સારંગપુર : છત્તીસગઢના રાજગઢ જિલ્લામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 23° 34´ ઉ. અ. અને 76° 28´ પૂ. રે. પર તે કાલી સિંધ નદીની પૂર્વમાં પ્રાચીન જગા પર આવેલું છે. અહીં સંખ્યાબંધ હિન્દુ તેમજ જૈન ખંડિયેરો જોવા મળે છે, તેમાં બારમી સદીનું એક જૈન બાવલું પણ છે. તેરમી સદીમાં તેનું ખૂબ મહત્ત્વ રહેલું; તત્કાલીન શાસક સારંગસિંહ ખીચીના નામ પરથી તેને સારંગપુર નામ અપાયેલું છે. મુઘલ સમયમાં તે એક અગત્યનું વેપારી મથક રહેલું. 1818માં સંધિ દ્વારા તે દેવાસના દેશી રાજ્યમાં મુકાયેલું. આજે તે મહત્ત્વનું કૃષિવેપારનું કેન્દ્ર બની રહેલું છે. અહીં ખાંડનાં કારખાનાં તથા હાથસાળના કાપડનું વણાટકામ ચાલે છે.

ગિરીશભાઈ પંડ્યા