સાયલા : દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં લીંબુ અને મોસંબી ઉપરની સૌથી વધુ ઉપદ્રવકારક જીવાત. સાયટ્રસ સાયલા એ લીંબુના પાકમાં જોવા મળતી એક અગત્યની ચૂસિયા પ્રકારની જીવાત છે. તેનો સમાવેશ હેમિપ્ટેરા (Hemiptera) શ્રેણીના હૉમોપ્ટેરા (Homoptera) નામની પેટા શ્રેણીના સાયલિડી (Psyllidae) કુળમાં થયેલ છે. આ જીવાતનું વૈજ્ઞાનિક નામ ડાયફોરિના સાઇટ્રી (Diaphorina citri Ku W.) છે. લીંબુના પાક પર તે હંમેશાં કૂદતી જોવા મળતી હોવાથી અને પાંખોવાળી મોલો જેવો તેનો દેખાવ હોવાથી તે કૂદતી મોલો (Jumping lice) તરીકે પણ ઓળખાય છે. આ જીવાતનાં બચ્ચાં ચપટાં, ગોળાકાર, આછા બદામી રંગનાં કે પીળાશ પડતાં હોય છે, જ્યારે પુખ્ત થાય ત્યારે નાનાં (મધ્યમ કદનાં), ભૂખરાં કે બદામી રંગનાં હોય છે. બચ્ચાં મોટેભાગે પાન કે ડૂંખ પર જોવા મળે છે; જ્યારે પુખ્ત કીટકો પાનની નીચેની બાજુએ બેઠેલાં જોવા મળે છે. તેના મોઢા તરફનો ભાગ પાનની સપાટી નજીક અને ઉદરપ્રદેશનો ભાગ ઊંચો રહે છે. પુખ્ત માદા 500થી 1000 ઈંડાં મૂકવાની ક્ષમતા ધરાવે છે; જેનું 5થી 8 દિવસમાં સેવન થતાં તેમાંથી બચ્ચાં બહાર આવે છે. બચ્ચાં તેમજ પુખ્ત એમ બંને અવસ્થામાં આ જીવાત કુમળાં પાન, કળીઓ અને વૃદ્ધિ પામતી ડૂંખોમાંથી રસ ચૂસે છે જેથી ઉપદ્રવિત પાકો પીળા પડી કોકડાઈને છેવટે સુકાઈ જાય છે. તે ઉપરાંત આ કીટક તેની લાળ સાથે ઝેરી તત્ત્વ ઝાડમાં દાખલ કરે છે જેને લીધે નુકસાન ન થયું હોય તેવી બાજુની ડાળીઓ પણ સુકાઈ જાય છે. લીંબુના પાકમાં સાયલા લીલવા (ગ્રીનિંગ) નામનો રોગ પણ ફેલાવે છે. તેના શરીરમાંથી ચીકણો મધ જેવો પદાર્થ સતત બહાર કાઢે છે, જેથી ઉપદ્રવિત ઝાડનાં પાન પર કાળી ફૂગ ઊગી નીકળે છે. આથી પાનની પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં અવરોધ ઉત્પન્ન થાય છે. તેને લીધે ગુણવત્તા અને ઉત્પાદન પર વિપરીત અસર થાય છે. મધ્ય ગુજરાત વિસ્તારમાં આ જીવાતનો ઉપદ્રવ ખાસ કરીને નવેમ્બર-જાન્યુઆરી, એપ્રિલ અને ઑક્ટોબર માસમાં પ્રમાણમાં વધુ જોવા મળે છે. આવી ડિંભ-અવસ્થા 11થી 20 દિવસની હોય છે; જેમાંથી પુખ્ત સાયલા તૈયાર થતા હોય છે, જે 21થી 50 દિવસ જીવે છે.
સાયલાના અસરકારક નિયંત્રણ માટે શરૂઆતમાં ઉપદ્રવિત અને સૂકી ડાળીઓ નિયમિત રીતે કાપતાં રહેવી પડે છે. ઉપદ્રવની શરૂઆતમાં લીંબોળીના મીંજમાંથી બનાવેલા 5 % દ્રાવણનો છંટકાવ કરવો જરૂરી છે. તે સિવાય લીમડાનાં પાન કે નફ્ફટિયાનાં પાનના રસનું 10 % મિશ્રણ (1 કિગ્રા. તાજાં પાન/10 લિટર પાણી) છાંટવાથી પણ સાયલાનું નિયંત્રણ થાય છે. લીંબુવાડીમાં ટપકપદ્ધતિથી પિયત આપવાથી સાયલાથી થતું નુકસાન વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેથી ખેડૂતોએ તે અંગે સજાગ રહેવું જરૂરી છે. આ જીવાતનો વધુ ઉપદ્રવ જણાય તો મૉનોક્રોટોફોસ 0.04 %, ક્વિનાલફોસ 0.05 %, મિથાઇલ-ઓ-ડેમેટોન 0.025 %, ડાયમિથોએટ 0.03 %, ફોઝેલોન 0.07 %, મેલાથિયોન 0.05 % પૈકી કોઈ પણ એક કીટનાશક દવાનો છંટકાવ જરૂરિયાત મુજબ કરવાથી સાયલાનું નિયંત્રણ થાય છે.
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ
પરબતભાઈ ખી. બોરડ