સાલ્વે, હરીશ  (જ. 22 જૂન 1955, ધુલે, મહારાષ્ટ્ર) : ભારતના  પ્રતિષ્ઠિત  વરિષ્ઠ વકીલ.

તેઓ  બંધારણીય કાયદા, વાણિજ્યિક કાયદા, કરવેરા, મધ્યસ્થી અને આંતરરાષ્ટ્રીય મુકદ્દમામાં કુશળતા માટે પ્રખ્યાત વરિષ્ઠ વકીલ છે. તેમણે અનેક સીમાચિહ્નરૂપ કેસોમાં ભારત સરકાર, કૉર્પોરેશનો અને અનેક જાણીતી વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમની વક્તૃત્વ કલા અને કાનૂની કુશળતાએ તેમને દેશના સૌથી પ્રભાવશાળી વકીલોમાંના એક બનાવ્યા છે.

 હરીશ સાલ્વેનો જન્મ એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમના પિતા એન. કે. પી. સાલ્વે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના અગ્રણી રાજકારણી હતા. તેમની માતા અંબૃતિ સાલ્વે  ડૉક્ટર હતાં. તેમના દાદા પી. કે. સાલ્વે એક સફળ ફોજદારી વકીલ હતા. સાલ્વે ખ્રિસ્તી છે. તેમનો ઉછેર  ધર્મનિરપેક્ષતા ધરાવતા બહુ-ધાર્મિક પરિવારમાં થયો હતો.

તેમણે શાળાનો અભ્યાસ સેન્ટ ફ્રાન્સિસ ડી’સેલ્સ હાઈસ્કૂલમાં કર્યો હતો. તેમણે નાગપુર યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. વાણિજ્ય અને કાયદામાં ડિગ્રી મેળવી. કાનૂની વ્યવસાયમાં પ્રવેશતાં પહેલાં તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા. જે પૃષ્ઠભૂમિ પાછળથી જટિલ કર અને કૉર્પોરેટ બાબતોને સંભાળવામાં મૂલ્યવાન સાબિત થઈ. તેમણે 1980માં જે. બી. દાદાચંદજી ઍન્ડ કંપનીમાં તેમની કાનૂની કારકિર્દી શરૂ કરી. પહેલાં ઇન્ટર્નલ તરીકે અને પછી પૂર્ણ-સમયના વકીલ તરીકે. આ સમય દરમિયાન તેમણે મિનર્વા મિલ્સ કેસમાં પાલખીવાલાને મદદ કરી. સાલ્વેને બાદમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા સિનિયર કાઉન્સેલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

 સાલ્વેએ 1980થી 1986 સુધી ભૂતપૂર્વ એટર્ની જનરલ, સોલી સોરાબજી સાથે કામ કર્યું. 1999થી 2002 સુધી તેમણે ભારતના સૉલિસિટર જનરલ તરીકે સેવા આપી. સુપ્રીમ કોર્ટ સમક્ષ કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કર્યું અને મુખ્ય બંધારણીય અને કાનૂની મુદ્દાઓ પર સલાહ આપી. નવેમ્બર, 2002માં તેમનો કાર્યકાળ પૂરો થયો ત્યારે “વ્યક્તિગત કારણોસર” તેમણે બીજાં ત્રણ વર્ષના કાર્યકાળ માટે નામાંકિત થવાનો ઇનકાર કર્યો

સાલ્વેને સુપ્રીમ કોર્ટ દ્વારા કેટલાક કેસોમાં એમિકસ ક્યુરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે મોટાભાગે પર્યાવરણ જાળવણી સંબંધિત હતા.

ત્રિલોક સંઘાણી