સાયમન, હર્બર્ટ ઍલેક્ઝાંડર (જ. 15 જૂન 1916, મિલવૉડી, વિસ્કોન્સિન, અમેરિકા) : વૈવિધ્યપૂર્ણ ક્ષેત્રોમાં નિપુણતા ધરાવતા અમેરિકાના સમાજવિજ્ઞાની તથા 1978ના વર્ષના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. શિકાગો યુનિવર્સિટીમાંથી 1936માં સ્નાતકની પદવી, તે જ યુનિવર્સિટીમાંથી 1938માં અનુસ્નાતકની પદવી તથા 1943માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કર્યા પછીનાં થોડાંક વર્ષો સુધી તેમણે રાજ્યશાસ્ત્ર વિષયનું અધ્યાપન કર્યું અને ત્યારબાદ 1949માં અમેરિકાના પિટસબર્ગ ખાતેની ડોર્નેજી-મેલૉન યુનિવર્સિટીમાં રાજ્ય-વહીવટ તથા મનોવિજ્ઞાનના પ્રોફેસર બન્યા. સમય જતાં તે જ યુનિવર્સિટીમાં તેઓએ કમ્પ્યૂટર સાયન્સ અને મનોવિજ્ઞાન વિષયોના પ્રોફેસરનું પદ ગ્રહણ કર્યું. મનોવિજ્ઞાન ઉપરાંત તેમણે ગણિત, આંકડાશાસ્ત્ર તથા ઑપરેશનલ રિસર્ચ જેવા વિષયોમાં પણ યોગદાન આપ્યું છે.
હર્બર્ટ ઍલેક્ઝાંડર સાયમન
આધુનિક કૉર્પોરેટ ક્ષેત્રમાં આર્થિક નિર્ણયો લેવા અંગેના જે સિદ્ધાંતમાં તેમણે યોગદાન આપ્યું છે તે સિદ્ધાંત ‘વર્તનવાદ’ (behaviourism) નામથી ઓળખાય છે. 1947માં પ્રકાશિત તેમના ગ્રંથ ‘ઍડ્મિનિસ્ટ્રેટિવ બિહેવ્યર’માં સાયમને આ અંગેના તેમના વિચારો રજૂ કર્યા છે. તે પૂર્વે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ એવું સૂચવ્યું હતું કે કૉર્પોરેટ ક્ષેત્રમાં નિર્ણય લેતી વેળાએ નિયોજકો મહત્તમ નફાના પરિબળ પર જ ભાર મૂકતા હોય છે, અન્ય કોઈ બાબતો તે ધ્યાનમાં લેતા નથી. તેની સામે સાયમને એવો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે કે આજના યુગમાં જ્યારે વિશાળ કદની પેઢીઓ અસ્તિત્વ ધરાવતી હોય છે અને જ્યારે આવી પેઢીઓ વસ્તુઓની કિંમતો અને ઉત્પાદનના પ્રમાણ પર અસર કરવાની ક્ષમતા ધરાવતી હોય છે ત્યારે તેમના પેઢી અંગેના નિર્ણયો માત્ર મહત્તમ નફાને આધારે જ લેવામાં આવે છે આ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની રજૂઆત પ્રશ્નનું વધુ પડતું સરલીકરણ (over-simplification) કરે છે, જે સંતોષકારક ગણાય નહિ. સાયમન ભારપૂર્વક જણાવે છે કે કૉર્પોરેટ પેઢી દ્વારા લેવાતા નિર્ણયોની પ્રક્રિયા એટલી બધી જટિલ હોય છે કે તેના પર અનેક પરિબળો અસર કરતાં હોય છે, એકમાત્ર મહત્તમ નફાનું પરિબળ જ નહિ. સાયમને તેમની આ અંગેની રજૂઆતમાં મનોવૈજ્ઞાનિક પરિબળો પર વધુ ભાર મૂક્યો છે જેની પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ અવગણના કરી હતી.
અર્થશાસ્ત્ર, કમ્પ્યૂટરો તથા વ્યવસ્થાપનને લગતા વિષયો પર સાયમને વિપુલ લખાણ કર્યું છે. તેમની કારકિર્દીનાં છેલ્લાં વર્ષો દરમિયાન કમ્પ્યૂટર-ટૅક્નૉલૉજી દ્વારા કૃત્રિમ ગ્રહણશક્તિ વિકસાવવામાં તેમને વિશેષ રુચિ પેદા થઈ હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે