સાયનાઇટ (Syenite)
January, 2008
સાયનાઇટ (Syenite) : અગ્નિકૃત ખડકનો એક પ્રકાર. બાયૉટાઇટ હૉર્નબ્લૅન્ડ અને પાયરૉક્સિન જેવાં ઘેરા રંગનાં મૅફિક ખનિજો તેમજ ગૌણ પ્રમાણમાં રહેલા પ્લેજ્યિોક્લેઝ (ઑલિગોક્લેઝ) સહિત મુખ્યત્વે આલ્કલી ફેલ્સ્પાર(ઑર્થોક્લેઝ, માઇક્રોક્લિન મોટેભાગે પર્થાઇટ પ્રકાર)ના ખનિજબંધારણવાળો, સ્થૂળદાણાદાર, સંપૂર્ણ સ્ફટિકમય કણરચનાવાળો, સબઍસિડિક અંત:કૃત ખડક. કેટલાક સાયનાઇટમાં ક્વાર્ટઝનું નજીવું પ્રમાણ જોવા મળે છે, તો ક્યારેક નેફેલિન ક્વાર્ટઝનું સ્થાન લઈ લે છે. અનુષંગી ખનિજોમાં સ્ફીન, ઍપેટાઇટ અને અપારદર્શક ઑક્સાઇડનો સમાવેશ થાય છે. આલ્કલી ફેલ્સ્પારના પ્રમાણ કરતાં જો સોડિક પ્લેજિયક્લેઝ(ઑલિગોક્લેઝ કે ઍન્ડેસાઇન)નું પ્રમાણ વધી જાય તો ખડક મૉન્ઝોનાઇટ બની રહે છે. સાયનાઇટ મોટેભાગે તો શુભ્રરંગી હોય છે. મૅફિક ખનિજોનું પ્રમાણ આલ્કલી ફેલ્સ્પાર કરતાં વિશેષ કે સરખું હોય તો તે મધ્યમરંગી બને છે. મૉન્ઝોનાઇટ સામાન્ય રીતે આછાથી મધ્યમ રાખોડી રંગના હોય છે; પરંતુ સાયનાઇટ તેમાં રહેલાં ઘટક-ખનિજોનાં રંગ અને પ્રમાણ મુજબ રાખોડી, લીલા, ગુલાબી, રાતા જેવા વિવિધ રંગોમાં પણ મળે છે, તે પૈકી કેટલાકનો સુશોભન-પાષાણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
બંધારણ : ખનિજબંધારણના સંદર્ભમાં આ ખડકને બે જૂથમાં વહેંચી શકાય : આલ્કલી સાયનાઇટ અને કૅલ્ક-આલ્કલી સાયનાઇટ. આલ્કલી સાયનાઇટમાં આલ્કલી ફેલ્સ્પાર અને મૅફિક ખનિજો સોડા સમૃદ્ધ હોય છે. તેમાં પોટાશ ફેલ્સ્પાર અને સોડા ફેલ્સ્પારનો આંતરવિકાસ (પર્થાઇટ) વિવિધ પ્રકારનો હોય છે, આંતરવિકાસ ક્યારેક આંતરગૂંથણી સ્વરૂપનો જટિલ પણ હોઈ શકે છે. ફેલ્સ્પારના સ્ફટિક દાણા મોટેભાગે તો સુવિકસિત સ્ફટિકમય રૂપરેખાવાળા હોય છે, પરંતુ ક્યારેક અનિયમિત પણ હોઈ શકે છે. સૂક્ષ્મદાણાદાર પ્રકારોમાં અને સાયનાઇટ પૉર્ફિરીમાં સૅનિડિન હોઈ શકે ખરું. કેટલાકમાં આલ્બાઇટના છૂટા છૂટા દાણા પણ હોય. સામાન્ય સાયનાઇટ તરીકે ઓળખાતા કૅલ્ક-આલ્કલી સાયનાઇટમાં સોડિક પ્લેજિયોક્લેઝ (ઑલિગોક્લેઝ) આછું પાસાદાર હોય છે, તેનો કેન્દ્રીય ભાગ કૅલ્સિક અને કિનારીઓ સોડિક હોય એવી વિભાગીય પટ્ટીસંરચના(zoning)વાળો હોય છે. મોન્ઝોનાઇટનું પ્લેજિયોક્લેઝ સોડિક ઍન્ડેસાઇન સુધીનું કૅલ્સિક હોઈ શકે. આ બંને પ્રકારોને સૂક્ષ્મદર્શક હેઠળ તેમના ખડકછેદોનું નિરીક્ષણ કરીને અલગ પાડી શકાય છે.
બાયૉટાઇટની કાળી (સૂક્ષ્મદર્શક હેઠળ કથ્થાઈ) પતરીઓ તથા હૉર્નબ્લૅન્ડના લીલા રંગના અનિયમિત પ્રિઝમેટિક સ્ફટિકો સામાન્ય સાયનાઇટનાં લાક્ષણિક મૅફિક ખનિજો ગણાય. એ જ રીતે ડાયૉપ્સાઇડ બંધારણવાળું ઑગાઇટ બહુધા મળતું પાયરૉક્સિન હોય છે, જે ઘણુંખરું તો હૉર્નબ્લૅન્ડ-સ્ફટિકોમાં કેન્દ્રભાગ સ્વરૂપે મળે છે. આલ્કલી સાયનાઇટમાં રહેલાં મૅફિક ખનિજો વિવિધતાવાળાં હોય છે. બાયૉટાઇટ ઘેરા રંગનું અને લોહસમૃદ્ધ હોય છે. ઍમ્ફિબૉલ (આર્ફવેડ્સોનાઇટ), હૅસ્ટિંગ્સાઇટ અથવા રિબેકાઇટ સોડાસમૃદ્ધ અને સામાન્યત: વિભાગીય પટ્ટીસંરચનાયુક્ત હોય છે. ડાયૉપ્સાઇડ બંધારણવાળા અને ટાઇટેનિયમ-સમૃદ્ધ ઑગાઇટ સ્ફટિકો એજિરિન-ઑગાઇટ અને એજિરાઇટના કવચથી પરિવેષ્ટિત હોય છે.
ગૌણ ઘટકોમાં ક્વાર્ટઝનો સમાવેશ થઈ શકે, જે મોટેભાગે આંતરકણજગાઓ પૂરતો મર્યાદિત રહે છે. 5 % અને 10 % ક્વાટર્ઝ પ્રમાણવાળો ખડક ક્વાર્ટઝ-સાયનાઇટ કહેવાય છે; ટકાવારી વધી જાય તો સાયનાઇટને બદલે ગ્રૅનાઇટ કહેવાય. ફેલ્સ્પેથૉઇડ(નેફેલિન, સોડાલાઇટ કે લ્યુસાઇટ)નું થોડું પ્રમાણ આ ખડકમાં હોઈ શકે; પરંતુ તે 10 %થી વધી જાય તો ખડક ફેલ્સ્પેથૉઇડ-સાયનાઇટ (જેમ કે, નેફેલિન સાયનાઇટ) કહેવાય છે.
ઉપર જોયું તેમ, અન્ય અનુષંગી ગૌણ ખનિજોમાં ઝિર્કોન, સ્ફીન, ઍપેટાઇટ, મૅગ્નેટાઇટ અને ઇલ્મેનાઇટ હોઈ શકે. સાયનાઇટના વિશિષ્ટ પ્રકારોમાં લોહસમૃદ્ધ ઑલિવિન, કોરંડમ, ફ્લોરાઇટ, સ્પાઇનેલ અને ગાર્નેટ પણ હોય છે.
કણરચના : સાયનાઇટની કણરચના સામાન્યપણે તો સમદાણાદાર હોય છે. જોકે, અતિસ્થૂળ એટલે કે પેગ્મેટાઇટવત્ કણરચના સ્થાનભેદે મળે ખરી. કેટલાક સાયનાઇટમાં આલ્કલી ફેલ્સ્પારના અસંખ્ય મહાસ્ફટિકો ખડકને પૉર્ફિરિટિક કણરચનાવાળો બનાવી દે છે. આ મહાસ્ફટિકો અગાઉના કે પછીથી બનેલા તેમજ સુસ્પષ્ટ પાસાદારથી અનિયમિત હોઈ શકે છે. વિશેષે કરીને તો તે સૂક્ષ્મદાણાદાર પ્રકારોમાં તેમજ પૉર્ફિરીમાં જ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે.
સંરચના : સાયનાઇટમાં દિશાકીય લક્ષણો દર્શાવતી સંરચના રજૂ થતી જોવા મળે છે. પટ્ટાદાર અને સમાંતર તરંગો જેવાં રેખીય લક્ષણો આ ખડકમાં ક્યારેક જુદાં જુદાં ખનિજો દર્શાવે છે; લાંબાં ખનિજોની સમાંતર ગોઠવણી સ્થિતિને કારણે તેમજ તેમનાં જૂથને કારણે પ્રવાહ-સંરચના જેવી સ્થિતિ ઉદભવે છે. સમાંતર ગોઠવાયેલા સંપૂર્ણ પાસાદાર ફલકોવાળા મેજ આકારના ફેલ્સ્પારના સ્ફટિકો વિશિષ્ટ દેખાવ રચે છે. કેટલાક સાયનાઇટ ખડકોમાં આવું દિશાકીય લક્ષણ મૅગ્મા પ્રવાહની અસરથી રચાતું હોય છે; તો કેટલાકમાં એટલે કે કણશ: વિસ્થાપન પામેલા કે વિકૃતીકરણ પામેલા સાયનાઇટમાં અવશિષ્ટ સ્તરરચના કે પત્રબંધી રચના પણ રજૂ થતી જોવા મળે છે.
પ્રાપ્તિસ્થિતિ : સાયનાઇટ એ ઓછા પ્રમાણમાં જોવા મળતો અંત:કૃત ખડક છે. તે મોટેભાગે તો ડાઇક, સિલ, સ્ટૉક અને નાનાં અનિયમિત અંતર્ભેદકો સ્વરૂપે મળે છે. આલ્કલી સાયનાઇટ આલ્કલી ગ્રૅનાઇટ કે ફેલ્સ્પેથૉઇડલ ખડકો સાથે જ્યારે કૅલ્ક-આલ્કલી સાયનાઇટ મૉન્ઝોનાઇટ, ક્વાર્ટઝ સાયનાઇટ અને ગ્રૅનાઇટ સાથે સંકળાયેલો હોય છે.
ઉત્પત્તિ–સ્થિતિ : મોટાભાગના સાયનાઇટ ખડકો સાયનાઇટ બંધારણવાળા મૅગ્મા દ્રવમાંથી સીધેસીધા જ સ્ફટિકીકરણ પામતા હોય છે; અન્ય સાયનાઇટ બિનસાયનાઇટિક બંધારણવાળા મૅગ્મા અને ભેળસેળવાળા ખડકટુકડાઓ વચ્ચે થતી પ્રક્રિયાથી બનતા હોય છે તો વળી બીજા કેટલાક આલ્કલી સમૃદ્ધ બાષ્પાયનો સ્વરૂપે કણશ: વિસ્થાપનથી થતા હોય છે, જેમાં બાષ્પાયનોની ઉત્પત્તિ ઊંડે રહેલા મૅગ્મામાંથી થતી હોય છે, જે ચોક્કસ બંધારણવાળા ખડકો સાથે પ્રક્રિયા કરીને વિપુલ પ્રમાણમાં આલ્કલી ફેલ્સ્પારની રચના કરતા હોય છે.
ગિરીશભાઈ પંડ્યા