સાલમ બિન રઝાક (શેખ અબ્દુલ સાલમ અબ્દુલ રઝાક) (જ. 15 નવેમ્બર 1941, પનવેલ, મહારાષ્ટ્ર) : ઉર્દૂ લેખક. તેમણે ડી.એડ.ની ડિગ્રી મેળવ્યા પછી લેખનકાર્ય આરંભ્યું. 1989-91 સુધી તેઓ મહારાષ્ટ્ર સ્ટેટ ઉર્દૂ અકાદમીના સભ્ય રહ્યા.
તેમણે કુલ 8 ગ્રંથો આપ્યા છે. ઉર્દૂમાં ‘નંગી દુપહર કા સિપાઈ’ (1977), ‘મો આબ્બિર’ (1987) તેમના વાર્તાસંગ્રહો છે. ‘શ્રીપાદ ક્રિશ્ર્ન કોલ્હાટકર’ (1990) અનૂદિત વિવરણાત્મક ગ્રંથ છે. ‘માહિમ કી ખાડી’ મરાઠીમાંથી અનૂદિત નવલકથા છે. ‘બાદલ કી આપબીતી’ નિબંધસંગ્રહ છે, ત્યારે ‘રાબિયા બસારી’ આત્મકથા છે. હિંદીમાં ‘કામધેનુ’ (1988) વાર્તાસંગ્રહ, ‘અસારી હિંદી કહાનિયાં’ અનૂદિત વાર્તાસંગ્રહ છે. તેમણે 150 નાટકો અને મહત્ત્વપૂર્ણ લેખો લખ્યાં છે તથા દૂરદર્શન પર અનેક સાહિત્યિક પ્રસારણો કર્યાં છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બિહાર ઉર્દૂ અકાદમીઓ દ્વારા ઍવૉર્ડ આપવામાં આવ્યા છે તથા 1998માં ભારતીય સાહિત્ય અકાદમી તરફથી અનુવાદ-પુરસ્કાર અને 2004માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા છે.
બળદેવભાઈ કનીજિયા