સાલ હિમજન્ય કક્ષા (Saale Glacial Stage)

January, 2008

સાલ હિમજન્ય કક્ષા (Saale Glacial Stage) : ઉત્તર યુરોપમાં પ્લાયસ્ટોસીન કાલખંડ (વ. પૂ. 25 લાખ વર્ષ અને 10,000 વર્ષ વચ્ચેના કાળગાળા) દરમિયાન પ્રવર્તેલા હિમયુગો પૈકીની એક કક્ષા તથા તેમાં તૈયાર થયેલા નિક્ષેપોનો વિભાગ. આ કક્ષા હોલ્સ્ટાઇન આંતરહિમકાળ-કક્ષા પછીથી તથા ઇમિયન આંતરહિમકાળ-કક્ષા પહેલાં પ્રવર્તેલી. આ બંને આંતરહિમકાળ-કક્ષાઓ દરમિયાન આબોહવા પ્રમાણમાં નરમ રહેલી. સાલ-કક્ષા વખતે જમાવટ પામેલા નિક્ષેપો વિસ્તૃત તેમજ જટિલ લક્ષણોવાળા હતા. સાલ-કક્ષાને બ્રિટનની જિપિંગ હિમજન્ય કક્ષા તથા યુરોપિયન આલ્પાઇન વિસ્તારની રિસ હિમજન્ય કક્ષાની સમકાલીન ગણવામાં આવે છે; એ જ રીતે તેને ઉત્તર અમેરિકાની ઇલિનોઇયન હિમજન્ય કક્ષાની પણ સમકાલીન ગણવામાં આવે છે.

સંભવિત છે કે હિમીભવનની સાલ-હિમજન્ય ઘટના જટિલ હોય. તેના ત્રણ તબક્કાઓ થયા હોવાનું ઓળખી શકાયું છે : ડ્રેન્ટ, વાર્થ અને ટ્રિન. ડ્રેન્ટ અને વાર્થ-તબક્કાઓ વખતે હિમસંજોગો વિકસતા ગયેલા; જ્યારે ટ્રિન-તબક્કા વખતે હિમસંજોગોની પરિસ્થિતિ ઘટી ગયેલી. મધ્ય યુરોપના વિસ્તારમાં સાલ-કક્ષા દરમિયાન મધ્યમ આબોહવાવાળા બે આંતરહિમકાળ સહિતના ત્રણ મહત્તમ હિમસંજોગો પ્રવર્તેલા. જર્મનીમાં આવેલી એલ્બ નદીની સહાયક નદી ‘સાલ’ પરથી આ કક્ષાને ‘સાલ-હિમજન્ય કક્ષા’ નામ અપાયેલું છે.

ગિરીશભાઈ પંડ્યા