ષણની સુવિધા પણ છે.

નીતિન કોઠારી